હોમ
ગટુભાઈ ધ્રુવ
-
ગુજરાતના સુપ્રસિદ્ધ કેળવણીકાર અને સાહિત્યકાર શ્રી ગટુભાઈ ધ્રુવનો જન્મ ઈ.૧૮૮૧માં અમદાવાદમાં થયો હતો. મેટ્રિકની પરિક્ષા પાસ કરી તેઓ ગુજરાત કોલેજમાં બી.એ. થયા, તુરત જ સરકારી નોકરીમાં જોડાયા. ધર્મ, તત્વજ્ઞાન અને સમાજશાસ્ત્ર તેમના પ્રિય વિષયો હતા તેમના જીવન પર હેમચંદ્રના પુસ્તકોએ, ટાગોરની ‘સાધના’ અને ‘બાઈબલ’ ધર્મપુસ્તકે કાયમી અસર કરી હતી. નિવૃતિ બાદ સમાજ સુધારણાના કાર્યમાં સક્રિય બન્યા. અમદાવાદની અને સામાજિક સંસ્થાઓમાં વર્ષો સુધી સેવાઓ આપી. ગુજરાત સ્ત્રી કેળવણીમંડળના મંત્રી તરીકે વર્ષો સુધી સેવાઓ આપી. તેઓ પ્રવાસના પણ શોખીન હોઈ, ગુજરાત અને અન્ય પ્રાંતોના લોકજીવનની ઘણી બધી માહિતી તેમની પાસે હતી. જેનું પ્રતિબિંબ તેમના પુસ્તકોમાં દેખાય છે. ઉપરાંત પખવાડિક મુખપત્ર ‘જ્યોતિર્ધર’ ના તેઓ સતત ૩૧ વર્ષ સુધી સંપાદક રહ્યા. પ્રાર્થના સમાજના સભ્ય તરીકે એમનું શરીર ચાલ્યું ત્યાં સુધી એ નિયમિત રીતે પ્રાર્થના સભામાં હાજરી આપતા. તેઓ સારા વક્તા, ઉત્તમ લેખક અને પત્રકાર પણ હતા. ગટુભાઈનું આખું આયખું સુધારાની પ્રવૃત્તિમાં વીત્યું. ગટુભાઈનું દેહાવસાન તા. ૨૪-૫-૧૯૬૮ના રોજ થયું. તેમના મૃત્યુ પછીની છેલ્લી સ્મશાનયાત્રાની વિધિ પણ સુધારા સાથે પૂર્ણવિરામ પામી. આમ મન, બુદ્ધિ અને કર્મથી એક સાચા સમાજ સુધારક તરીકે એમણે ખ્યાતિ મેળવી હતી.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com