•સત્ય અને અહિંસાનો જ્યાં સંગમ થાય છે ત્યાં આખી દુનિયાને વશ કરી શકાય છે અને સત્યાગ્રહ એ મૂળમાં પ્રજાજીવનમાં સત્ય અને અહિંસાનો પ્રવેશ કરાવવાનો પ્રયત્ન છે.
•સ્વરાજ એ પવિત્ર શબ્દ છે, વેદકાળ જેટલો પ્રાચીન છે અને એનો અર્થ પોતાનું નિયમન એવો છે.
•ઈશ્વરનું અસ્તિત્વ બુદ્ધિગમ્ય નથી એટલે બુદ્ધિ અમુક હદ લગી જ સમજી શકે. એ શ્રધ્ધાની જ વાત છે અને તેથી ઊપજતા અનુભવની.
•રાજનૈતિક લાભને સારુ મેં એકેય સિદ્ધાંતનો ભોગ નથી આપ્યો.
•ધર્મ વિના હું એક પણ ક્ષણ જીવી ન શકું.
•મારી ત્રુટીઓ અને ભૂલોને પણ મારી સફળતા અને શક્તિની માફક હું ઈશ્વરની એનાયત સમજું છું અને બંને હું તેને ચરણે ધરું છું.
•યજ્ઞ નિત્યનું કર્તવ્ય છે. ચોવીસે કલાક આચરવાની વસ્તુ છે. નિષ્કામ સેવા એ પરોપકાર નથી, પોતાની ઉપર ઉપકાર છે.
•સેતાનની પાંખે ચડીને સ્વર્ગમાં પહોંચાતું હોય તો પણ સતયાગ્રહી તે ન કરે.
•આપણે બધાને મિત્ર ગણીને કાં ન વરતીએ ? ખાસ મિત્રાચારીમાંથી કડવાશ પણ થાય. પણ બધાને મિત્ર ગણીએ તો જીવન નિત્ય રસિક રહે.
•આત્મનિર્ણયનો હું ભૂખ્યો છું, સ્વતંત્રતા મને પ્રિય છે, પણ એ બધું આત્માના વિકાસને સારુ જ જોઈએ.
•આખરે તો મારું કામ જ બોલશે, મેં જે કહ્યું છે કે લખ્યું છે તે નહીં.
•મારું જીવન એકરુપ છે, અખંડ છે અને મારી બધી પ્રવૃત્તિઓ એકબીજા જોડે સંકળાયેલ છે, અને એ બધીનો ઉદભવ મારા અખૂટ માનવપ્રેમમાંથી થયેલો છે.
•સત્યાગ્રહ નાગરિકનો એક જન્મસિદ્ધ હક છે. એનો ત્યાગ કર્યો એટલે તે માણસ મટ્યો.
•જો આપણે ધર્મ, રાજકારણ, અર્થકારણ ઈત્યાદિમાંથી ‘‘હું ‘‘ અને ‘‘મારું‘‘ ભૂંસી કાઢીએ તો આપણે તરત આઝાદ થઈએ અને પૃથ્વી પર સ્વર્ગ ઉતારીએ.
•મારે દુનિયાને નવું કશું શીખવવાનું નથી. સત્ય અને અહિંસા અનાદિકાળથી ચાલ્યાં આવે છે.
•મારી કસોટીના કપરામાં કપરા કાળમાં એણે (ઈશ્વરે) મને ઉગાર્યો છે.
•સાચી ભાવનાથી વેઠેલું કષ્ટ યાતના જેવું લાગતું નથી. આવું કષ્ટ પોતે જ આનંદદાયક હોય છે.
•સતત કાર્ય વચ્ચે મારું જીવન પૂરેપૂરું આનંદમય રહે છે. આવતી કાલ કેવી ઊગશે તેનો વિચાર કરવાનું ન હોવાથી પંખીના જેવી મુક્તિ હું અનુભવું છું.
•રાજકારણના ક્ષેત્રમાં પડવાની મને ફરજ પડી, કેમ કે સમાજ સુધારવાનું કાર્ય કરવા જતાં પણ રાજકારણને સ્પર્શ કર્યા વિના ચાલે તેમ નહોતું.
