પરિચય :
રસોડામાં મસાલાઓમાં હળદર પોતાનું આગવું સ્થાન ધરાવે છે. તેનો ઔષધ તરીકે પણ મોટા ઉપયોગ છે. હળદરમાં બે પ્રકાર છે : એક લોખંડી અને બીજી નરમ. લોખંડી હળદર રંગકામમાં વપરાય છે, જયારે પોચી હળદર મસાલા તરીકે વપરાય છે. હળદર વગર વ્યંજનનો સારો સ્વાદ આવતો નથી, તે ફિક્કું લાગે છે. હળદર બાળક, યુવાન, વૃદ્ઘ દરેક વર્ગમાં ઉપયોગી છે. હળદર સામાન્ય સ્ત્રીઓ, સગર્ભા સ્ત્રીઓ, સુવાવડી સ્ત્રીઓ વગેરેને તેમજ કોઇ પણ પ્રકૃતિવાળાને ઉપયોગી થાય છે. તેના સેવનથી કોઇને કાંઇ પણ નુકસાન થતું નથી. તે વાત, પિત્ત અને કફ એમ ત્રણે પ્રકૃતિવાળાને એક સમાન લાભ કરે છે. હળદરમાં લોહી શુદ્ઘ કરવાનો મોટો ગુણ છે. શુદ્ઘ લોહી કોઇ પણ રોગનો સામનો કરી શકે છે. શરીરમાં પેદા થતી વિકૃતિઓનું તે સારી રીતે શમન કરે છે.
ગુણધર્મ :
હળદર તીખી, કડવી, રુક્ષ, લુખી અને ગરમ છે તેમજ શરીરનો વર્ણ સુધારે છે. ઉપરાંત તે કફ, વાત, પિત્ત, ચામડીનો દોષ, લોહીવિકાર, સોજો, એનિમિયા, વ્રણ, કોઢ અને ખરજ મટાડે છે. તે કૃમિનાશક છે, પાચનતંત્રને સુધારે છે અને લોહીના સ્ત્રાવને રોકે છે.
ઉપયોગ :
(૧) ઉધરસ ઉપર : રાતે સૂતી વખતે શેકેલી હળદરનો ટુકડો ચાવીને ખાવો.
(૨) શ્ર્લીપદ (પગ અથવા હાથ જાડા થવા) ઉપર : (એક વર્ષથી વધુ જૂનું ન હોય તો ) હળદર અને ગોળ ગોમૂત્રમાં ભેળવીને પીવું.
(૩) સળેખમ અને ઉધરસ ઉપર : ગરમ કરેલા દૂધમાં હળદરમાં ચૂર્ણની નાની અડધી ચમચી ભેળવીને પીવું.
(૪) ગળું બેસી જાય અને ગળામાંથી અવાજ ન નીકળે તો ગરમ કરેલા દૂધમાં બે ચપટી હળદરનું ચૂર્ણ નાખીને તે દૂધ પીવું.
(૫) મૂઢમારથી કે કંઇક વાગવાથી લોહી જામી જાય ત્યારે હળદર તથા મીઠું વાટી ગરમ કરીને ચોપડવું.
(૬) મૂઢમારના દુખાવા ઉપર હળદર અને કળિચૂનાનો લેપ કરવાથી દુખાવો મટે છે.
(૭) હરસ ઉપર : તુવેરદાળના આંધળમાં હળદરનો ગાંઠિયો નાખી બાફી લેવો. ત્યારપછી તેને સૂકવી લેવો. તેને ગાયના ઘીમાં વાટી, મલમ જેવું બનાવી હરસ પર લગાડવાથી દુખાવો મટે છે, હરસમાં પણ ફાયદો થાય છે.
(૮) જખમ ઉપર : હળદરનું ચૂર્ણ લગાડવાથી લોહી નીકળતું બંધ થાય છે અને જખમ જલદી રુઝાય છે.
(૯) આંખની રતાશ, ઝામર અને ફૂલા ઉપર : તુવેરની દાળમાં બાફેલા હળદરના ગાંઠિયાને વાટી આંખમાં આંજવું.
(૧૦) આંખની લાલાશ અને બળતરા ઉપર : હળદર અને ફુલાવેલી ફટકડીનું ચૂર્ણ ગરમ કરીને ઠારેલા પાણીમાં નાખી તેમાં આંખો ધોવી.
(૧૧) શરદી અને સળેખમ ઉપર : હળદરવાળા ઉકાળેલા પાણીની બાફ લેવી .
(૧૨) ન રુઝાતો જખમ જલદી રુઝાય તે માટે હળદરને તેલમાં કકડાવી તે તેલ ચોપડવું.
(૧૩) કમળા ઉપર : ગાયના દૂધ કે છાશમાં હળદર નાખીને તે પીવી.