-
વડોદરાથી પૂર્વ દક્ષિણે 30 કિ. મી. પર ઐતિહાસિક શહેર – ‘ડભોઈ‘ કહેતાં જ યાદ આવે હીરો કડિયો અને કવિ દયારામ.
ડભોઈ તેના પથ્થરના દુર્ગને લીધે વિખ્યાત છે. નર્મદા નદીની ઉત્તરે આવેલો દુર્ગ વામાવર્ત સવસ્તિકના કોઠાવાળાં પ્રવેશદ્વારો ધરાવે છે. આ પ્રવેશદ્વારો પૂર્વમાં હીરા ભાગોળ, દક્ષિણે નાંદોરી ભાગોળ, પશ્ચિમે વડોદરી ભાગોળ અને ઉત્તરે મહુડી ભાગોળ પાસે આવેલાં હોવાથી તે ભાગોળનાં નામ પરથી ઓળખાય છે.
આ દુર્ગ ગુજરાત, મહારાષ્ટ્ર અને માળવાના અનુક્રમે ચૌલુક્ય-વાઘેલા, યાદવો અને પરમારોના સંઘર્ષના આશરે બારમી સદીના અંત પછી તેરમી સદીમાં તૈયાર થયો હતો, ત્યારબાદ તેનો ઉપયોગ અને સમારકામ વારંવાર થયું હોવા છતાં તેની મૂળ રચનાના ઘણા અંશો સચવાયેલા છે. ગુજરાતના વીશળદેવ વાઘેલાએ તેની રચનામાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું કાલિકા માતાના મંદિર પાસેના શિલાલેખ પરથી જાણવા મળે છે.
મંદિરોનું તથા કિલ્લા અને દરવાજાઓનું સમારકામ હીરાધર શિલ્પી દ્વારા થયું એમ મનાય છે. મૂળ કિલ્લો વગેરે બાંધનાર દેવા શિલ્પી હતો તેમ જણાય છે. ઋષભદેવ જયતિલકપ્રાસાદ અને ત્રણ જૈન મંદિરો, નાગેશ્વર તળાવ વચ્ચેનું નાનું શિવમંદિર, બીબીની બગી, મિનારાવાળી દરગાહ તથા અન્ય દરગાહો, પાછળથી બંધાયેલાં વાઘનાથ, મંગળેશ્વર, આશાપુરી તથા ગઢ ભવાનીનાં મંદિરો વગેરે જોવાલાયક છે. વડોદરા, ચાંપાનેરી વગેરે ચાર દરવાજાઓનું શિલ્પ બેનમૂન છે.
હેમચંદ્રાચાર્યે ગોગશાસ્ત્ર ઉપરની વૃત્તિનો થોડો ભાગ અહીં લખ્યો હતો. સત્તરમી સદીમાં રત્નો કવિ તથા ઓગણીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન અહીં ‘ગરબી‘ પ્રકારનાં કાવ્યોના રચયિતા કવિ દયારામ થઈ ગયા છે. સોલંકીકાળ દરમિયાન આ સમૃદ્ધ શહેરનાં દેવમંદિરોનો અલ્લાઉદ્દીન ખીલજીના સેનાપતિ ઉલૂઘખાને નાશ કર્યો હતો. આજે પણ ડભોઈમાં ઊભેલો ને વૈભવ સોલંકીયુગનું સ્મરણ કરાવતો કિલ્લાનો અવશેષભાગ એ કાળકાનું મંદિર અને હીરા ભાગોળનો એ દરવાજો જાણે દંતકથાને સજીવન કરે છે. 900 મીટર લાંબા અને 700 મીટર પહોળા એ કિલ્લાના ચાર દરવાજામાંના એકની અત્યંત કલાત્મક કારીગરી જોતાં આજે પણ સ્મરણમાં તાજી થાય છે એ રસમય દંતકથા......