•હું ઘન અંધકારમાંથી પ્રકાશ તરફ રસ્તો કાઢતો એક દુન્યવી જીવ છું.
•સત્યાગ્રહ એ સર્વધારી તલવાર છે. તે જેમ વાપરો તેમ વપરાય. વાપરનાર તથા જેની ઉપર તે વપરાય છે તે સુખી થાય છે. તે લોહી કાઢતી નથી, છતાં પરિણામ તેથી પણ ભારે લાવી શકે છે. તેને કાટ ચડી શકતો નથી. તે કોઈ લઈ જઈ શકતું નથી.
•પડશું, આખડશું, તોયે ઊઠશું. પાછી પાની ન કરીએ એટલું જ બસ છે.
•જ્યાં પ્રજાનો આત્મા જાગૃત હોય ત્યાં માથા વાઢવાની આવશ્યકતા રહેતી નથી.
•ખોટાં કામ કરનારની સામે બદલો લેવાને ખાતર તેના ધર્મવાળાની હિંસા કરવી એ નામર્દાઈનું કામ છે.
•નગ્ન લોકોને મફત કપડાં આપીને મારે તેમને અપમાનિત નથી કરવા. એમને ખરી જરુર કપડાંની નહીં, પણ કામની છે.
•સામાન્ય વહેવારમાં અસત્ય ન બોલવું કે ન આચરવું એટલો જ સત્યનો અર્થ નથી. પણ સત્ય એ જ પરમેશ્વર છે ને તે સિવાય બીજું કશું નથી. એ સત્યની શોધ અને પૂજાને અંગે જ બીજા બધા નિયમોની આવશ્યકતા રહે છે અને તેમાંથી જ તેમની ઉત્પત્તિ છે. આ સત્યના ઉપાસક પોતે કલ્પેલા દેશહિતને સારુ પણ અસત્ય નહીં બોલે, નહીં આચરે. સત્યને અર્થે પ્રહલાદની જેમ માતાપિતા આદિ વડીલોની આજ્ઞાનો પણ વિનયપૂર્વક ભંગ કરવામાં ધર્મ સમજે.
•હું સમજી ન શકું અથવા નૈતિક ધોરણે જેનો હું બચાવ ન કરી શકું એવાં દષ્ટાંત કે રીતરિવાજનો ગુલામ બનાવા હું ના પાડું છું.
•મનુષ્ય સમજણો થાય છે ત્યારથી જ સતત આત્મસંયમનું જીવન જીવવાનું શરુ કરી દે છે. માણસ અને પશુ વચ્ચે આ જ ભેદરેખા છે.
•જેટલા પ્રમાણમાં સર્વસમર્થ સત્તા માણસને તેનું ભાવિ ઘડવા દે છે, તેટલા પ્રમાણમાં માણસ પોતાનું ભાવિ નિર્માણ કરવાની શક્તિ ધરાવે છે.
•બીજા કોઈપણ માનવીના જેટલો જ હું ભૂલને પાત્ર છું. છતાં મારામાં મારી ભૂલો કબૂલ કરવા જેટલી અને ભૂલ્યો હોઉં તો ત્યાંથી ફરી ગણવા જેટલી નમ્રતા છે.
•આગેવાન એ સરખેસરખા દળમાંનો મોખરાનો માણસ છે એટલું જ.
•જેણે ઉત્તમ જીવન જીવી જાણ્યું તે જ ખરો કલાકાર.
•હું સત્યનો નમ્ર પણ સતત પ્રયત્નશીલ શોધક છું.
•સોનાને ઓપ ચડે એ સંભવે, પણ માને ઓપ કોણ ચડાવી શકે ?
•આખી માનવજાતિ જોડે આત્મીયતા સાધ્યા વિના મારી ધર્મભાવના સંતોષાય તેમ નથી.
•જ્યારે પણ હું કોઈ ભૂલ કરનારને જોઉં છું, તો મને થાય છે કે હુંયે ભૂલ કરનાર છું.
