હોમ
‘હોડકો‘ ઈકો ટુરિઝમનું સેન્ટર
-
‘હોડકો‘ ઈકો ટુરિઝમનું સેન્ટર
કચ્છના મોટા રણમાં આવેલું ગામ ‘હોડકો‘ ઈકો ટુરિઝમનું સેન્ટર
શું તમને કચ્છનાં અંતરિયાળ ગામડાંઓમાં જઈ પરંપરાગત રીતે જીવતા લોકો સાથે સમય ગાળવો ગમે ? સ્થાનિક રીત-રિવાજો, કળા સામાજિક અને સાંસ્કૃતિક જીવનશૈલી ત્યાંના વિષે સ્થાનિક લોકો પાસેથી જાણવાનો ઉત્સાહ છે ? જો હા ! તમારા માટે એક નવા જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પ્રવાસીઓ માટે એક નવો પ્રોજેકટ મીનીસ્ટ્રી ઑફ ટુરીઝમ, ભારત સરકાર અને યુ.એન.ડી.પી.નાં સંયુક્ત સહકારથી હાથ ધરવામાં આવ્યો છે. તાજેતરમાં ભારતનાં જુદાં-જુદાં રાજ્યોમાંથી કુલ 31 ગામોને ઇકો-ટુરિઝમ માટે પસંદ કરવામાં આવ્યાં છે. ગુજરાત રાજ્યમાં કચ્છનાં બન્ની વિસ્તારના હોડકો ગામને ‘ઇકો-ટુરિઝમ સ્પોટ‘ તરીકે પસંદ કરવામાં આવ્યું છે.
આ હોડકો ગામ ભૌગોલિક રીતે પણ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ ગામ ભુજથી 62 કિલોમીટર દૂર મોટા રણમાં આવેલું છે. "ઇકો-ટુરિઝમ માટે હોડકો ગામ પસંદ કરવા માટેનું મુખ્ય કારણ તેની ભૌગોલિક સ્થિતિ છે. આ ગામ બન્ની વિસ્તારમાં આવેલું છે. આ વિસ્તાર તેના ‘ગ્રાસ-લેન્ડ‘ માટે જાણીતો છે. વળી અહીંથી કચ્છનું મોટું રણ, ઐતિહાસિક કાળો-ડુંગર અને સીવીલિયન માટેની છેલ્લી સરહદ ઇન્ડિયાબ્રિજ એકદમ નજીક છે. "ગ્રાસ લેન્ડ હોવાને લીધે શિયાળામાં સાઇબીરિયન ક્રેન, સારસ ક્રેન, ફલેમિંગોં જેવાં વિદેશી પક્ષીઓ પણ આ વિસ્તારનાં મહેમાન બને છે. આ તમામ વસ્તુઓ એક સાથે ટુરિસ્ટને એક જ જગ્યાએ એકસાથે મળી રહે છે.
હોડકો ગામમાં રહી ટુરિસ્ટ કચ્છના અન્ય જોવાલાયક સ્થળે ફરી શકે તે માટે વાહનવ્યવહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર ટુરિસ્ટ સેન્ટર સ્થાનિક લોકો જ સંભાળી શકે તે માટે તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે. આ યુવાનો ટુરિસ્ટસ માટે ગાઇડ (ભોમિયા)નું પણ કામ કરશે.
અત્યાર સુધી બહારથી આવતા પ્રવાસીઓ, સંશોધકોને જો અંતરિયાળ ગામડામાં જવું હોય તો ત્યાં કોઈ રહેવાની સગવડ મળતી નહીં. આથી કોઈ પણ વ્યક્તિએ રાત પડતા ભુજમાં જ આવી જવું પડતું. માહિગાર સૂત્રોના જણાવ્યા અનુસાર હવે પ્રવાસીઓ આ તૈયાર કરેલા હોડકો ગામમાં જ રોકાઈ શકે તેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. કચ્છ તેની ભાતીગળ પરંપરા, રીત, રિવાજો, ટ્રેડીશનલ મ્યુઝિક, લોકસંગીત માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કચ્છમાં લોકો જે વિશિષ્ટ પ્રકારના ગોળ ‘ભુંગા‘ બનાવી રહે છે તેવા જ લીંપણ વાળા ઘરો પ્રવાસીઓ માટે બનાવવામાં આવ્યા છે. આ ઘરોને સ્થાનિક ભરતકામથી શણગારવામાં આવ્યા છે. કચ્છમાં એવા ઘણા કલાકારો અને ગાયકો છે જે હવે લુપ્ત થવાને આરે છે તે તમામ કલાકારો અને ભજન-મંડળીઓ પણ રોજ પ્રવાસીઓને સંભળાવશે. બહારથી આવતા પ્રવાસીઓને હસ્તકળાની બનાવટો પણ મળશે. બન્ની વિસ્તારની આસપાસની બહેનોએ તૈયાર કરેલી હસ્તકલાની વસ્તુઓઓ, લેધર, કલે, મેટલ, મડ વર્ક, વુડ અહીંથી જ મળશે.
હોડકો ગામ કેવું છે ?
અહીંના મકાનોમાં ક્યાંય સિમેન્ટનો ઉપયોગ થયો નથી. પરંતુ પ્રવાસીઓ માટે પરંપરાગત ‘ભુંગા‘ તૈયાર કરવામાં આવ્યા છે.
હોડકો ગામ ભુજથી 62કિ.મી. દૂર મોટા રણમાં આવેલું છે. આ વિસ્તાર ગ્રાસલેન્ડ માટે જાણીતો છે.
આ ગામની નજીક કચ્છનો કાળો ડુંગર, ઇન્ડિયા બ્રિજ અને કચ્છનું મોટું રણ આવેલું છે.
ગ્રાસ લેન્ડને લીધે ફલેમિંગો, સાઇબીરિયન ક્રેન, સારસ ક્રેન જેવા માઇગ્રેટરી બર્ડ પણ આ વિસ્તારના મહેમાન બને છે. ટુરિસ્ટ આ હોડકો ગામમાં રી આસપાસના વિસ્તારમાં ફરી શકે તે માટે વાહન વ્યવહારની વ્યવસ્થા છે. સ્થાનિક હસ્તકલાની બનાવટો પણ અહીંથી જ ટુરિસ્ટને મળી શકશે. રાત્રી રોકાણ સમય ટુરિસ્ટ લુપ્ત થતી કચ્છની સંગીત પરંપરાનો આસ્વાદ પણ માણી શકશે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com