એક રાતે હજરત સુલતાન મહમદ શાહી લિબાસ ઉતારી સામાન્ય માણસ જેવા પહેરવેશમાં નગરચર્યા કરવા નીકળ્યા. તેમણે ચોરોની ટોળી એકઠી થતી જોઈ. બાદશાહ પણ તેમાં ભળી ગયા. દરેક ચોરે એક પછી એક પોતપોતાની આગવી આવડત જણાવી. પહેલાએ કહ્યું, ‘‘હું કૂતરાંઓની ભાષા સમજી શકું છું’’ બીજાએ કહ્યું, ‘‘મેં જેને અંધારી રાતમાં જોયો હોય તેને પણ બીજા દિવસના અજવાળામાં ઓળખી શકું.’’ ત્રીજાએ કહ્યું, ‘‘ગમે તેવી મજબૂત દીવાલમાં હું સહેલાઈથી બાકોરું પાડી ઘરમાં દાખલ થઈ શકું છું.’’ચોથાએ કહ્યું, ‘‘હું માટી સૂંઘીને નીચે ખજાનો દાટયો છે કે નહીં તે કહી શકું છું.’’ પાંચમાએ કહ્યું, ‘‘મારા હાથમાં એવી આવડત છે કે ગમે તેટલા ઊંચા મહેલ પર દોરડું ફેંકી, કાંગરા પર દોરડું ભરાવી શકું છું ને ઉપર ચડી જાઉં છું.’’ પછી બાદશાહ તરફ ફરી બધાએ તેમની આવડત વિશે પૂછયું. બાદશાહે કહ્યું. ‘‘મારી દાઢીમાં એવી શકિત છે કે હું તે હલાવું તો ફાંસી માટે જલ્લાદને સોંપાયેલાને પણ તરત મુકિત મળે છે.’’
બધા ચોરોને થયુ; કે આપણી આવડતથી તો ફકત ચોરી થઈ શકે છે, પણ પકડાઈએ તોપણ આ છઠ્ઠા માણસની શકિતથી બચી શકાશે. તેથી તેમણે બાદશાહને સાથે લીધા.
બધા ચોર બાદશાહના મહેલમાં ચોરી કરવા તૈયાર થયા અને મહેલ તરફ જવા માંડયા. ત્યાં એક કૂતરું ભસ્યું. પહેલા ચોરે કહ્યું કે કૂતરું કહે છે કે તમારી સાથે બાદશાહ પણ છે. ચોરોએ એ વાત પર ધ્યાન ન આપ્યું. લાલસા બુધ્ધિને ઢાંકી દે છે.
બીજા ચોરે દોરડું ફેંકી ઉપરના કાંગરાએ થઈ મહેલમાં દાખલ થવાનો રસ્તો કર્યો. મહેલમાં દાખલ થઈ ત્રીજા ચોરે માટી સૂંઘી રાજાનો ખજાનો કયાં દાટયો છે તે શોધી બતાવ્યું. ચોથા ચોરે બાકોરું પાડી તિજોરી તોડી ખજાનો બહાર કાઢયો. ખજાનો સૌએ વહેંચી લીધો. બાદશાહે બધાનાં રહેઠાણનાં સરનામાં જાણી લીધાં. સવારે બાદશાહે સિપાઈઓ મોકલી બધા ચોરોને પકડાવી દીધા. બધાને દરબારમાં રજૂ કરવામાં આવ્યા. પાંચમા ચોરે બાદશાહને પોતાના છઠ્ઠા સાથી તરીકે ઓળખી લીધા. રહેમ દેખાડી બાદશાહ તેમને છોડી દેશે તવી આશા તેને બંધાઈ.
બાદશાહે હુકમ કર્યો. ‘ચોરોને ફાંસીએ લટકાવી દો. ’’ પાંચમા ચોરે કહ્યું, ‘‘બાદશાહ સલામત આપણામાંના બધાએ પોતાની આવડતથી કામ કરી બતાવ્યું છે. હવે તમે પણ તમારી આવડતથી અમને છોડાવી દો. અમને પસ્તાવો થાય છે. અમે દયાની ભીખ માગીએ છીએ.’’
બાદશાહે હસીને ચોરોને બચાવી લીધા. આપણે ગુના કરીએ છીએ તયારે પરવરદિગાર આપણી સાથે જ હોય છે. તે આપણને જુએ છે એ સમજી ગુનો ન કરવો જોઈએ. આપણી આવડત સારા કામ માટે ન વાપરીએ તો જરૂર સજા થાય છે. ગુનો કર્યા પછી સાચા દિલથી પસ્તાવો કરીએ ને માફી માગીએ તો ખુદા રહેમદિલ છે ને માફ કરે છે.