•કેળવણી એટલે બાળક કે મનુષ્યનાં શરીર, મન અને આત્મામાં જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધીને તેને બહાર આણવા.
•આપણે જેવા અંતરમાં છીએ તેવા જ દેખાવું અને વર્તવું એ ધર્મઆચરણનું છેલ્લું નહીં પણ પહેલું પગથિયું છે.
•કોણ જાણે કેમ પણ માણસમાં પડેલી ઊંચામાં ઊંચી વસ્તુ બહાર ખેંચવાની પ્રભુ મને શક્તિ આપે છે. તેથી જ તો ઈશ્વર પ્રત્યેની તેમજ મનુષ્યસ્વભાવ વિશેની મારી શ્રદ્ધા ટકી રહે છે.
•સત્યાગ્રહની ખૂબી એ છે કે તે આપણી પાસે આવી પડે છે, તેને શોધવા જવું પડતું નથી.
•હું આશાવાદી મટ્યો નથી. ન્યાયનો જ વિજય થશે એવો કશો પુરાવો મારી પાસે છે એમ નથી, પણ મારી અવિચળ શ્રદ્ધા છે કે અંતે ન્યાયનો જ વિજય થયા વિના નહીં રહે.
•હું તો દેશને કહેવાનો છું કે મારી ગણના ચંપારણથી કે ખેડાથી નહીં કરશો, પણ આશ્રમથી કરશો.
•હું સ્વીકારું છું કે ચઢાણ બહુ કષ્ટપ્રદ છે, પરંતુ તેનું કષ્ટ મારે માટે આનંદ છે. દરેક કદમ મને બળ આપે છે અને બીજું કદમ ભરવા માટે યોગ્ય બનાવે છે.
•વકીલનું કર્તવ્ય પક્ષકારો વચ્ચે પડેલી તૂટ સાંધવાનું છે.
•આક્રોશ દયામાં પરિણમે, પ્રેમમાં પરિણમે ત્યારે એ શુદ્ધ ક્ષમા બને છે.
•કોઈપણ આગેવાન પોતાના અંત:કરણના અવાજથી વિરુદ્ધ વર્તે તો તે નકામો છે.
•વર્તમાનપત્રો સેવાભાવથી જ ચાલવાં જોઈએ. જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામનાં ગામ ડુબાવે છે, તેમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે.
•માનભરી શરતોએ સમાધાન કરવાની તક સત્યાગ્રહી કદી ગુમાવે નહીં.
•નિ:શસ્ત્ર પ્રતિકાર કઠોરમાં કઠોર હ્રદયને પિગળાવી નાખે છે.
•વકીલ તરીકેની મારી સારીયે કારકિર્દી દરમિયાન હું કદી સત્ય અને પ્રામાણિકતાથી ચલિત થયો નથી.
•આખી પ્રજા નામર્દ બની જાય એના કરતાં તો હું હિંસાનું જોખમ ખેડવાનું હજાર વાર પસંદ કરું.
•અન્યાય કે જુલ્મ સામે લોકોના રક્ષણનો સાચો ગઢ કાગળ પરનો કાયદો કે આગ ઓકતાં ભાષણો નથી, પણ અહિંસક સંગઠન, શિસ્ત અને ત્યાગની શક્તિ છે.
•પત્રકારનું સાચું કામ જનતાના માનસને સાચી રીતે કેળવવાનું છે.
•મનુષ્યમાત્ર ભૂલને પાત્ર છે. ભૂલ કબૂલ કરીને તે આગળ વધે છે. છુપાવીને પશુ બને છે. મનુષ્ય નથી ઈશ્વર કે નથી પશુ, પણ તે ઈશ્વરનો બંદો છે.
•મારે કોઈ શિષ્ય છે જ નહીં, કેમ કે હું પોતે શિષ્ય બનવા માગું છું ને ગુરુની શોધમાં છું.
•અહિંસાના આચરણમાં પાયાનો સિદ્ધાંત એ છે કે પિંડે તે બ્રહ્માંડે.
