ગુજરાતના મહત્વનાં નગરોમાં એક વડોદરા. દેશને આઝાદી મળી ત્યાં સુધી તે ગાયકવાડી શાસન હેઠળ હતું. એટલે અન્ય નગરો કરતાં વિશિષ્ટ પણ ખરું. ખાસ કરીને મહારાજા સયાજીરાવે વડોદરામાં ઐતિહાસિક ઈમારતો બંધાવી, લલિતકળાઓ, વિદ્યાશાખાઓ અને ટેકનિકલ શિક્ષણ માટે પહેલ કરી.
પ્રેમાંનદે ગાયેલું ‘વીર વડોદરું‘. ગાયકવાડની રાજધાની. અગાઉના ગાયકવાડ રાજાઓએ તેને વહીવટી કેન્દ્ર તરીકે વિકસાવ્યું તો કલ્પનાશીલ દીર્ઘદર્શી રાજવી સયાજીરાવે તેને સુવિકસિત અને શોભતું નગર બનાવ્યું. રૂપાળા બગીચાઓ, વિશાળ રસ્તાઓ, સરસ સ્થાપત્યના નમૂના જેવાં મહાલયો અને સુંદર શિલ્પમૂર્તિઓથી તેને
સજાવ્યું. માત્ર રાજમહેલો જ નહીં પણ સુંદર ન્યાયાલયો, કૉલેજો-વિદ્યાભવનો, સંગ્રહાલય વગેરેથી તેમજ ઉદ્યોગોથી તેને સમૃદ્ધ કર્યું. સયાજીકાળની એ શોભા-સુંદરતા, શાંતિ અને ભવ્યતા હવે ઉત્તરોત્તર ઘટતી જાય છે. છતાં હજી ગુજરાતનાં નગરોમાં સુંદર નગરી છે વડોદરા.
ઝવેરાત કે સોનારૂપાની તોપો ભલે જોવા ન મળે, પણ રાજકુટુંબનાં શસ્ત્રોના મ્યુઝિયમમાં ને માણિકરાવના શસ્ત્રાગારમાં આશ્ચર્યકારક નમૂના જોવા મળે છે. પ્રાણીબાગ હજીય સજીવ છે ને તેમાં પ્લેનેટોરિયમ ઉમેરાયું છે. કૉલેજ યુનિવર્સિટીમાં વિકસી છે, સંગીતશાળા ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં રૂપાંતરિત થઈ છે. હેરીપુરા દરવાજા ને માંડવી ને ન્યાયમંદિરની ઇમારતો જાણે કે વડોદરાના અસલી વ્યક્તિત્વને જાળવી રહી છે. કીર્તિસ્તંભ અને કીર્તિમંદિરની દીવાલ પરનાં નંદલાલ બોઝનાં ચિત્રો, પ્રાચ્ય વિદ્યામંદિર અને પુરાતત્વ સંશોધનની સંસ્થાઓમાં પડેલી મૂલ્યવાન હસ્તપ્રતો સંસ્કારપ્રેમી રાજવીના વારસાને સાચવી રહ્યાં છે.
મૂળ શહેર તો નાનું. કેન્દ્રમાં માંડવીને ચોપાસ ચાર દરવાજા : લહેરીપુરા, ચાંપાનેરી, બરાનપુરી અને પાણી દરવાજો. અંદરનો વિસ્તાર એ જ મૂળ ગામનો વિસ્તાર. માંડવી પાસે નજરબાગ એ મૂળ રાજમહેલ. પછી તે વિસ્તર્યું ને છેલ્લા ત્રણ-ચાર દાયકામાં તો ખૂબ વિસ્તર્યું. ચોપાસના ઉદ્યોગવિસ્તારો ને તેમાંય રિફાઈનરી અને પેટ્રોકેમિકલ્સના ઉદ્યોગો તથા નજીકમાં જ ફર્ટિલાઈઝર-નગર થતાં તો વડોદરાના વિકાસ અને વિસ્તારની ગતિ એકદમ વધી ગઈ છે. અગાઉ મહત્વના ગણાતા વડોદરાના ઉદ્યોગો એલેમ્બિક કેમિકલ્સ, એલેમ્બિક ગ્લાસ, જ્યોતિ એન્જિનિયરિંગ, સયાજી એન્જિનિયરિંગ તો હવે નાનાં કહેવાય – એટલા મોટા અને એટલા વિવિધ મોટા ઉદ્યોગો ત્યાં કેન્દ્રિત થયા છે. નજીકમાં જ હાલોલનો થયેલો વિકાસ વડોદરાના વિકાસમાં પૂર્તિ કરે છે. પણ આમાંય ત્રણ મોટાં સંકુલો નોંધપાત્ર છે : બાજવા પાસે વિશાળ વિસ્તારમાં ફેલાયેલું ‘ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની‘નું ખાતરનું કારખાનું, અંકલેશ્વરથી ઉત્તર ગુજરાત પર્યંતના તેલક્ષેત્રોમાંથી આવતા ખનિજ તેલનું શુદ્ધિકરણ કરતી 1965માં સ્થપાયેલી કોયલી રિફાઈનરી, રસાયણો ને તેનાં ઉત્પાદનોનું કામ કરતું કારખાનું. વડોદરાની આસપાસનાં આ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાનાં ઉદ્યોગ સંકુલો વડોદરા જ નહીં પણ ગુજરાતના તેમજ સમગ્ર રાષ્ટ્રના વિકાસની ર્દષ્ટિએ ખૂબ જ મહત્વનાં છે.
