
એક દિવસ મેં બાપુને પૂછ્યું, ‘આજે જેને ગાંધી ટોપી કહીએ છીએ તે આપને કેવી રીતે પસંદ પડી ?‘ બાપુ કહેવા લાગ્યા, ‘હિંદુસ્તાનના જુદા જુદા ભાગોમાં જે ટોપી, ફેંટા, પાઘડી વગેરે પહેરાય છે તે વિશે હું વિચાર કરવા લાગ્યો. આપણા ગરમ દેશમાં માથે કંઈને કંઈ જોઈએ તો ખરું. બંગાળીઓ અને દક્ષિણના કેટલાક બ્રાહ્મણ ઉઘાડે માથે રહે છે પણ ઘણાખરા હિંદુઓ માથે કંઈ ને કંઈ પહેરે છે કે બાંધે છે. પંજાબી ફેંટો છે તો ઉમદા પણ તેમાં કપડું ખૂબ જાય છે. પાઘડીઓ ગંદી હોય છે, ને કેટલોયે પરસેવો પી જાય છે. ગુજરાતની શંકુ આકારની બેંગલોરી ટોપી બિલકુલ ઢંગ વગરની દેખાય છે. મહારાષ્ટ્રની હંગેરિયન ટોપી તેના કરતાં કંઈક સારી છે પણ તે નમદાની હોય છે. યુ. પી. ને બિહારની પાતળી ટોપી તો ટોપી જ નથી. તે સારી પણ નથી દેખાતી. આ બધો વિચાર કરતાં મને કાશ્મીરી ટોપી સારી લાગી. એ સરસ છે ને હલકી છે. તેને બનાવવામાં કશી મુશ્કેલી નથી અને તેની ગડી પણ થઈ શકે છે એટલે આપણે તેને વાળીને ખીસામાં મૂકી શકીએ અથવા દબાવીને પેટીમાં પણ મૂકી શકીએ. કાશ્મીરી ટોપી ઊનની હોય છે. પણ મેં નક્કી કર્યું કે તે સુતરાઉ કાપડની બનવી જોઈએ. પછી વિચાર કર્યો રંગનો. ક્યો રંગ માથે શોભશે ? એકે રંગ ગમ્યો નહીં. આખરે નિર્ણય કર્યો કે સફેદ રંગ સૌથી વધારે સારો છે. તેના પર પરસેવો પણ જલદી દેખાઈ આવે છે એટલે તેને ધોવી પડે છે. વળી ધોવામાં કશી મુશ્કેલી નથી. ગડીવાળી ને સફેદ હોવાથી માણસ સુઘડ દેખાય છે. આ બધો વિચાર કરી મેં આ ટોપી બનાવી.
‘ખરું જોતાં આપણા દેશની આબોહવાની ર્દષ્ટિએ મને સોલા હેટ ગમે છે. તે માથું, આંખો ને ગરદનનું તાપથી રક્ષણ કરે છે. લાકડાના ભૂકાની બનેલી હોવાથી તે હલકી ને ઠંડી હોય છે. વળી એમાંથી માથાને થોડી હવા પણ મળી શકે છે.
‘આજે હું તેનો પ્રચાર નથી કરતો તેનું કારણ એ છે કે તેનો આકાર આપણા પોશાક સાથે મેળ નથી ખાતો અને યુરોપિયન ઢબની હોવાથી સામાન્ય લોકો તેને અપનાવે પણ નહીં. જો આપણા કારીગરો એ વિલાયતી ટોપીના ગુણ કાયમ રાખીને તેનો આકાર આપણા પોશાક સાથે મેળ ખાય તેવો બનાવી શકે તો તેમનો મોટો ઉપકાર થાય. આપણા કારીગરો વિચાર કરે તો આ કામ એમને માટે મુશ્કેલ નથી.‘
- કાકાસાહેબ કાલેલકર