..કાગળનાં કટકા વિના, શાહીનાં ટપકા વિના એક ફરિયાદ
વરસ નબળું પાકયું છે. રાજને ભરવાની મહેસૂલનો વેંત નથી એટલે ટપકતો ઘડો ખાલી થાય એમ કુંડલા પરગણાનું જીરા ગામ ખાલી થઈ રહ્યું છે. વિધવા બાઈ પાર્વતીનો પાડોશ રોજ પાંખો થઈ રહ્યો છે. દીકરો નાનો છે. બાઈ જાય તો પણ કયાં જાય?
‘હેં ભાઈ!’ પાર્વતી ઉચાળા ભરતાં ગાડાં પાસે જઇને વલવલે છે, ‘તમે આમને આમ જતા રહેશો?’
‘તો શું કરે? કોઠીએ દાણા નથી, ગજવે નાણાં નથી. મહેસૂલ ભરવી કયાંથી?’
‘આપણા દુ:ખની વાત રાજાને કરવી જોવે ભાઈ!’
‘રાજાએ તો આ દુ:ખ નાખ્યાં છે પછી શાના સાંભળે?’
‘કહેવું કે વરસ પાકયું નથી, મહેસૂલ કેમ કરીને ભરીએ?’
‘નીપજ આવે કે ન આવે મહેસૂલ ભરવી પડે. ન ભરે એના ગાભા ચૂંથાય.’
‘પણ વાત તો કરવી પડે હોં.’ બાઈ એકની એક વાત લવે છે.
‘વાત શું કરે? ખેડૂતને બોલતાંય શું આવડે?’
‘જેવું આવડે એવું, બોલવું જોવે.’
‘તો પછી તમે જ જાઓની બાઈ!’
‘હા તે હું જાઇશ. ભાવનગર જઇને બાપુને મોઢે-મોઢ સંભળાવીશ.’
‘તમે તો ગજજબના નીકળ્યાં બાઈ! ભાવનગર જઇને બાપુને શું સંભળાવશો, વાત તો કરો?’ ગાડાખેડૂ મર્મ ભરીને હસે છે. ‘શું સંભળાવશો?’
‘રાસડો...’
‘રાસડા ચોકમાં અને શેરીમાં ગવાય, રાજા પાસે ન ગવાય. હા એના ગુણનો રાસડો ગાશો તો બે મણ દાણા મળશે...’
‘ગુણનો નહીં વીરા! હું રાજાના અવગુણનો રાસડો જોડીને ગાઇશ. રાજાની મોઢામોઢ. રાજના ખેડૂ ઉચાળા ભરે છે તે આવા રાજા હોય?’
હિંમત એકઠી કરીને બાઈ ભાવનગર પહોંચી કચેરીના દરવાજે જઇને ભી રહી. દરવાને અટકાવી ‘કયાં જાછ?’
‘બાપુ પાસે.’
‘બાપુ પાસે શું કામ છે?’
‘કામ નહીં ફરિયાદ છે.’
‘કયાંથી આવછ ફરિયાદ લઇને?’
‘કુંડલા પરગણાના જીરા ગામેથી.’
‘જીરાં... હળદર... ધાણા!’ રાજનો દરવાન મશ્કરીએ ચડયો. ‘મારા હાળાં હાલ્યાં જ આવે છે.’
‘જો ભાઈ, મને બાપુ પાસે નહીં જાવા દે તો હું આ દરવાજામાં માથું પછાડીશ.’
‘જા..!’ દરવાને માર્ગ મોકળો કર્યો.
‘બાપુ!’ રાજવી સામે હાથ જોડીને બાઈ બોલી, ‘તમારી રૈયત છું. કુંડલાના જીરા ગામેથી આવું છું.’
‘ભલે... બોલો.’
‘મારે રાસડો ગાવો છે બાપુ!’
બાઈની અજ્ઞાનતા પર સભા હસી ગઈ. ‘જો બાઈ! મારા ગુણ ગાવાની જરૂર નથી.’ મહારાજ તખ્તસિંહજી ગુણગાનથી નારાજ હતા.
