નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના
ગાંધીજી પ્રિટોરિયાથી ડરબન ગયા.અબદુલ્લા શેઠે ગાંધીજીને વિદાયમાન આપવા એક સમારંભ રાખ્યો હતો.ગાંધીજી નવરાશની પળોમાં અખબાર વાંચી રહ્યા હતા.અખબારમાં હિંદીઓને નાતાલની ધારાસભામાં સભ્યોની ચૂંટણી કરવાના હક હતા તે લઈ લેવા માટેનો કાયદો ધારાસભામાં ચર્ચાઈ રહ્યો હોવાના સમાચાર વાંચ્યા. ગાંધીજીને લાગ્યું કે જો આવો કાયદો પસાર થશે તો હિંદીઓને નુકશાન જશે.આથી તેમણે ત્યાં ઉપસ્થિત હિંદી આગેવાનો ને એ કાયદાનો વિરોધ કરવા સમજાવ્યા.બધા હિંદીઓએ ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં એક મહિના સુધી રોકાઈ જઈ આ કાયદા સામે લડત ચલાવવા સમજાવ્યા,આથી ગાંધીજી ત્યાં રોકાઈ ગયા.ગાંધીજીએ આ કાયદાની વિરોધમાં એક અરજી તૈયાર કરી નાતાલ વિધાન પરિષદને મોકલી આપી.તેમાં ૧૦ હજાર હિંદીઓ પાસે સહી કરાવી હતી.આમ છતાં તેનું કોઈ જ પરિણામ આવ્યું નહીં.હાથમાં લીધેલું કાર્ય ચાલુ રાખવા ગાંધીજીએ ડરબનમાં વસતા હિંદીઓને
‘નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસ‘ નામની સંસ્થા સ્થાપવા સમજાવ્યા.આવી સંસ્થા સ્થાપવામાં આવી ને ગાંધીજી એ સંસ્થાના મંત્રી બન્યા. આ પછી ગાંધીજીએ ડરબનમાં વકીલાત કરવા સનદ મેળવવા માટે અરજી કરી જે મંજૂર થઈ.
લીલું ચોપાનિયું
દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદીઓને તેમની ચામડીના કાળા રંગને કારણે
‘કૂલી‘ તરીકે ઓળખવામાં આવતા હતા.તેઓને જમીન ખરીદવાની, વસવાટ કરવાની, હોટલમાં પ્રવેશવાની મનાઈ હતી.ગાંધીજીએ નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસના નેજા હેઠળ આ રંગભેદ સામે લડત શરૂ કરી. નવરાશના સમયમાં તેઓ ઈસ્લામ અને પારસી ધર્મના પુસ્તકોનું વાચન કરતા.હિંદીઓની લડતનો અંત હજુ દૂર હતો તેથી ગાંધીજીએ રાજકોટ જઈ પોતાના પરિવારનેલઈ આવવાનું નક્કી કર્યું.૫મી જૂન, ૧૮૯૬ના રોજ તેઓ સ્વદેશ જવા રવાના થયા. ૯મી જુલાઈ, ૧૮૯૬ના રોજ તેઓ રાજકોટ પહોંચ્યા. રાજકોટમાં તેમણે?દક્ષિણ આફ્રિકામાં હિંદી પ્રજા પર થતી હાડમારીનું વર્ણન કરતી એક પુસ્તિકા લખી. જેનું પૂઠું લીલા રંગનું હોવાથી તે
‘લીલા ચોપાનિયા‘ તરીકે પ્રસિદ્ધિ પામી. દક્ષિણ આફ્રિકા પાછા ફરતા પહેલાં ગાંધીજી પૂણે ગયા હતા. જ્યાં બાળ ગંગાધર ટિળક અને ગોપાલ કૃષ્ણ ગોખલેનો તેમને પરિચય થયો. ૩૦મી નવેમ્બર,૧૮૯૬ના રોજ ગાંધીજી દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા. ગાંધીજી સાથે બે આગબોટમાં આશરે ૬૦૦ જેટલા હિંદીઓ પણ હતા.