વિલાયત જવા રવાના
રાજકોટમાં ગાંધીજીના કુટુંબના જૂના મિત્ર અને સલાહકાર એવા માવજીભાઈ દવેએ ગાંધીજીના પરિવારજનોને ગાંધીજીને બેરિસ્ટર થવા વિલાયત મોકલવાની સલાહ આપી. આ સલાહ સ્વીકારી ૧૮૮૮માં ગાંધીજીને વિલાયત મોકલવાનું નક્કી થયું. માતા પૂતળીબાને ચિંતા રહેતી હતી કે દીકરો વિલાયત જઈ વંઠી જશે તેથી પૂતળીબાની ચિંતા દૂર કરવા એક જૈન મુનિએ ગાંધીજી પાસે માંસ, મદિરા અને સ્ત્રીસંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞાઓ લેવડાવી. આખરે ૧૮મી ઑગસ્ટ, ૧૮૮૮ના રોજ ગાંધીજી રાજકોટથી મુંબઈ જવા રવાના થયા. પરંતુ એ સમયે મોઢ વણિક જ્ઞાતિમાં વિલાયત જવાને
‘પાપ‘ સમજવામાં આવતું હતું તેથી ગાંધીજીને નાતબહાર મૂકવામાં આવ્યા હતા. કુટુંબના એક મિત્રએ ભાડા વગેરે માટે જરૂરી પૈસા આપતા ગાંધીજી ૧૮૮૮ના સપ્ટેમ્બરની ૪થી તારીખે વિલાયત જવા મુંબઈથી આગબોટમાં રવાના થયા.
વિલાયતનો વસવાટ
પચ્ચીસ દિવસની દરિયાઈ મુસાફરી પછી ૨૯મી સપ્ટેમ્બરે ગાંધીજી ઈંગ્લેંડના દક્ષિણ કિનારે આવેલા સાઉધમ્પટન બંદરે ઊતર્યા. એ જ દિવસે તેઓ ટ્રેનમાર્ગે લંડન પહોંચ્યા. લંડનમાં તેમને ડૉ. પ્રાણજીવનદાસ મહેતાનો પરિચય થયો. વિલાયતના વસવાટ દરમિયાન ગાંધીજીએ ખ્રિસ્તીધર્મનું બાઈબલ તથા ઈસ્લામ-ધર્મના સ્થાપક મહમ્મદ પયંગબરનું જીવનચરિત્ર વાંચ્યું. ઈ. સ. ૧૮૯૧ની મેની ૨૭મીએ ગાંધીજીનું નામ બેરિસ્ટરની ગાદીમાં જાહેર થયું. ૧૦મી જૂને ગાંધીજીને બેરિસ્ટરની પરીક્ષાનું પ્રમાણપત્ર મળ્યું. ૧૧મીએ તેમણે લંડન હાઈકોર્ટમાં પોતાનું નામ નોંધાવ્યું. આ પછી ૧૨મી જૂને તેઓ ભારત આવવા નીકળ્યા.