બાપુ દક્ષિણ આફ્રિકાથી હિંદુસ્તાન પાછા આવવા તૈયાર થયા ત્યારે તેમણે વિચાર્યું કે મારે આ દેશમાંથી કંઈ ધન ન લઈ જવું જોઈએ. અંગ્રેજો પોતે ભેગું કરેલું ધન હિંદમાંથી વિલાયત લઈ જાય છે ત્યારે આપણને કેવું લાગે છે ? આપણે એને અન્યાય અને લૂંટ કહીએ છીએ. તો દક્ષિણ આફ્રિકાનું ધન હિંદ લઈ જવાનો આપણને શો અધિકાર
આ વિચારથી પ્રેરાઈને પોતે દક્ષિણ આફ્રિકામાં જે કાંઈ કમાયા હતા તેનું ત્યાં જ એક ટ્રસ્ટ સ્થાપ્યું અને ત્યાંના જાહેર કાર્યમાં તેનો ઉપયોગ થાય એવી ગોઠવણ કરી. ત્યાંથી નીકળતી વખતે તેમણે ફક્ત પોતાને મળેલાં માનપત્રો અને ભેટ મળેલાં પુસ્તકો સાથે લીધાં. સત્યાગ્રહ આશ્રમની સ્થાપના થતાં પુસ્તકો બધાં આશ્રમને આપી દીધાં અને આશ્રમનું વિસર્જન થયું ત્યારે અમદાવાદની મ્યુનિસિપાલિટીને આપી દીધાં. લગભગ વીસ હજાર પુસ્તકો હશે. માનપત્ર બિચારાં આમતેમ ગમે ત્યાં રઝળતાં પડ્યાં રહ્યાં ને આખરે નાશ પામ્યાં.
?હિંદુસ્તાન આવ્યા પછી બાપુની સામે પોતાના બાપદાદાની મિલકતના ભાગનું શું કરવું એ સવાલ ઊભો થયો. પોરબંદર અને રાજકોટમાં તેમનાં ઘર હતાં. તેમાં ગાંધી કુટુંબના માણસો રહેતાં હતાં. બાપુએ બધાં સગાંસંબંધીઓને બોલાવીને કહ્યું કે બાપદાદાની મિલકતમાં મારો જે કંઈ હિસ્સો છે તે હું તમને આપી દઉં છું.
એટલેથી જ ન અટકતાં તેમણે પોતે જે ત્યાગપત્ર લખ્યું તેના પર પોતાના ચાર પુત્રોની પણ સહી કરાવી લીધી કે આથી અમે તે પણ સૌ અમારા હક છોડી દઈએ છીએ.
આમ બાપુએ પોતાને અને પોતાના પુત્રોને પૈતૃકસંપત્તિના મોહમાંથી મુક્ત કર્યા. !