બાળને જગતમાં પ્રથમ પરિચય માતાનો થાય. એવાં માતા
પૂતળીબાઈનું ચિત્ર ગાંધીજીએ બે વાક્યમાં આપ્યું છે : "માતા
સાધ્વી સ્ત્રી હતી. તે બહુ ભાવિક હતી. કઠણમાં કઠણ વ્રતો તે
આદરતી અને લીધેલાં વ્રત માંદી પડે તોપણ ન જ છોડે."
કરમચંદ ગાંધી વિશે એ કહે છે : "પિતા કુટુંબપ્રેમી, સત્યપ્રિય,
શૂરા, ઉદાર પણ ક્રોધી હતા. કંઈક વિષયને વિશે આસક્ત પણ
હશે. પિતાની કેળવણી કેવળ અનુભવની હતી. આમ છતાં વ્યવહારુ જ્ઞાન એવા ઊંચા
પ્રકારનું હતું કે ઝીણામાં ઝીણા પ્રશ્નોના ઉકેલ કરવામાં કે હજારો માણસોની પાસે કામ લેવામાં તેમને મુશ્કેલી ન આવતી."
બાળક મોહન ઉપર પ્રભાવ પાડનારી કદાચ ત્રીજી જ વ્યક્તિ
રંભાબાઈ નામનાં એનાં દાઈ જોવા મળે છે. મોહન ભૂતપ્રેતથી ડરતો. તેનું ઔષધ રામનામ છે. એમ રંભાએ સમજાવ્યું. મોહનને તો રામનામ કરતાં રંભા ઉપર વધારે શ્રદ્ધા હતી. પણ જે બીજ બચપણમાં રોપાયું તે બળી ન ગયું. રામનામ જીવનભર ગાંધીજી સારું અમોઘ શક્તિ બની રહ્યું, તેનું કારણ રંભાબાઈએ રોપેલું એ બીજ હતું.
તેર વર્ષના મોહનનાં કસ્તૂરબાઈ સાથે લગ્ન થયાં 1943માં કસ્તૂરબાનું કારાવાસમાં
અવસાન થયું ત્યાં સુધીમાં સાઠ વરસના બા-બાપુના ઘરસંસાર વિશે એક સ્વતંત્ર લેખ
તૈયાર થાય તેમ છે.
લગ્ન થયા ત્યારે હાઈસ્કૂલમાં ભણતા મોહનને અંગત મિત્રો થોડા જ હતા. એવા એક મિત્રનું નામ આપ્યા વિના તેની સાથેના ઘણાં વર્ષોના સંગના પ્રસંગો ગાંધીજીએ ‘આત્મકથા‘માં વિસ્તારથી આપેલા છે. માંસાહાર અને વ્યભિચારને આરે એમને પહોંચાડનાર એ મિત્રના
કેટલાક દોષો ત્યારે પણ એ જોઈ શકતા હતા. પણ પોતાનો તેની સાથે સંબંધ કેવળ તેને
સુધારવાને ખાતર છે, એમ માનતા હતા. એમની એ ગણતરી બરાબર નહોતી, એમ તે
પાછળથી જોઈ શક્યા. એમને ત્યારે સમજાયું કે સુધારો કરવા સારુ પણ માણસે ઊંડા
પાણીમાં ઊતરવું નહીં જોઈએ. અંતે ગાંધીજી એવા અભિપ્રાય પર આવ્યા કે અંગત મિત્રતા
અનિષ્ટ છે, કેમકે મનુષ્ય દોષને ઝટ ગ્રહણ કરે છે. જેને આત્માની, ઈશ્વરની મિત્રતા જોઈએ છે તેણે એકાકી રહેવું ઘટે છે.