હાલ્ય વાલ્ય ને હાંસીનો,
રાત ચૂડો ભાઈની માસીનો;
માસી ગ્યાં છે માળવે,
ભાઈનાં પગલાં રે જાળવે.
હાં....હાં હાલાં !
હાલ્ય વાલ્ય ને હાંસી,
લાડવા લાવશે ભાઈની માસી,
માસી ગ્યાં છે મ’વે,
લાડવા કરશું રે હવે.
હાં....હાં હાલાં !
હાલ્ય વાલ્ય ને હલકી,
આંગણે રોપાવો રે રૂડી ગલકી;
ગલકીનાં ફૂલ છે રાતાં,
ભાઈનાં મોસાળીઆં છે માતાં;
માતાં થૈને આવ્યાં,
આંગલાં ટોપી રે લાવ્યાં;
આંગલાં ટોપીએ નવનવી ભાત,
ભાઈ તો રમશે દા’ડો ને રાત;
મોસાળમાં મામી છે ધુતારી
આંગલાં લેશે રે ઉતારી;
મામાને માથે રે મોળીઆં,
ભાઈનાં ઉતરાવશે હીંગળોકીઆં ઘોડીઆં.
હાં....હાં હાલાં !
હાલ્ય વાલ્ય ને હેવૈયો,
ભાઈને ભાવે રે લાડુ સેવૈયો;
સેવૈયો પડ્યો છે શેરીમાં,
ભાઈ તો રમશે મા’દેવની દેરીમાં;
દેરીએ દેરીએ દીવા કરું,
ભાઈને ઘેરે તેડાવી વિવા કરું,
વિવા કરતાં લાગી વાર,
ભાઈના મામા પરણે બીજી વાર,
હાં....હાં હાલાં !
હાલ્ય વાલ્યના રે હાકા,
લાડવા લાવે રે ભાઈના કાકા,
હાલ્ય વાલ્ય ને હુવા,
લાડવા લાવે રે ભાઈના ફૂવા;
ફૂવાના તો ફોક,
લાડવા લાવશે ગામનાં લોક;
લોકની શી પેર,
લાડવા કરશું આપણે ઘેર;
ઘરમાં નથી ઘી ને ગોળ,
લાડવા કરશું રે પોર;
પોરનાં ટાણાં વયાં જાય,
ત્યાં તો ભાઈ રે મોટો થઈ જાય.
હાં....હાં હાલાં !
હાલ્યા વાલ્ય ને હેલ્ય,
વગડે વસતી રે ઢેલ્ય;
ઢેલ્યનાં પગલાં તો રાતાં,
ભાઈના કાકા મામા છે માતા.
હાં....હાં હાલાં !
હાલ્ય વાલ્ય ને હડકલી,
ભાઈને ઓઢવા જોવે ધડકલી
હાં....હાં હાલાં !
ભાઈ મારો છે વણઝારો,
સવા શેર સોનું લઈ શણગારો;
સોનું પડયું છે શેરીમાં
ભાઈ મારો રમશે મા’દેવજીની દેરીમાં.
હાં....હાં હાલાં !
ભાઈને દેશો નૈ ગાળ,
ભાઈ તો રિસાઈ જાશે મોસાળ;
મોસાળે મામી છે જૂઠી,
ધોકો લઈને રે ઊઠી;
ધોકો પડયો છે વાટમાં,
ને ભાઈ રમે રે હાટમાં.
હાં....હાં હાલાં !
ભાઈ મારો છે ડાયો,
પાટલે બેસીને રે નાયો;
પાટલો ગ્યો રે ખસી,
ભાઈ મારો ઊઠયો રે હસી.
હાં....હાં હાલાં !
ભાઇ મારો છે સાગનો સોટો,
આવતી વહુનો ચોટલો મોટો.
હાં....હાં હાલાં !
ભાઈ મારો છે લાડકો,
જમશે ઘી સાકરનો રે વાડકો;
ઘી સાકર તો ગળ્યાં,
ભાઈના વેરીનાં મોં બળ્યાં;
ઘી સાકર ખાશે મારા બચુભાઈ,
વાટકો ચાટે રે મીનીબાઈ.
હાં....હાં હાલાં !
ભાઈ મારો છે રે રાંક,
હાથે સાવ સોનાનો છે વાંક,
વાંકે વાંકે રે જાળી,
ભાઈની સાસુ છે કાળી !
વાંકે વાંકે રે ઘૂઘરી ,
ભાઈની કાકી મામી છે સુધરી !
વાંકે વાંકે મોતી થોડાં.
ભાઈને ઘેર ગાડી ને ઘોડાં;
ઘોડાંની પડઘી વાગે,
ભાઈ મારો નીંદરમાંથી જાગે;
ઘોડાં ખાશે રે ગોળ,
ભાઈને ઘેરે હાથીની રે જોઙ
હાં....હાં હાલાં !
ભાઈ મારો છે ગોરો,
એની ડોક માં સોનાનો રે દોરો;
દોરે દોરે રે જાળી,
ભાઈની કાકી રે કાળી.
હાં....હાં હાલાં !
ભાઈ મારો છે હટારો,
ઘી ને ખીચડી ચટાડો.
ખીચડીમાં ઘી થોડું,
ભાઈને સારું વાઢી ફોડું.
ઘી વિના ખીચડી લૂખી,
ભાઈના પેટમાં રે દુઃખી !
હાં....હાં હાલાં !
ભાઈ ભાઈ હું રે કરું,
ભાઈ વાંસે ભૂલી ફરું;
ભાઈને કોઈએ દીઠો,
ફૂલની વાડીમાં જઈ પેઠો,
ફૂલની વાડી વેડાવો,
ભાઈને ઘેરે રે તેડાવો.
હાં....હાં હાલાં !
હડય તુતુડાં હાંકું,
ભાઈને રોતો રે રાખું;
તુતુડાં જાજો દૂર,
ભાઈ તો શિરાવશે દૂધને કૂર;
દૂધને કૂર તો લાગે ગળ્યાં,
ભાઈના આતમા રે ઠર્યા;
હડય તુતુડાં હસજો,
વાડીમાં જઈ ને રે વસજો.
હાં....હાં હાલાં !