વૈભવી ઇમારતોનું આ શહેર છે. તેમાંયે ન્યાયમંદિર, પૂર્વજોનું સ્મારક જાળવતું કીર્તિમંદિર, ભવ્ય ગુંબજવાળી કૉલેજ, સુરસાગર તળાવ, સંગ્રહાલય વગેરે અનેક ઇમારતો તેમનાં સ્થાપત્ય અને કલાત્મકતા માટે દર્શનીય છે. વડોદરાનાં મહાલયો, માર્ગોને ઉદ્યાનો અનેક નમૂનેદાર શિલ્પમૂર્તિઓથી સભર છે. આખું શહેર જાણે કે કલાત્મક સંગ્રહાલય છે.
વડોદરાનું મધ્યવર્તી પુસ્તકાલય નમૂનેદાર ગણાય. મહારાજાએ પોતાના રાજ-મહેલનો ગ્રંથભાર ભેટ આપીને તેને સમૃદ્ધ કર્યું છે. ગુજરાતના આ સૌથી મોટા ગ્રંથાગારને રાજ્ય ગ્રંથાલયનો દરજ્જો મળ્યો છે. પ્રાચ્યવિદ્યામંદિરનો ગ્રંથભંડાર પણ ઘણો કીમતી છે. ઉપરાંત જયસિંહરાવ ગ્રંથાલય તો સો વર્ષ પુરાણું છે. તેમાં હજારો પુસ્તકો છે. પ્રાચ્યવિદ્યામંદિરમાં તો હજારો હસ્તપ્રતો સચવાઈ છે. અનેક અપ્રાપ્ય તેવી ભોજપત્ર, તાડપત્ર વગેરેની હસ્તપ્રતો પર શાહી કે સુવર્ણ-રજત રંગોથી લખાયેલ આ ગ્રંથોનો દેશ-પરદેશના અનેક વિદ્યાપ્રેમી સંશોધકો સતત અભ્યાસ કરે છે. આ માટે હવે તો અદ્યતન યંત્ર-સામગ્રી પણ ઉમેરાઈ છે. આ સંશોધનોના તેના પ્રાંગણમાં મહાકવિ પ્રેમાનંદની પ્રતિમા છે.
લલિતકલાઓનો અભ્યાસ કરાવતી ફાઈન આર્ટસ ફેકલ્ટી દેશભરમાં ઘણી વિખ્યાત છે. ખ્યાતનામ કલાકાર સ્વ. બેન્દ્રે જેવાની સેવાઓનો તેના પ્રથમ ડીન તરીકે લાભ મળ્યો હતો. તો નાટ્યક્ષેત્રે માર્કંડ ભટ્ટ, ઊર્મિલા ભટ્ટ અને શિવકુમાર શુકલ જેવા કલાકારોનો લાભ આ સંસ્થા દ્વારા પ્રજાને મળ્યો છે – મળે છે. નૃત્યક્ષેત્રે પણ એવી જ પ્રગતિ થઈ છે. આ બધી જ સંસ્થાઓમાં કલાઓની પરંપરાગત જાળવણી ઉપરાંત અહીં આધુનિક વહેણોનો પરિચય અને નવા પ્રયોગો પણ થઈ રહ્યા છે. વડોદરા ભારતનાં ખ્યાતનામ કલા-કેન્દ્રોમાંનું એક ગણાય છે. ચિત્રક્ષેત્રે જેરામ પટેલ ને ગુલામ મોહંમદ શેખ, જ્યોતિ ભટ્ટ અને ભૂપેન ખખ્ખર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામી ચૂકયા છે. તો સંગીતમાં આચાર્ય તરીકે આર. સી. મહેતાનો લાભ મળ્યો. ચિત્ર, સંગીત અને નૃત્યકળામાં પદવી આપતી ગુજરાતભરની આ એક માત્ર સંસ્થા છે.
ઉદ્યોગોની હણહણાટી વચ્ચે પણ ત્યાં આફતાબે મૌસુકી, ઉસ્તાદ ફૈયાઝખાં અને ભારતીય સંગીતમાં નોટેશન પદ્ધતિ દાખલ કરનાર ‘ખાંસાહેબો‘ના સંગીતના સૂર સંભળાય છે. હવે ઘોડાની રેસ અહીં રમાતી નથી પણ રેસકોર્સ છે. પણ વિજય હજારે, દત્તાજી અને અંશુમાન પેદા થયા છે. કિરણો મોરે અને નયન મોંગિયા જેવા કુશળ વિકેટકીપર, ઝહીરખાન અને ઈરફાન પઠાણ જેવા બોલર વડોદરાએ આપ્યા છે. તેમજ ભારતમાં કૉમ્યુનિકેશનમાં ક્રાંતિ આણનાર સામ પિત્રોડા પણ વડોદરાના જ છે. નાટ્યપ્રવૃત્તિ વિકસે છે. કલાકારોનો મેળો જામે છે. પુસ્તકાલયોમાં ભીડ રહે છે. વડોદરા માત્ર જોવા જેવું નહીં, પરંતુ વસવા જેવું અને જોઈને જ નહીં પણ જીવીને જાણવા જેવું !