
જાદુગર કે. લાલ એટલે કાન્તિલાલ ગિરધરલાલ વોરા. સૌરાષ્ટ્રના બગસરા ગામે ઈ. ૧૯૨૭માં જન્મ. પિતા કલકત્તામાં કાપડનો વેપાર કરતા. કાન્તિલાલને અભ્યાસ કરવા કરતાં બચપણથી જ મદારીના ખેલ, લોકગીતો અને હાસ્યપ્રયોગોમાં વધુ રસ હતો.
‘મહમદ છેલ‘ની જાદુની વાતો સાંભળી જાદુ પ્રતિ આકર્ષણ વધ્યું. ઈ. ૧૯૩૮માં
‘માઇટી ચેગ‘ના જાદુના ખેલ જોઈ પોતે પણ જાદુગર બનવાનો નિર્ણય કર્યો. પછી જ્યાંથી મળ્યું ત્યાંથી એ અંગેનું શિક્ષણ લઈ આપબળે પોતાનું આગવું કૌશલ વિકસાવ્યું. ગોગિયા પાશા અને સરકાર પછી કલકત્તાની
‘ઇન્ડિયન મેજેશિયન્સ કલબ‘ના તેઓ પ્રમુખ છે. તેમણે દુનિયાભરના નામાંકિત જાદુગરોની પ્રશંસા મેળવી છે. ઈ. ૧૯૬૮માં
‘ઇન્ટરનેશનલ બ્રધરહુડ ઓફ મજિશિયન્સ‘ સંસ્થાએ એમને સાત એવોડર્ઝ આપી એમનું બહુમાન કર્યું છે.
આજે કે. લાલ એ જાદુગરનો પર્યાય બન્યું છે. અત્યાર સુધીમાં (ઈ. ૧૯૯૬ સુધીમાં) કે. લાલે દેશ – વિદેશમાં ૧૬,૩૦૦ થી વધુ શો અને હાથચાલાકીના ખેલો કર્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમની અમદાવાદ મુલાકાત વખતે કે. લાલના જાદુના ખેલ જોવા તેમને ખાસ બોલાવ્યા હતા. કે. લાલે હાથચાલાકીના ખેલ તરીકે ઇન્દિરાની સાડીના છેડાને આગ લગાડવાની વાત કરી. અંગરક્ષકોએ ના પાડી દીધી. પરંતુ કે. લાલની ખ્યાતિથી પરિચિત ઇન્દિરાએ સંમતિ આપી અને કે. લાલે વડાપ્રધાનની સાડીના છેડાને આગ ચાંપી. ઘડીભર તો આખા ઓરડામાં ધુમાડો છવાઈ ગયો. ઉપસ્થિત મહાનુભાવોને પરસેવો વળી ગયો. પણ બીજી જ ક્ષણે ધુમાડો અલોપ થયો ને કે. લાલે ઇન્દિરાજીની સાડીના છેડાને યથાવત કરી આપ્યો. ઇન્દિરાજીએ ખુશ થઈને રૂપિયા પાંચ કરોડના ખર્ચે જાદુ શીખવવાની સરકારી સંસ્થા ઊભી કરવાની તૈયારી બતાવી પરંતુ સંસ્થા-સંચાલનમાં ઉપરી-અધિકારીઓની ડખલ સહન નહિ કરવા ઇચ્છતા કે. લાલે ના પાડીદીધી.
આ લખાય છે ત્યારે (ઈ. ર૦૦૧માં) ૭૭ વર્ષની પણ તાજગી અને સ્ફુર્તિ ધરાવતા કે. લાલે તાજેતરમાં પોતાને માદરે વતન બગસરા ગયા હતા.