બાળપણ પોરબંદરમાં જ વીતેલું. શાળાનો પ્રારંભિક અભ્યાસ પણ તેમણે પોરબંદરમાં જ કરેલો. ગાંધીજીની ઉંમર સાત વર્ષની હતી ત્યારે ૧૮૭૬ના નવેમ્બરમાં તેમના પિતા રાજકોટ રાજ્યના દીવાન બન્યા તેથી સપરિવાર તેઓ પોરબંદરથી રાજકોટ આવીને સ્થાયી થયા.
રાજકોટ આવ્યા પછી ગાંધીજીને ભણવા માટે રાજકોટની ગામઠી શાળામાં બેસાડવામાં આવ્યા. ગામઠી શાળામાંથી પરાની નિશાળમાં અને એ પછી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ગાંધીજી ૧૮૮૭ના ડિસેમ્બરમાં મેટ્રિકની પરીક્ષામાં પાસ થયા.
બાળપણમાં ગાંધીજીને અંધારામાં ભૂત-પ્રેતની બીક લાગતી. તેમની દાઈ રંભાએ બાળક મોહનને એ ભયના ઓસડરૂપે ‘રામનામ‘ લેવાનું શીખવ્યું હતું. વાંચતા શીખ્યા પછી મોહને ‘શ્રવણપિતૃભક્તિ નાટક‘ વાંચેલું. એ જ અરસામાં મોહને હરિશ્ચંદ્રનું આખ્યાન નામનું નાટક જોયેલું. આ પુસ્તક અને નાટકની મોહનના બાળમાનસ પર ઘેરી અસર થઈ હતી. ૧૩ વર્ષની ઉંમરે મોહનદાસના પોરબંદરમાં કસ્તૂરબાઈ સાથે લગ્ન થયા.
લગ્ન થયા ત્યારે મોહનદાસ હાઈસ્કૂલમાં ભણતા હતા. ગાંધીજી હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમને એક ખરાબ મિત્રની સોબત થઈ. એ મિત્રએ ગાંધીજીને માંસાહાર કરવા લલચાવ્યા. એ કુસંગને પરિણામે ગાંધીજીએ પાંચ-છ વાર માંસ ખાધું હતું. એ જ મિત્ર ગાંધીજીને વેશ્યાવાડે પણ લઈ ગયો હતો. માંસાહારની સાથે સાથે ગાંધીજીને તેમના એક સગાંની સંગાથે બીડી પીવાનો શોખ પણ લાગેલો. બીડીના ઠૂંઠા વીણીને તથા પૈસા ચોરીને ગાંધીજીએ બીડીઓ પણ પીધી હતી. ગાંધીજીની ઉંમર ૧૫ વર્ષની હતી ત્યારે તેમના માંસાહારી ભાઈએ પચીસેક રૂપિયાનું કરજ કર્યું હતું. એ કરજ પતાવવા બંને ભાઈઓએ મળી સોનાના કડામાંથી એક તોલો સોનું કપાવી ચોરી કરી હતી. આ ચોરીનું પ્રાયશ્ચિત કરવા ગાંધીજીએ પોતાના પિતાને સંબોધીને એક ચિઠ્ઠી લખી હતી. એ ચિઠ્ઠીમાં તેમણે આ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ચિઠ્ઠી વાંચીને કરમચંદ ગાંધીની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં હતાં. ગાંધીજીની ઉંમર ૧૬ વર્ષની હતી ત્યારે તેમના પિતાનું અવસાન થયું.
એ સમયે કાઠિયાવાડમાં ક્યાંય મેટ્રિક્યુલેશનની પરીક્ષા લેવાતી ન હતી. ગાંધીજી આવી પરીક્ષા આપવા અમદાવાદ ગયા હતા. રાજકોટથી અમદાવાદ એ તેમની જીવનની પ્રથમ એકલા કરેલી મુસાફરી હતી. ૧૮૮૭માં મેટ્રિક પાસ થયા પછી ગાંધીજી કૉલેજનો અભ્યાસ કરવા માટે ભાવનગર ગયા હતા. એ સમયે રાજકોટમાં કૉલેજ નહોતી. વળી ભાવનગરનું ખરચ ઓછું થાય એટલે ગાંધીજી કૉલેજ ભણવા ભાવનગર ગયા હતા. પરંતુ ત્યાં ભણવાનું માફક ન આવતા પહેલી ટર્મ પૂરી કરી ઘેર પાછા આવતા રહેલા.