માંડલેથી આવ્યા પછી લોકમાન્ય તિલકે કૉંગ્રેસમાં ફરીથી જોડાવાનું નક્કી કર્યું. પોતાના પક્ષના લોકોને સમજાવવાનો તેમણે બેલગામ પ્રાંતિક પરિષદમાં કોશિશ કરી. મારા આગ્રહથી ને શ્રી ગંગાધરરાવ દેશપાંડેના આમંત્રણથી બાપુ પણ એ પરિષદમાં આવ્યા હતા. અમે લોકો લોકમાન્ય તિલકના અનુયાયી હતા, પણ બાપુની તેજસ્વિતા, રાષ્ટ્રભક્તિ ને ચારિત્ર્યશુદ્ધિ પર મુગ્ધ હતા. હું હ્રદયથી તેમનો બની ચૂક્યો હતો અને ગંગાધરરાવને એ તરફ ખેંચવાનો પ્રયત્ન કરતો હતો.
તિલક અને ગાંધી એકબીજાને મળે ને એકબીજાને ઓળખે? એમ અમે ઇચ્છતા હતા. એમ થાય તો દેશનું એક મોટું કામ થાય. અમે એવી ગોઠવણ કરવાને વિચાર્યું કે લોકમાન્ય ને બાપુ તદ્દન એકાંતમાં એકબીજાને મળી શકે. પણ લોકમાન્યને મુકામે? એ બને તેમ નહોતું એટલે ગંગાધરરાવ લોકમાન્યને બાપુને ઉતારે લઈ આવ્યા. તેમને બાપુના ઓરડામાં મૂકી ગંગાધરરાવ પોતે પણ બહાર ચાલ્યા આવ્યા. ત્યાં બંને વચ્ચે શી વાતચીત થઈ તેની અમને પાછળથી ખબર ન પડી. ઓરડામાંથી બહાર આવી લોકમાન્યે ગંગાધરરાવને ફક્ત એટલું કહ્યું કે, ‘ આ માણસ આપણો નથી. એનો માર્ગ જુદો છે. પણ એ સોએ સો ટકા સાચો માણસ છે. એને હાથે કદી હિંદુસ્તાનનુ; અહિત નહીં થાય. આપણે એટલી સાવધાની રાખવી જોઈશે કે એની સાથે ક્યાંય આપણો વિરોધ ન થાય. એને આપણે આપણાથી થઈ શકે તેટલી મદદ કરવી જોઈશે.‘
બાપુએ એ પરિષદમાં એટલું જ કહ્યું હતું કે તમે લોકો કૉંગ્રેસમાં પાછા આવો છો તે સારી વાત છે પણ તમારે વકીલ તરીકે નહીં પણ સિપાઈ તરીકે આવવું જોઈએ.
બીજે કે ત્રીજે દિવસે બેલગામના એક આગેવાન શ્રી બેળવી વકીલ કંઈક કામ પ્રસંગે ત્યાંના કલેકટર પાસે ગયા હતા. કલેકટર કહેવા લાગ્યો, ‘કેમ ? તમે લોકોએ બેરિસ્ટર ગાંધીને બોલાવ્યા પણ તેણે તમને કડવી કડવી વાતો સંભળાવી ખરું ને ? તેમને લાગ્યું હશે કે ક્યાં આને બોલાવ્યા ?‘ શ્રી બેળવીએ જવાબ આપ્યો, ‘તમે લોકો અમ હિંદુસ્તાનીઓનો સ્વભાવ જાણતા નથી. ગાંધીજી અમારે મન પૂજ્ય વ્યક્તિ છે. અમને શીખ આપવાનો એમને અધિકાર છે. અમે એમનો ઉપદેશ આદરપૂર્વક સાંભળ્યો છે અને અને તેમની કેવી કદર કરીએ છીએ તે તમે જોશો.‘ કલેકટર બિચારો ચૂપ થઈ ગયો.
- કાકાસાહેબ કાલેલકર