ગોધરા પંચમહાલનું મુખ્ય શહેર-મોગલ અને મરાઠાકાળનું અગત્યનું મથક છે. ત્યાંથી ઉત્તરે દેવગઢબારિયા અને દાહોદ સુધીનો જંગલોનો અને આદિવાસીઓનો વિસ્તાર છે. રતનમહાલના ડુંગરા પર રીંછોનું અભયારણ્ય છે. દેવગઢબારિયા જૂનું રજવાડું ને રમણીય સ્થળ છે તો દાહોદ વેપાર-ધંધાથી સમૃદ્ધ એવું લગભગ મધ્યભારતની સરહદે આવેલું શહેર છે. ડભોઈ, સંખેડા, હાલોલ, છોટાઉદેપુર, બોડેલી, ગોધરા, દેવગઢબારિયા, દાહોદ, લુણાવાડા, સંતરામપુર બધે જ કૉલેજો પણ વિકસી છે. ગોધરાથી દક્ષિણ તરફ વેંગણપુરથી ફંટાતાં રતનપુરમાં બે પ્રકારના પથ્થરોથી બંધાયેલું ચૌદમી સદીનું અનેક શિલ્પ અને સુંદર તોરણવાળું મંદિર છે, તો મુખ્ય રસ્તો જતાં ટુવાના ગરમ પાણીના કુંડ જોવા મળે છે.