
ગુજરાત પ્રવાસને રાજ્યમાં પ્રવાસન વ્યવસાયક્ષેત્રને પ્રાત્સાહન આપવા અને વિશ્વમાં તેનું માર્કેટીંગ કરવા ગાંધીગીરીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે અને મહાત્મા ગાંધીના જીવન સાથે સંકળાયેલા ઐતિહાસિક કેન્દ્રોની એક ગાંધી સર્કિટ બનાવવાની યોજના જાહેર કરી છે.
રાજ્યના પ્રવાસન મંત્રી જયનારાયણ વ્યાસે કહ્યું હતું કે, ‘અમે રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને વિકસાવવા આક્રમક માર્કેટીંગ યોજના બનાવી છે જેનો આધાર ગાંધીગીરી (અહિંસા) છે અને તેને સમગ્ર દુનિયામાં માન્યતા પ્રાપ્ત થઈ છે. આ થીમમાં ધૂમ્રપાન, મદિરાપાન અને અતિશય હિંસાની સમાજ પર થતી નુકસાનકારક અસરો વિશે જાગૃતિ લાવવાનો કાર્યક્રમ પણ સામેલ છે.
પ્રવાસન વિભાગે
‘ગાંધી સર્કિટ‘ની યોજનાઓ પણ જાહેર કરી હતી. આ સર્કિટમાં મહાત્મા ગાંધીના જન્મસ્થાન પોરબંદર, તેમની શૈક્ષણિક ભૂમિ રાજકોટ, જ્યાં મહાત્મા ગાંધીની સ્વાતંત્ર્ય સંગ્રામની લડત અને તે માટેની વ્યૂહરચનાએ આકાર લીધો હતો તે કર્મભૂમિ અમદાવાદ અને તેમણે જ્યાં મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો તે દાંડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક સ્થળો પ્રવાસનધામ તરીકે વિકસી શકે તેમ છે.
ગુજરાતના ૧,૬00 કિ. મી. લાંબા દરિયા કિનારાને નવી પ્રવાસન નીતિમાં યોગ્ય મહત્વ અપાશે. આ વિશે તેમણે કહ્યું હતું કે, દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ગુજરાતને મળ્યો છે ત્યારે આપણે મુંબઈથી કચ્છ સુધીની કોસ્ટલાઈન સર્કિટ વિકસાવવી જોઈએ. આ માટે કોટેશ્વર, સાપુતારા, બિંદુ સરોવર અને અન્ય સ્થળોનો વિકાસ શરૂ થશે.