પાઘડીએ પ્રસિદ્ધિ અપાવી
બીજે દિવસે અબદુલ્લા શેઠ સાથે ગાંધીજી ડરબનની કોર્ટ જોવા ગયેલા. એ સમયે કોર્ટમાં પ્રવેશતી વખતે હિંદીઓએ માથેથી પાઘડી ઉતારવી પડતી. ગાંધીજીએ માથે બંગાળી ઘાટની પાઘડી પહેરી હતી. કોર્ટમાં મેજિસ્ટ્રેટ ગાંધીજી સામે જોયા કરતા હતા. તેમણે ગાંધીજીને પાઘડી ઉતારવાનું કહ્યું. જે ગાંધીજીને ઠીક ન લાગ્યું. પાઘડી ઉતારવાને બદલે ગાંધીજીએ કોર્ટ છોડી ચાલ્યા જવાનું પસંદ કરેલું. ગાંધીજીએ પાઘડીનો બચાવ કરતો પત્ર અખબારમાં લખ્યો. છાપામાં ગાંધીજીની પાઘડીના મુદ્દે ખૂબ ચર્ચા ચાલી હતી. ‘અનવેલકમ વિઝિટર‘ – ‘વણનોતર્યો પરોણો‘ એવા મથાળા સાથે ગાંધીજી છાપે ચઢ્યા હતા. આમ સાવ અનાયાસે જ ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં સારી એવી પ્રસિદ્ધિ મળી હતી.
રંગભેદનો અનુભવ
અબદુલ્લા શેઠનો ૪૦ હજાર પાઉન્ડના દાવાનો કેસ પ્રિટોરિયામાં ચાલતો હતો. પેઢીના વકીલ તરફથી અબદુલ્લા શેઠ ઉપર પત્ર આવ્યો હતો કે, તમે અથવા તો તમારા વતી કોઈને કેસ માટેની તૈયારી કરવા પ્રિટોરિયા મોકલો. અબદુલ્લા શેઠના કહેવાથી ગાંધીજી ૩૧મી મે, ૧૮૯૩ના રોજ ડરબનથી ટ્રેન દ્વારા પ્રિટોરિયા જવા રવાના થયા. ગાંધીજી પાસે પ્રથમ વર્ગની ટિકિટ હતી. આમ છતા; તેઓને પીટરમેરિત્સબર્ગ સ્ટેશને એક ગોરા અધિકારીએ બળજબીથી પ્રથમ વર્ગના ડબ્બામાંથી ઉતારી મૂક્યા. ગાંધીજીનો સામાન પણ ડબ્બામાંથી બહાર ફેંકી દીધો. કડકડતી ઠંડીમાં રાત આખી ગાંધીજી એ સ્ટેશને બેઠા રહ્યા હતા. એ દરમિયાન તેમણે નાસીપાસ થઈ સ્વદેશ પાછા ચાલ્યા જવાને બદલે દક્ષિણ આફ્રિકામાં રહી રંગભેદ વિરુદ્ધ લડવાનો નિશ્ચય કર્યો. બીજી ટ્રેન દ્વારા તેઓ ચાર્લ્સટાઉનથી જોહાનિસબર્ગ થઈ પ્રિટોરિયા પહોંચ્યા. અબદુલ્લા શેઠના કેસના કામે ગાંધીજી પ્રિટોરિયામાં એક વર્ષ સુધી રહ્યા. એ દરમિયાન તેમણે ટૉલસટૉય લિખિત ‘ધ કિંગ્ડમ્ ઑફ ગોડ ઈઝ વિધિન યુ‘ પુસ્તક તથા કુરાનનો અંગ્રેજી અનુવાદ વાંચી નાખ્યો. અહીં તેમને રંગભેદના કેટલાક જાતઅનુભવ પણ થયા. અબદુલ્લા શેઠના કેસમાં ગાંધીજીએ ઘરમેળે પતાવટ કરી આપી. કરારનું એક વર્ષ પૂરું થતાં ગાંધીજીએ સ્વદેશ પાછા ફરવાની તૈયારી કરી.