•જે માણસ જીવવા માટે ખાય છે, પંચભૂતોને મિત્ર બનીને અને તેમના સર્જનહાર પ્રભુનો દાસ બનીને રહે છે તે બીમાર નહિ પડે.
•વકીલમંડળની બેઠકમાં બેસવામાં જે કાંઈ માન મેં માન્યું હશે એના કરતાં અપરાધીના પીંજરામાં ઊભા રહેવામાં મેં ઘણું વધારે માન માન્યું.
•ક્રોધરહિત, દ્વેષરહિત કષ્ટ – સહનના ઊગતા સૂર્ય સામે કઠણમાં કઠણ હૈયું પીગળવું જ જોઈએ અને જડમાં જડ અજ્ઞાન દૂર થવું જોઈએ.
•ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ, પણ સત્યનો જય થાઓ. અલ્પાત્માને માપવાને સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનો.
•કોઈ અન્યાયનું નિવારણ કરવા માટે આપણે હડતાલ પાડીએ ત્યારે આપણે ખરેખર આ અન્યાયમાં ભાગ લેતાં અટકી જવું જોઈએ.
•હું બ્રિટીશ – વિરોધી નથી, પણ હું અસત્યનો વિરોધી છું, છળકપટનો વિરોધી છું અને અન્યાયનો વિરોધી છું. જ્યાં સુધી સરકાર અન્યાયને વળગી રહેશે ત્યાં સુધી એ મને પોતાનો કટ્ટર શત્રુ માની શકે છે.
•મને જો મારી આંખ વિના ચાલે તો ઉપવાસ વિના ચાલે. બાહ્ય દર્શનને માટે આંખની જેટલી જરુર છે તેટલી આંતરદર્શનને માટે ઉપવાસની છે.
•મનુષ્ય અને તેનું કામ એ બે નોખી વસ્તુ છે. સારા કામ પ્રત્યે આદર અને નઠારા પ્રત્યે તિરસ્કાર હોવો જ જોઈએ. સારાંનરસાં કામ કરનાર પ્રત્યે હંમેશા આદર અથવા દયા હોવાં જોઈએ.
•મારી અભિલાષા તો એ છે કે જરુર હોય તો મારા લોહીથી બંને કોમોને હું શોધું.
•ભૂલ કબૂલ કરવી એ સાવરણી જેવું છે. સાવરણીની પેઠે તે કચરો ઝાડી કાઢે છે અને મેલી જમીનને સાફ કરે છે.
•ખરું જોતાં અહિંસાની કસોટી જ એ છે કે અહિંસક લડતમાં કોઈ પક્ષે કડવાશ કે વેરઝેર પાછળ રહેતાં નથી અને અંતે શત્રુઓ મિત્ર બની જાય છે.
•આશ્રમ એટલે સામુદાયિક ધાર્મિક જીવન.
•હું જાણું છું કે મારા જીવતા નહીં તો મારા મરણ પછી હિંદુ અને મુસલમાન બંને તેના સાક્ષી હશે કે મેં સાંપ્રદાયિક શાંતિની લાલસા ક્યારેય છોડી નહોતી.
•વ્રત એટલે અડગ નિશ્ચય. એવા નિશ્ચય વિના માણસ ઉત્તરોત્તર ચડી જ ન શકે.
•જો મારામાં નેતાપણું હોય જ તો હું તે માગવા ગયો નહોતો. એકનિષ્ઠ સેવાના ફળ તરીકે તે મળેલું છે. માણસ પોતાનો સેવાનો સ્વભાવ દૂર કરી શકે તો આવું નેતાપણું દૂર કરી શકે. પુરુષ અને પ્રકૃતિ જેમ એ બંને વસ્તુ સાથે જોડાયેલી છે.
•રેંટિયાની હાંક પવિત્રતમ છે, કારણ કે તે પ્રેમની હાંક છે અને પ્રેમ સ્વરાજ્ય છે.
•અહિંસા મારા ધર્મનો પહેલો મંત્ર છે અને એ જ મારા ધર્મની આખરી શરત છે.
