મેં જણાવ્યું જ છે કે બાપુ વિલાયતથી હિંદ આવ્યા ત્યારે હું શાંતિનિકેતનમાં હતો. એ સંસ્થાનો પરિચય મેળવવા ખાતર થોડા મહિના ત્યાં રહી ભણાવવાનું કામ કરી ત્યાંનું આંતરિક વાતાવરણ કેવું છે તે મારે સમજી લેવું હતું. એ માટે રવિબાબુએ બહુ ઉદારતાથી મને સગવડ કરી આપી હતી.
બાપુના ફિનિક્સ આશ્રમમાંથી આવેલી મંડળી પણ ત્યાં મહેમાન તરીકે રહેતી હતી. દક્ષિણ આફ્રિકાથી બાપુ વિલાયત ગયા ત્યારે પોતાના આશ્રમવાસીઓને તેમણે શ્રીઍન્ડ્રુઝ પાસે મોકલ્યા. શ્રીઍન્ડ્રુઝે તેમને થોડા દહાડા હરદ્વારમાં મહાત્મા મુનશીરામના ગુરુકુળમાં રાખ્યા અને પછી એમને શાંતિનિકેતનમાં લાવ્યા.
છાપાં વાંચતો હોવાથી હું દક્ષિણ આફ્રિકાના આપણા લોકોનો તાજો ઇતિહાસ જાણતો હતો. ગાંધીજીના આફ્રિકાના ફિનિક્સ આશ્રમ વિશે પણ મારા એક સ્નેહી ભાઈ કોતવાલ પાસેથી મેં સાંભળ્યું હતું. સંભવ છે કે એ મિત્રની મારફતે આશ્રમવાસીઓએ પણ મારું નામ સાંભળ્યું હોય. શાંતિનિકેતન જતાંની સાથે જ હું આ ફિનિકસની મંડળીમાં લગભગ ભળી ગયો. સવારસાંજની પ્રાર્થના તેમની સાથે જ કરવા લાગ્યો ને સાંજનું ભોજન પણ તેમની સાથે જ લેવા માંડ્યું. આ આશ્રમવાસીઓ રોજ સવારે ઊઠી એક કલાક મજૂરી કરતા. શાંતિનિકેતનવાળાઓએ તેમને એક કામ સોંપી દીધું હતું. પાસે એક તલાવડી હતી ને નજીકમાં એક ટેકરી હતી. એ ટેકરી ખોદીને પેલી તળાવડી પૂરવાનું એ કામ હતું. અમે દસવીસ જણ રોજ એક કલાક કામ કરત તો એ કામ પૂરું કરતાં કોણ જાણે કેટલોય વખત લાગત. પણ અમારે તો નિષ્કામ કર્મ કરવું હતું ! રોજ ખૂબ ઉત્સાહપૂર્વક અમે અમારું કામ કર્યે જતા. શ્રી પિયર્સન પણ આમાં અમારી સાથે આવતા.
બાપુ શાંતિનિકેતન આવ્યાતે રાત્રે મોડે સુધી અમે એમની સાથે વાતો કરતા બેઠા. સવારે ઊઠીને પ્રાર્થના કર્યા બાદ અમે મજૂરીએ ગયા, ત્યાંથી પાછા આવીને જોઈએ તો અમારે માટે ફળ વગેરે બધું રીતસર સમારીને અલગ અલગ થાળીઓમાં પીરસી રાખેલું ! અમે તો બધા જ કામે ગયેલા. ત્યારે માની પેઠે આ બધી મહેનત કોણે લીધી હશે ? મેં બાપુને પૂછ્યું (તે વખતે હું બાપુ જોડે અંગ્રેજીમાં જ બોલતો) : ‘આ બધું કોણે કર્યું ?‘ તેમણે કહ્યું : ‘કેમ, મેં કર્યું,‘ મેં સંકોચપૂર્વક કહ્યું : ‘આપે શું કામ કર્યું ? આપ બધી તૈયારી કરો ને અમે બેઠા ખાઈએ, એ મને સારું નથી લાગતું.‘ ‘કેમ, એમાં શો વાંધો છે ?‘ તેઓ બોલ્યા. મેં કહ્યું: ‘આપ જેવાની સેવા લેવા જેટલી લાયકાત અમારામાં હોવી જોઈએ ને !‘
આનો બાપુએ જે જવાબ આપ્યો તેને સારું હું તૈયાર નહોતો. મેં કહેલું: ‘વુઈ મસ્ટ ડિઝર્વ ઇટ‘ (અમારામાં એની યોગ્યતા હોવી જોઈએ.) એ સાંભળતાં જ સાવ સ્વાભાવિક રીતે તેમણે કહ્યું : ‘વિચ ઈઝ એ ફેક્ટ‘ (તમારી વાત સાચી છે). હું તેમના તરફ જોઇ જ રહ્યો. તેમણે હસતાં હસતાં કહ્યું : ‘તમે ત્યાં કામે ગયા હતા અને નાસ્તો કરીને પાછા કામે જશો. મને ફુરસદ હતી, એટલે મેં તમારો વખત બચાવ્યો. એક કલાક કામ કર્યા પછી આવો નાસ્તો મેળવવાની લાયકાત તો તમે પામ્યા જ છો ને ?‘ ‘અમારામાં એની યોગ્યતા હોવી જોઈએ‘ એમ મેં કહેલું તેમાં મારા કહેવાનો ભાવ એવો હતો કે આવા મોટા નેતા સત્પુરુષની સેવા લેવા જેટલી લાયકાત તો અમારામાં હોવી જોઈએ ને? પણ મારો આ ભાવ તેમને વરતાયો જ નહીં. તેમના મનમાં તો સૌ સરખા. તેથી એમની નજરે તો મેં અમુક સેવા કરી એટલે તેમની સેવા લેવાને હું અધિકારી બની ગયો !