૧૮મી ડિસેમ્બર, ૧૮૯૬ના રોજ ગાંધીજી ડરબન પહોંચ્યા. દરમિયાન રૉયટર સમાચાર સંસ્થાએ ગાંધીજીના લીલા ચોપાનિયાના ખબર દુનિયાભરમાં પ્રસરાવેલા. નાતાલના હિંદીઓ ઉપર હિંસક હુમલા કરવામાં આવે છે, તેમને લૂંટી લેવામાં આવે છે એવી વિગતો આ લીલા ચોપાનિયામાં આલેખવામાં આવી હોવાનું રૉયટર સંસ્થાએ જણાવેલું. રૉયટરના આ ખબર દક્ષિણ આફ્રિકાના અખબારોમાં પણ પ્રસિદ્ધ થયા હતા. આથી દક્ષિણ આફ્રિકાના ગોરા લોકો ગાંધીજી પર રોષે ભરાયા હતા. ગાંધીજી ડરબન બંદરે ઊતર્યા ત્યારે ગોરાઓએ તેમના વિરુદ્ધ દેખાવ કર્યાઉ તોફાનીઓએ ગાંધીજી પર હુમલો કર્યો. સદ્દનસીબે ગાંધીજી ઉગરી ગયા હતા.
સેવા અને સાદગી
૧૮૯૭ના અરસામાં ગાંધીજીની વકીલાત સારી ચાલતી હતી. તેઓ હવે એક સફળ વકીલ ગણાતા હતા. આમ છતાં તેમનું જીવન સેવા અને સાદાઈ તરફ વળતું જતું હતું. તેઓ રક્તપિત્તિયા ગિરમીટિયાની સેવા-ચાકરી કરતા. પારસી મિત્રની મદદથી તેમણે એક નાની હોસ્પિટલ શરૂ કરી. તેઓ તેમાં સેવા આપતા. પોતાના કપડાં જાતે ધોવાનું શરૂ કર્યું. પ્રસૂતિશાસ્ત્રનો અભ્યાસ કરી ઈ. સ. ૧૯૦૦મા; તેમના સૌથી નાના પુત્ર દેવદાસની પ્રસૂતિ જાતે કરાવી, ટૉલ્સટૉયનાં પુસ્તકોનું વાંચન વધાર્યું. તેમાંય ટૉલ્સટૉયનાં ‘ગોસ્પેલ્સ ઈન બ્રીફ‘ અને વૉટ ટુ ડુ‘ પુસ્તકે તેમના મન પર ઊંડી અસર કરી.
બોઅર યુદ્ધ
૧૮૯૯ના ઑકટોબરમાં બ્રિટન અને દક્ષિણ આફ્રિકાનાં બોઅર રાજ્યો વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધમાં ઘાયલ થતા સૈનિકો માટે ગાંધીજીએ ગિરમીટિયા મજૂરોની સારવાર ટુકડી તૈયાર કરી હતી. યુદ્ધ પૂરું થયા પછી ૧૮મી ઑકટોબર, ૧૯૦૧ના રોજ ડરબનથી મુંબઈ જવા રવાના થયા. ૨૮મી નવેમ્બરે તેઓ મુંબઈ પહોંચ્યા. એ પછી તેઓ કલકત્તામાં યોજાયેલા કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર રહ્યા. ગાંધીજીને ભારતમાં રહી ગોપાળ કૃષ્ણ ગોખલેના માર્ગદર્શન હેઠળ જાહેર સેવા કરવી હતી. પરંતુ ૮મી ઑકટોબર, ૧૯૦૨ના રોજ તેમણે દક્ષિણ આફ્રિકાથી તેમના સાથીઓનો તાર મળતા તેઓ દક્ષિણ આફ્રિકા જવા નીકળ્યા ને ૨૫મી ડિસેમ્બર, ૧૯૦૨ના રોજ ડરબન પહોંચ્યા.