વેરાવળથી ઉના જતા રસ્તે પ્રભાસથી પ્રાચી ર૩ કિલોમીટર છે. સરસ્વતી નદી અહીં પૂર્વ દિશાએ વહન કરે છે. જેથી અહીં પૂર્વ વાહીની સરસ્વતીમાં સ્નાન કરવાનું તથા શ્રાદ્ધ કરવાનું મહાત્મ્ય છે. પીપળાના વૃક્ષોનો સમુહ છે તથા કિનારે માધવરાયજી અને લક્ષ્મીજીની પ્રતિમા છે.
પુરાણ કથા પ્રમાણે સત્યયુગમાં મુનિવર દધિચિ થઈ ગયા. મુનિવર દધિચિએ દેવતાઓના હિત માટે થઈને, પોતાના શરીરનાં હાડકામાંથી આયુધ બનાવવા માટે, દેવોને પોતાનો દેહ આપ્યો હતો. આ હાડકામાંથી વજ્ર નામનું હથિયાર બનાવી ઈન્દ્રરાજે અસુરોનો રાજા વૃત્રાસુરનો નાશ કર્યો હતો.
દેવો માટે દેહદાન કર્યા પછી મુનિવર દધિચિના પત્નીને પુત્ર પીપ્લાદનો જન્મ થયો. પીપળાના વૃક્ષો સમીપ જન્મ અને ઉછેર થયો તેથી તે પુત્ર પીપ્લાદ કહેવાયો.
પિતા દધિચિના દેહ છોડવાનું કારણ દેવો હતા. તેથી પીપ્લાદે દેવોને શત્રુ સમાન સમજી તેનો વિનાશ કરવા હિમાલયમાં તપસ્યા કરી, તપોબળથી વડવાનલ નામનો અગ્નિ ઉત્પન્ન કર્યો અને વડવાનલ અગ્નિને દેવતાઓઓ બાળીને વિનાશ કરવાની પ્રેરણા કરી.
આથી વડવાનલ અગ્નિ સ્વર્ગ તરફ જવા લાગ્યો. સ્વર્ગમાં તેજોમય જવાળાથી દેવતાઓ ઘેરાય ગયા. દેવોએ અગ્નિ ને કહ્યું અમારામાંથી સર્વપ્રથમ વરૂણ દેવનું ભક્ષણ કરો આથી વડવાનલ તથાસ્તુ કહી, દેવોને કહ્યું સર્વ પ્રથમ વરૂણ દેવ પાસે મને લઈ જાવ ભયાનક અગ્નિથી ઘેરાયેલા દેવોની સહાયતા કરવા માતા ગંગાજીએ સોનાકુંભ નામના પાત્રમાં અગ્નિને રાખીને સમુદ્ર સુધી પહોંચાડવા સરસ્વતીને આજ્ઞા કરી.
સરસ્વતી કહે હે માતા જો હું આ અગ્નિના તાપથી બળુ તો તમે મને સહાય થજો.
સરસ્વતી હિમાલયથી નીકળી ભૂગર્ભમાં અને જમીન ઉપર વહેતાં વહેતાં અહીં સુધી પહોંચ્યા પછી અગ્નિનો તાપ અસહ્ય થઈ પડયો. જેથી પૂર્વ વાહીની થઈ ગંગાજીનું સહાયતા માટે સ્મરણ કરતાંજ માતા ગંગા બીજા તીર્થોને લઈ અહીં પધાર્યા. ગંગા, યમુના, ગોદાવરી, ગોમતી, સિંધુ, ક્ષિપ્રા, સરયુ, નર્મદા, કાવેરી, ગંડકી વિગેરે સર્વે તીર્થ જળ ભેગા મળીને પોતાના શિતલ જલનો સરસ્વતીના મસ્તક ઉપર અભિષેક કર્યો.
સરસ્વતીએ વડવાનલને સમુદ્રમાં લઈ જઈ દેવોનું આ મહાન કાર્ય પુરૂ કર્યુ અને વડવાનલ અગ્નિ અગાધ સમુદ્રને બાળવા ગયો.
પ્રાચી સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ પૂર્વ દિશા એવો થાય છે.
લોકો ભાષા કહે છે કે અહીંથી વડવાનલ સમુદ્રને બાળવા ગયો. જે હજુ પણ આ દરિયાની જલ રાશી ઉપર વારંવાર દેખા દયે છે. હકીકતમાં કુદરતની પણ રહસ્યમય લીલા એવી છે કે પૃથ્વીનો આ ભાગ વિશ્વમાં સહુથી નીચો છે. આખી પૃથ્વી ઉપર ત્રણ ભાગમાં સમુદ્રના પાણી છે અને એક ભાગની જમીન છે. કોઈપણ ચીજ કે કચરો જ્યારે સમુદ્રમાં પડે છે, ત્યારે કિનારા ઉપર ધકેલાય જાય છે. જો કિનારે ન ધકેલાય તો સામ સમુદ્રના પાણીમાં પઙેલો વિશ્વનો તમામ કચરો પશ્ચિમના આ દરિયાનાં પાણીમાં ભેગો થયા જ કરે છે. જેને ગોસનો દરિયો કહે છે. સરગોસના આ કચરામાં રાયાયણિક સંયોજનથી ફોસ્ફરસ નામનો વાયુ બને છે, જેથી પાણી ઉપર કચરામાં ભયંકર અગ્નિ સળગ્યા કરતો હોય છે, જે રાત્રે સ્પષ્ટ દેખાય છે. હજારો વર્ષથી આ પ્રમાણે અગ્નિ પાણી ઉપર સળગે છે. પરિણામે વર્ષાઋતુ જ્યારે બેસે છે ત્યારે અગ્નિમાં દેખાતી બ્લુ જ્યોતનાં રંગવાળા વિશિષ્ટ પ્રકારના છાંટા આ સાગર કાંઠે ઉડે છે. કોઈપણ જીવ કે માનવીની ચામડી ઉપર તેનો સંપર્ક થતાં આગથી દાઝ્યા હોય તેમ બળતરા થઈને ફોલ્લો પડી જાય છે. આ મહાસાગરના ધ્રુવ તરફ વહેતા જતાં સમુદ્રના પાણી સદાય ગરમ હોય છે. વડવાનલ અગ્નિની કુદરતની આવી પ્રમાણિત હકીકત છે.
પ્રાચીએ પિતૃયજ્ઞ અર્થાત શ્રાદ્ધ વિધિ કરવાથી ધન, યશ, પુત્ર પ્રાપ્તિ થાય છે તથા પિતૃઓને પ્રસન્નતા થાય છે.
આ પ્રાચી તિર્થ ઉપર મોક્ષવિધિ પરિપૂર્ણ કરવા અને ભાઈ-ભાઈમાં થયેલા વિગ્રહના દોષ નિવારણ માટે ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠરને આજ્ઞા કરી હતી.
પ્રાચી તીર્થ ઉપર ચૈત્ર સુદ – ૧૩, ૧૪, ૧૫નો મેળો ભરાય છે. સંતાનની કામનાવાળા દંપતિ પ્રાચીએ વિધીસર શ્રાદ્ધ કરી બ્રહ્મ ભોજન કરાવે છે. આથી જમાડશે તે રમાડશે તેમ કહેવાય છે.