દેશમાં સર્વત્ર અને પરદેશમાં પરિવ્રાજક બની શ્રી અરવિંદ અને માતાજીનો સંદેશો ફેલાવનાર શ્રી અંબુભાઈ પુરાણીનો જન્મ તા. ૧૬-૫-૧૮૯૪ના રોજ સુરતમાં થયો હતો. મેટ્રિક થઈ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગ્રેજ્યુએટ થયા. બંગાળના ભાગલાની લડત સમયે તેઓ બારીન્દ્રકુમાર ઘોષના પરિચયમાં આવ્યા. પોંડેચેરીમાં શ્રી અરવિંદ પાસે તેઓ ભારતદેશની ગુલામીમાંથી મુક્તિ માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી માર્ગદર્શન મેળવવા જતા. ત્યારે શ્રી અરવિંદે તેમને કહેલુ: ‘હું તને ખાતરી આપું છું કે હિંદ સ્વતંત્ર થવાનું જ છે, કાલે સૂર્ય ઊગવાની જેટલી ખાતરી છે, તેટલી એ ઘટના નક્કી છે.’ આ સાંભળી અંબુભાઈનું જીવન સાવ બદલાઈ ગયું. તેઓ યોગના સાધક બન્યા અને સાથે સાથે ગુજરાતમાં વ્યાયામ પ્રચારકનું રાષ્ટ્રીય શિષ્ણના પ્રસારનું કાર્ય કર્યું. સાથે સાથે આશ્રમમાં તેઓ સદવર્તન, સત્સંગ, સદવાચન અને બ્રહ્મચર્ય પર ખૂબ ભાર મૂકતા હતા. ઈ. ૧૯૬૫ન રોજ શ્રી અંબુભાઈ પાર્થિવદેહ આ દુનિયા છોડીને ચાલ્યો ગયો. અંબુભાઈનું જીવન એટલે જ્ઞાન, શક્તિ, કર્મ અને યોગથી પરિપૂર્ણ દિવ્યજીવન. તેમના રંગે જેઓ રંગાયા તેમના જીવન ઉર્ધ્વગામી બન્યા.