•જેમ દરેક દેશ ખાવાપીવાને અને શ્વાસ લેવાને લાયક છે તે જ પ્રમાણે દરેક રાષ્ટ્રને પોતાનો વહીવટ ચલાવવાનો અધિકાર છે, પછી ભલે તે ગમે તેટલો ખરાબ વહીવટ ચલાવે.
•દમન પોતે જ સત્યાગ્રહની તાલીમ થઈ પડવાનું છે, જેમ વણજાણી લડાઈ સૈનિકને તાલીમ આપે છે.
•જેમ દુન્યવી વ્યવહારની બાબતોમાં આપણે એકબીજાનાં માથાં ભાંગવા તૈયાર નથી થઈ જતા તેમ ધાર્મિક બાબતોમાં પણ ન જ થઈએ.
•ગીતા આપણા હ્રદયમાં ચાલી રહેલા દ્વન્દ્વનું એક મહાન શબ્દચિત્ર છે.
•પ્રજાને પ્રાણ સમાન એવી વસ્તુઓ કેવળ સમજાવટથી મળતી નથી, પણ કષ્ટસહનની કિંમત આપીને ખરીદવી પડે છે. એ મનુષ્યનો કાયદો છે.
• ‘પાપને ઘુત્કારો, પાપીને નહીં‘ એ એક એવો નિયમ છે જે સમજવો સહેલો છે છતાં તેનો અમલ ઓછામાં ઓછો થાય છે. તેથી જ આ જગતમાં વેરનું ઝેર ફેલાયા કરે છે.
•સત્યાગ્રહની સફળતા માટેની જરુરી શરતો : (૧) સત્યાગ્રહી દિલમાં વિરોધી સામે કોઈ જાતનું વેર ન રાખે (ર) સત્યાગ્રહનો મુદ્દો સાચો ને સંગીન હોય (૩) સત્યાગ્રહી છેવટ સુધી સહન કરવાને તૈયાર હોય
•જો મારામાં વિનોદવૃતિ ન હોત તો મેં ક્યારનોય આપઘાત કર્યો હોત.
•આત્માની શક્તિ શરીરની શક્તિ કરતાં ઘણી ચડિયાતી છે. બૂરાઈના નિવારણનો પાકો બંદોબસ્ત કરવા માટે લોકો જો આત્માની શક્તિનો સહારો લેવાનું શરુ કરી દે તો ઘણી વર્તમાન હેરાનગતિ ટાળી શકાય.
•દરરોજ સવારે સંકલ્પ કરવો કે હું પૃથ્વી ઉપર કોઈથી ડરીશ નહીં, એકલા ઈશ્વરનો ડર રાખીશ. કોઈની પણ પ્રત્યે દ્વેષભાવ રાખીશ નહીં, અન્યાયને વશ થઈશ નહીં, અસત્ય ઉપર સત્ય વડે વિજય મેળવીશ.
•હું તો શ્રદ્ધાળું માણસ છું. મારું એકમાત્ર આલંબન ઈશ્વર છે. એક ડગલું મારે માટે બસ છે. બીજા પગલાને વાસ્તે સમય થશે ત્યારે એ જ તે મને સુઝાડશે.
•મેં ખૂબ આત્મનિરીક્ષણ કર્યું છે, એકએક ભાવને તપાસ્યો છે, તેનું પૃથ્થક્કરણ કર્યું છે, પણ તેમાંથી નીપજેલાં પરિણામ સૌને છેવટનાં કે ખરાં જ છે અથવા એ જ ખરાં છે એવો દાવો હું કરવા ઇચ્છતો નથી.
•પ્રેમનો કાનૂન આખું હિંદુસ્તાન સ્વીકારે તો આખી દુનિયાનું તે બેશક બિનહરીફ આગેવાન બને.
•હિંદુસ્તાન નિર્બળ છે એટલા ખાતર હું તેને અહિંસાનું આચરણ કરવાનું કહેતો નથી; તે પોતાનું મક્કમપણું અને તાકાત સમજતું હોવાથી હું તેને અહિંસાનું આચરણ કરવાનું કહું છું.