મહારાજા જયસિંહ કિલ્લો બંધાવે. કુશળ હીરો કડિયો બાંધકામનો અગ્રણી. તેન નામની પ્રેમિકા. પ્રેમિકાએ શિલ્પીને મહેણું માર્યું. રાજ્ય માટે આટલી કળા પાથરો છો તો મારી યાદગીરી માટે કશુંક નહીં ? અને પ્રેમવશ હીરાએ કિલ્લાના પથ્થરો ચોરી પથ્થરોની જગ્યાએ માટી ભરી તે પથ્થરોથી ડભોઈથી થોડે દૂર બાંધ્યું ‘તેન તળાવ‘ ડભોઈથી ચાંદોદ જતાં ચોરી પકડાઈ. ગુસ્સે ભરાયેલા રાજાએ હીરાને જીવતો કિલ્લાની દીવાલમાં ચણ્યો. પણ વફાદાર સાથીઓએ ચણતરમાં બાકોરું રાખ્યું. પ્રેમિકા તેને તેમાંથી રોજ ઘીની ધાર કરી હીરાને જીવતો રાખ્યો. દરવાજો પૂરો થયો પણ મોટું સંકટ આવ્યું. છેલ્લી કમાન કોઈ કારીગરથી ચઢે નહીં. હીરા સિવાય કોઈને તે આવડે નહીં.
રાજા મૂંઝાયો એટલે તક જોઈ હીરાના સાથીઓએ રાજા પાસે અભયવચન લીધું અને હીરાને બહાર કઢાવ્યો. હીરાએ કમાન ચઢાવી પણ ઘણા સમય સુધી ઓછી હવાથી યેવાયેલાં તેનાં ફેફસાંથી બહારની હવા ન સહેવાતાં તે મૃત્યુ પામ્યો. ને ડભોઈની આ બેનમૂન શિલ્પવાળી કલાત્મક ભાગોળ હીરા ભાગોળ તરીકે વિખ્યાત થઈ. આવી જ બીજી કમાન હીરાએ કંડારેલી તે છે ઉત્તર ગુજરાતના ઝીંઝુવાડામાં. પછી તો કિલ્લો ભાંગ્યો, અનેક શિલ્પો તૂટ્યાં-રઝળ્યાં. અર્વાચીન સમયમાં વળી તેની સંભાળ લેવાઈ. આજે ખંડિત છતાં તેની શિલ્પ-સમૃદ્ધિથી ખચિત તેનાં તોરણો-કમાન અને ઝરૂખા આશ્ચર્ય પમાડે તેવાં છે.
સાંસ્કૃતિક વારસાને વીસરતી ગુલામ પ્રજાની અવદશાની વેદના ધૂમકેતુએ પોતાની ‘વિનિપાત‘ વાર્તામાં વ્યકત કરી છે. એ વાર્તા આ હીરા ભાગોળ પર જ આધારિત છે. એમાંનું એક જ અંગ્રેજનું પાત્ર પણ ઐતિહાસિક છે. ગુજરાત સરકારે હીરા કડિયા વિશેની આ દંતકથા પર આધારિત ફિલ્મ પણ બનાવી છે.
ડભોઈનું પુનિત સ્મરણ ભક્તકવિ દયારામનું. ગુજરાતણોના કંઠને ઊર્મિભરી કવિતાથી ગુંજતી કરી દેનાર વ્યાકુળ વૈષ્ણવ દયારામની જન્મભૂમિ ચાંદોદ. ચાંદોદમાં તેનું મૂળ મકાન છે. તેના જીવનપ્રસંગોની એક ચિત્રાવલિ બાજુના મકાનમાં પ્રદર્શિત થયેલી છે. ચાંદોદના ચોકમાં તેની પ્રતિમા છે.
જ્યારે ડભોઈ એ દયારામની કર્મભૂમિ. પહેલાં જે નાના મકાનમાં દયારામ રહેતા તે પણ સ્મૃતિરૂપે સચવાયેલું છે. પાછળથી દયારામ જે મોટા મકાનમાં રહેવા ગયા અને જીવનના અંત સુધી રહ્યા તે મકાન ડભોઈના નાગરિકોએ ખૂબ આદરપૂર્વક જાળવ્યું છે. તે મકાનમાં કવિશ્રીનો તંબૂર અને તેમનાં ચશ્માં તેમજ વસિયતનામું પણ કાચમાં મઢાવીને રાખવામાં આવ્યાં છે. આમ, ડભોઈ આપણું ઇતિહાસતીર્થ છે, કલાતીર્થ છે – સંસ્કારતીર્થ છે – અક્ષરતીર્થ છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com