
આશરે પાંચ હજાર વર્ષ પૂર્વે માગશર સુદ એકાદશીની સવારે કુરૂક્ષેત્રના રણમેદાનમાં એક બાજુ પાંડવોના અને બીજી બાજુ કૌરવોના સૈન્યો સામ-સામે ગોઠવાઈ ગયા હતા.પરંતુ માત્ર જમીનનાં ટુકડાઓ માટે ભાઈઓ, પિતામહો, ગુરૂઓ સહિત લાખો મનુષ્યનું લોહી વહેવડાવવું કુંતીપુત્ર અર્જુનને મંજુર નહોતું. અને તે યુધ્ધ કરવાના નિર્ણયમાં થોડા સમય પુરતો વિચલિત થઈ ગયો અને તેના માર્ગદર્શક શ્રી કૃષ્ણનું માર્ગદર્શન માંગ્યું. ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને જે ઉપદેશ આપ્યો તેમાંથી ભગવદગીતા નામના મહાન ગ્રંથનો જન્મ થયો.જે માત્ર ભારતવર્ષમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ થયો.અને માનવ સભ્યતાનો વૈશ્વિક વારસો બન્યો.આ દિવસ લોકો ગીતા જયંતિ તરિકે ઉજવવા લાગ્યા.
શ્રી કૃષ્ણના મુખમાંથી ગીતારૂપી વહેલા જ્ઞાનના અવિરત પ્રવાહથી માત્ર અર્જુન જ નહિ ઋષિ,ભક્ત,જ્ઞાનિ, ચિંતક, કર્મયોગી, સમાજ સેવક સર્વે મુગ્ધ થયા.શ્રીકૃષ્ણ પોતે એક અવતારી પુરૂષ હતા.તેણે ગીતાનો ઉપદેશ આપવા માટે અર્જુનને તો માત્ર એક માધ્યમ બનાવેલ છે. હક્કિતમાં શ્રીકૃષ્ણનો ઉપદેશ સમગ્ર્ માનવસૃષ્ટિ માટે છે.
કૃષ્ણે અર્જુનને યુધ્ધભૂમિ ન છોડવા જણાવ્યુ અર્થાત માણસે જીવનમાં આવતા ગમે તેવા મોટા તોફાનોમાં પણ પોતાની જાતને અડગ રાખવી જોઈએ અને ફરજ તરીકે આવી પડેલા

કર્મને કોઈપણ ખંચકાટ વગર સ્વીકારવું જોઈએ આ ગીતા નામના જ્ઞાન સાગરમાં સૌ કોઈ ડૂબકી મારી શકે છે. અને તેઓને કોઈને કોઈ જ્ઞાનરૂપી રત્નો પ્રાપ્ત થાય છે તે જ્ઞાનીઓને જ્ઞાનનું રહસ્ય સમજાવે છે,ભક્તને ભક્તિનો મહિમા સમજાવે છે.જેઓ સાવ નિર્લેપ છે તેઓને પણ ગીતા સાગરમાંથી કશુંક તો મળે જ છે. ભગવદ ગીતાએ માત્ર ભારત વર્ષના વેદ,ઉપનિષદના જ નહિ પરંતુ સંપૂર્ણ જગતના તમામ મુખ્ય ગ્રંથોના તત્વજ્ઞાનને પોતાનામાં સમાવી લીધેલ છે. આમ,સમગ્ર જગતમાં છે તે બધુ ગીતામાં છે અને જે ગીતામાં નથી તે જગતમાં કયાંય નથી તેમ કહી શકાય. ભગવદ ગીતા આપણને સંપૂર્ણ માનવ બનવાનું કહે છે.અહિં સંપૂર્ણ માનવ એટલે જે નૈતિક મૂલ્યો,ઈશ્વર તેમજ માનવતામાં અતૂટ વિશ્વાસ રાખે,જે ઈશ્વરરૂપી સત માર્ગને અનુસરે, તેમાં સત્યં શિવં તેમજ સુંદરમ નો સમાવેશ થઈ જતો હોય છે.
આપણે પણ ગીતા જયંતિના આ મહાન દિવસે સાચા અર્થમાં માનવ બની તેની ઉજવણી કરીએ.