‘આ તો ખેડૂતોનાં દુ:ખનો રાસડો છે અને રાસડો સંભળાવવા જ આવી છું બાપુ!’ તખ્તસિંહજીએ હકારમાં માથું હલાવ્યું. બાઈએ નરવા ગળે રાસડો ઉપાડયો :
‘ભાવનગર શહેર રળિયામણું રે
રાજા તખ્તસંગના રાજ રે
ઠાકોર વજેસંગ હતા ગાદીએ રે
તે દિ’ નીપજું ના નહીં પાર રે
ખોટા રાજા ને ખોટી નીતિયું રે
એમાં નિપજું કયાંથી થાય રે?’
રાજા તખ્તસિંહના રળિયામણા ભાવનગરનાં વખાણ કરીને ચતુર પટલાણીએ વર્તમાન રાજવી ઉપર જનોઈવઢ ઘા કર્યોકે તમારા પૂર્વજ વજેસંગજી ગાદીએ હતા ત્યારે એની દયામાયાના કારણે ખેતરો હર્યા ભર્યા રહેતાં અને પાકના ઢગલા થતા. પણ હવે રાજા ખોટા અને રીત પણ ખોટી એટલે ધરતીએ રસકસ ચોર્યા, નીપજ આવતી નથી.
રાજવી બાઈનાં દુ:ખને છાબડે નાખીને તોળતા હતા પણ દરબારીઓ ખારા ઉસ થઈ ગયા. હજૂર માટે આવો કડવો રાસડો? હજૂર ઇશારો કરે તો બાઇને ધક્કો મારીને એના ગામે ફંગોળી નાખીએ પણ નવાઈની વાત એ હતી કે આવી કટુ વાણી સાંભળીને પણ તખ્તસિંહજી મરક મરક હસતા હતા!
રાસડો આગળ વઘ્યો :
‘રાજના રાજાએ આંખ્યું મીંચિયું રે
તોડયા પટેલોના પગાર રે
પટેલ રોયા ધણી ધ્રુસકે રે
લોકથી કેમ ખમાય રે...’
રાજના હાથપગ જેવા ગામડાંના પટેલોના પગાર અમલદારોએ તોડી નાખ્યા એટલે બધા ધ્રૂસકે ધ્રૂસકે રડે છે... લોકોથી જોવાતું નથી...
‘જીરા તે ગામ સવા લાખનું રે
ઇયાં પટેલ માંડણ કહેવાય રે
રાસડો ગાયો જીરાની કણબણે રે
ફારમ સારુ પંડય વેચાય રે...’
છેલ્લી પંકિત ગાતાં ગાતાં બાઇથી ધ્રુસકાં મુકાઈ ગયાં. આંખમાંથી બોર બોર જેવડાં આંસુડાં પડવા પડયાં. રાજવી તખ્તસિંહજીની આંખો ભીની થઈ ગઈ.
‘બસ બાઈ! રાખ બોન!’ રાજાએ બાઈ સામે હાથ જોડયા, ‘મને બધુંય સમજાઈ ગયું છે. અમારા ખેડૂતની શી દશા છે એ તેં રાસડામાં કહી દીધું. તારી હિંમત માટે શાબાશી આપું છું. આજથી તારું તમામ કરજ રાજ માફ કરે છે અને મારા ખેડૂતોની મહેસૂલ પણ માફ કરું છું. મારો કોઈ અમલદાર ખેડૂતને હુંકારો નૈ કરે.’
બાઈ રાજી થઈ. હાથ જોડીને આશીર્વાદ આપ્યા. ‘ઘણું જીવો અમારા રાજવી! અને બાપુ! માફ કરજો. હું તો કણબીની દીકરી છું એટલે જીભાન કડવી હોય...’
‘તારી જીભાન મીઠીમધ છે બેન! અને કણબી તો અમારા અન્નકોઠારના દેવતા છે માટે કોઈ વાતે મુંઝાશ મા.’ આટલું બોલીને રાજવીએ વિધવા બાઇને સો રૂપિયા સાડલાના આપ્યા અને જીરા ગામે પહોંચાડવાની વ્યવસ્થા કરી.
કાગળના કટકા વગર, શાહીના ટપકાં વગર, દુ:ખનાં રોદણાં રડયા વગર, કડવા વેણની મોઢામોઢની એક કવિતા ઉદાર રાજવીએ માણી અને પ્રમાણી.