
માઉન્ટબેટને હિન્દુસ્તાનનું વિભાજન કરી તેને આઝાદી આપવાની પોતાની યોજના રજૂ કરી. જેનો કૉંગ્રેસ અને મુસ્લિમલીગે સ્વીકાર કરી લેતા માઉન્ટબેટને પાકિસ્તાનને ૧૪મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ અને ભારતને ૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ આઝાદી આપવાનું ઠરાવ્યું. ગાંધીજી માઉન્ટબેટનની આ યોજનાનો વિરોધ કરતા હતા. તેઓ દેશના ભાગલાની વિરુદ્ધ હતા. તેઓ માનતા હતા કે દેશના ભાગલા પાડવાથી કોમી વેરઝેરનો અંત નહીં આવે. ગાંધીજીના વિરોધ છતાં કૉંગ્રેસ કારોબારી સમિતિએ માઉન્ટબેટનની યોજના સ્વીકારી લીધી.
સ્વતંત્રતા મળી
મુસ્લિમ લીગ, કૉંગ્રેસ અને શીખનેતાઓએ માઉન્ટબેટનની હિન્દુસ્તાનના ભાગલા પાડવાની યોજના સ્વીકારી એ સાથે જ દેશમાં હિન્દુ-મુસ્લિમ અને શીખ-મુસ્લિમો વચ્ચે

ભારે હિંસક રમખાણો ફાટી નીકળ્યા. લાખો લોકો હિજરત કરી ગયા. આ પછી નિયત દિવસે ૧૪મી ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ પાકિસ્તાન અને ૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ ભારતને સ્વતંત્રતા આપવામાં આવી. દેશને આઝાદી મળી, પણ દેશના વિભાજનના ભોગે. દેશભરમાં આઝાદીનો ઉત્સવ ઊજવાતો હતો ત્યારે ગાંધીજી કલકત્તામાં હતા. ભારતથી અલગ થયેલા પાકિસ્તાને કાશ્મીરનો પ્રદેશ પચાવી પાડવા ૨૩મી ઑક્ટોબર, ૧૯૪૭ના રોજ કાશ્મીર ઉપર આક્રમણ કર્યું. કાશ્મીરના મહારાજાએ ભારતને વિનંતી કરી પોતાને બચાવી લેવાનું જણાવ્યું એટલે ભારતે તેમને મદદ કરી કાશ્મીરના મહારાજાએ કાશ્મીરને ભારત સાથે જોડી દીધું. જે પાકિસ્તાનને ન ગમ્યું. ભારત સરકારે ગાંધીજીની અનિચ્છા છતાં કાશ્મીરનો પ્રશ્ન રાષ્ટ્રસંઘની સલામતિ સમિતિને સોંપવાનો નિર્ણય કર્યો અને ૧૯૪૮ના પ્રારંભમાં સોંપવામાં પણ આવ્યો.
પાકિસ્તાનમુદ્દે ઉપવાસ
હિન્દુસ્તાનના વિભાજન વખતે નક્કી થયા મુજબ ભારતે પાકિસ્તાનને ૭૫ કરોડ રૂપિયા આપવાના હતા. ભારતે આ પૈકી ૨૦ કરોડ રૂપિયા પાકિસ્તાનને આપી દીધા હતા. બાકીના ૫૫ કરોડ રૂપિયા આપવાના બાકી હતા. પાકિસ્તાને કાશ્મીર ઉપર હુમલો કર્યો એટલે ભારત સરકારે પાકિસ્તાનને આપવાના થતાં ૫૫ કરોડ રૂપિયા ન આપવાનો નિર્ણય કર્યો. ભારત સરકારને દહેશત હતી કે જો આ રકમ પાકિસ્તાનને ચૂકવાશે તો પાકિસ્તાન એ રકમ કાશ્મીરમાં ભારત વિરુદ્ધ લડવામાં વાપરી નાખશે. ગાંધીજીને આ પસંદ ન હતું. તેઓએ હિન્દુ-મુસ્લિમો વચ્ચે શાંતિ સ્થાપવા માટે ૧૩મી જાન્યુઆરી, ૧૯૪૮થી ઉપવાસ શરૂ કર્યા. ગાંધીજીના ઉપવાસને કારણે ભારત સરકારે પાકિસ્તાનને ૫૫ કરોડ રૂપિયાની રકમ ચૂકવી દેવાનો નિર્ણય કર્યો.
હત્યાનો પ્રયાસ
દિલ્હીમાં ઉપવાસ પર ઊતરેલાં ગાંધીજીને મળી હિન્દુ મહાસભા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કૉંગ્રેસ વગેરેના આગેવાનોએ દિલ્હીમાં મુસ્લિમો શાંતિથી રહી શકશે એવી ખાતરી આપતાં આખરે ગાંધીજીએ ૧૮મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ પોતાના ઉપવાસ છોડ્યા. ગાંધીજી મુસ્લિમોનો પક્ષ લઈ રહ્યા છે એવું કેટલાક કટ્ટરવાદી હિન્દુઓને જણાતા તેઓએ ગાંધીજીની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું. ૨૦મી જાન્યુઆચરી, ૧૯૪૮ના રોજ દિલ્હીમાં બિરલાભવન ખાતે ગાંધીજીની પ્રાર્થના સભા ચાલતી હતી, તેનાથી થોડે દૂર બૉમ્બધડાકો કર્યો, પણ કોઈ જાન-હાનિ ન થઈ. આ પછી દેશના ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે બિરલા-ભવન પાસે ગાંધીજીની સલામતી માટે વધારે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી આપ્યો. એમ છતાં ગાંધીજીએ પ્રાર્થના સભામાં આવતા લોકોની ઝડતી લેવાની મનાઈ કરી.