•અસ્પૃશ્યતા જીવે એના કરતાં તો હિંદુ ધર્મ રસાતાળ જાય એ હું વધારે ઇચ્છું.
•આપણે સત્ય, અહિંસાને માત્ર વ્યક્તિના આચરણને લગતી જ બાબતો નહિ પણ જનસમૂહો, કોમો અને રાષ્ટ્રોના આચરણને લાયક બનાવવી છે. એ સ્વપ્નને સિદ્ધ કરવા પ્રયત્ન કરતાં – કરતાં જ હું જીવીશ અને મરીશ.
•હિંદુસ્તાનનું ભાવિ પશ્ચિમના રક્તમલિન પંથે નથી પણ સાદા અને પવિત્ર જીવનથી જે શાંતિ મળે છે તે રક્તહીન પંથે છે.
•બોલેલા અગર લખેલા શબ્દની શક્તિ કરતાં વિચારની શક્તિને હું વધારે માનું છું. અને જે પ્રવૃત્તિનો હું પ્રતિનિધિ છું તેમાં જો કશું વીર્ય હશે, જો તેના પાયામાં ઈશ્વરી અધિષ્ઠાન જેવું કશું હશે તો તે મારા જાતે ફર્યા વિના દુનિયાભરમાં પ્રસરશે.
•યુદ્ધ ખોટું છે, હડહડતું પાપ છે. માણસને યુદ્ધ્નો રસ્તો છોડ્યા વગર છૂટકો નથી.
• કે જે શુદ્ધ અહિંસક સાધનોથી પોતાની અને તેથી પોતાના દેશની અને સરવાળે આખી માનવજાતિની સ્વતંત્રતાની રક્ષા કરશે.
•મને લોકો ચક્રમ, ધૂની અને ગાંડો કહે છે. હું એ ખ્યાતિને યોગ્ય છું એ સ્પષ્ટ છે, કારણ કે હું જ્યાં – જ્યાં જાઉં છું ત્યાં – ત્યાં મને ચક્રમ, ધૂની અને ગાંડા માણસો મળી આવે છે.
•વ્યવહારમાં ઉતારેલી અહિંસાનો અર્થ જુલમગારના મનોબળ સામે પોતાનો સમગ્ર આત્મા મૂકી દેવો.
•હિંદુ ધર્મની સુધારણા તેમજ રક્ષાને અર્થે અસ્પૃશ્યતાનિવારણ એ જ સૌથી મોટી વસ્તુ છે. અસ્પૃશ્યતાનિવરણનું કાર્ય આધ્યાત્મિક ક્રિયા છે.
•મારો ધર્મ કંઈ જેલખાનાનો ધર્મ નથી. ઈશ્વરની સૃષ્ટિના નાનામાં નાના માણસ માટે પણ એમાં અવકાશ છે, પરંતુ એમાં તુમાખી માટે, કે જાતિ, ધર્મ કે વર્ણના અભિમાન માટે કોઈ સ્થાન નથી.
•રચનાત્મક કાર્ય (એટલે) સત્ય અને અહિંસાના સાધન વડે પૂર્ણ સ્વરાજ્ય, એટલે કે સંપૂર્ણ સ્વતંત્રતાની રચના.
•હું તો અહિંસાના શાસ્ત્રનો માત્ર એક નમ્ર શોધક જ છું. એની છૂપી ગહનતાઓ જેટલી મારા સૌ કાર્યકરોને છક કરી દ્યે છે તેટલી જ મને પણ છક કરી દે છે.
•તું જેલમાં મરશે તો જગદંબા જેમ પૂજાશે. (કસ્તૂરબાને)
•બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરનાર સ્ત્રી કે પુરુષ કેવળ નિર્વિકારી હોય તેથી ઈશ્વરની સમીપ વસે છે. આવા બ્રહ્મચર્યનું મન, વાચા અને કાયાથી અખંડિત પાલન શકય છે એ વિશે મને શંકા નથી.