
દક્ષિણ આફ્રિકાની સરકાર દ્વારા હિંદીઓ પાસેથી માથાવેરો લેવામાં આવતો હતો. ગાંધીજીની આગેવાની હેઠળ હિંદીઓ તેનો વિરોધ કરતા હતા. આખરે સરકારે સ્ત્રીઓ અને બાળકો ઉપરનો માથાવેરો રદ કરવાની તૈયારી બતાવી પણ પુરુષો ઉપરનો માથાવેરો યથાવત રાખ્યો. ગાંધીજીની આગેવાની નીચે ફરી સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યો. ૬ઠ્ઠી નવેમ્બર, ૧૯૧૩ના રોજ તેઓ ટ્રાન્સવાલમાં પ્રવેશ કરવા નીકળ્યા એટલે સરકારે તેમને પકડી એક વર્ષની સખત કેદની સજા કરી. પરંતુ ૧૮મી ડિસેમ્બરે તેમને છોડી મૂકવામાં આવ્યા. આ પછી ગાંધીજી અને જનરલ સ્મટ્સ વચ્ચે ફરી કામચલાઉ સમજૂતી થઈ. નિમવામાં આવેલા તપાસપંચે પોતાના અહેવાલમાં હિંદીઓની મુખ્ય માંગણીઓને વ્યાજબી ગણી તે સ્વીકારવા સરકારને ભલામણ કરી. સરકારે તે સ્વીકારી લીધી. આમ હિંદીઓનો વિજય થયો. આથી ગાંધીજીએ ૧૮મી જુલાઈ, ૧૯૧૪ના રોજ કાયમને માટે દક્ષિણ આફ્રિકા છોડ્યું. ઇંગ્લેન્ડ થઈ ૯મી જાન્યુઆરી, ૧૯૧૫ના રોજ તેઓ મુંબઈ પહોંચ્યા.
અમદાવાદમાં આશ્રમ
સ્વદેશ પાછા ફર્યા પછી ગાંધીજી ગોપાળ કૃષ્ણ ગોખલેને મળવા પૂના અને ત્યાંથી રાજકોટ થઈ અમદાવાદ ગયા. અમદાવાદમાં તેઓએ શેઠ મંગળદાસ તથા અન્ય વૈષ્ણવ ધનિકો સાથે પોતાનો આશ્રમ સ્થાપવા સંબંધી ચર્ચા કરી. આ પછી તેઓ રવિન્દ્રનાથ ઠાકુરને મળવા શાંતિનિકેતન ગયા. ગાંધીજી અહીં રોકાવા માગતા હતા. પરંતુ ગોપાળ કૃષ્ણ ગોખલેનું પૂણેમાં અવસાન થવાથી તેઓ ત્યાં ગયા. પૂણેથી તેઓ કલકત્તા અને રંગૂન ગયા. તેમની આ યાત્રા દરમિયાન તેઓ જ્યાં રોકાતા ત્યાં સ્ત્રીઓ તેમની મહેમાનગીરી કરવા જાતજાતની રસોઈની વાનગીઓ બનાવતી. ગાંધીજીએ એ પસંદ નહોતું તેથી તેઓએ એક દિવસમાં દવા માટે જરૂર પડે તે ચીજો સહિત પાંચથી વધારે વસ્તુઓ નહીં ખાવાનું અને સૂર્યાસ્ત પહેલાં જમી લેવાનું વ્રત લીધું. દક્ષિણ ભારતની યાત્રા કરી ગાંધીજી અમદાવાદ આવ્યા. ગાંધીજીને આશ્રમ સ્થાપવા માટે હરદ્વાર, વૈદ્યનાથધામ, રાજકોટથી કહેણ આવ્યા હતા. પરંતુ ગાંધીજી જ્યારે અમદાવાદમાંથી પસાર થયા ત્યારે તેમના ઘણા મિત્રોએ તેમને અમદાવાદ ઉપર પસંદગી ઉતારવા કહ્યું. આશ્રમનું ખર્ચ પણ તે મિત્રોએ જ ઉપાડી લેવાની તથા આશ્રમ માટે જરૂરી મકાન શોધી આપવાનું પણ માથે લીધું. પોતે ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફત દેશની વધારેમાં વધારે સેવાકરી શકાશે એમ ગાંધીજી માનતા હતા. વળી અમદાવાદ ભૂતકાળમાં હાથવણાટનું મથક ગણાતું તેથી રેંટિયાનું કામ અમદાવાદમાં જ વધારે સારી રીતે થઈ શકે, અમદાવાદ ગુજરાતનું પાટનગર હોવાથી ત્યાંના ધનવાન લોકો વધારે આર્થિક મદદ આપી શકે એ પણ આશા હતી. આ બધા કારણોસર આખરે ગાંધીજીએ પોતાના આશ્રમ માટે અમદાવાદ પસંદ કર્યું.
‘નવજીવન‘ શરૂ કર્યું
એપ્રિલ, ૧૯૧૭માં ગાંધીજી ચંપારણ ગયા. ચંપારણમાં જમીનના ગોરા માલિકો-નીલવરો માટે ગળીનું વાવેતર ગણોતિયાને નીલવરો દ્વારા અપાતા ત્રાસની તપાસ કરી. ૩૧મી ઑગસ્ટ, ૧૯૧૭ના રોજ ગાંધીજીને મહાદેવભાઈ દેસાઈ મળ્યા. જેઓ ગાંધીજીના રહસ્ય મંત્રી બન્યા. ગાંધીજીએ અમદાવાદના મિલ મજૂરોની હડતાલ ઉપરાંત ખેડા જિલ્લાના ખેડૂતોની લડતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પોતાના સત્યાગ્રહ વિશેના વિચારો પ્રજા સુધી પહોંચાડવા ૭મી સપ્ટેમ્બર, ૧૯૧૯થી
‘નવજીવન‘ સાપ્તાહિક અને
‘યંગ ઇન્ડિયા‘ સાપ્તાહિક શરૂ કર્યા. બીજી ઑગસ્ટ, ૧૯૨૦થી ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે વ્યક્તિગત અસહકારની લડત શરૂ કરી. અમદાવાદમાં મળેલી ચોથી રાજકીય પરિષદમાં તેમણે અસહકારનો ઠરાવ પસાર કરાવ્યો. સરકારી શાળા-કૉલેજનો બહિષ્કાર કરી અસહકાર આંદોલનને વેગ આપવા ૧૮મી ઑકટોબર, ૧૯૨૦ના રોજ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ગંગાબહેન મજમુદાર નામની એક મહિલા સને ૧૯૧૭માં ગાયકવાડી રાજ્યના વિજાપુર ગામેથી રેંટિયો શોધી લાવ્યા. ગાંધીજીએ રેંટિયો કાંતવાનું શરૂ કરતા ઠેર ઠેર રેંટિયો કંતાવો શરૂ થયો. ગાંધીજીની અસહકારની હાકલ સાંભળી અનેક વકીલોએ વકીલાત, સરકારી કર્મચારીઓએ પોતાની નોકરી છોડી દીધી હતી.