એક ઝેન કથા છે. એક જિજ્ઞાસુ સાધક અધીરા મને એકે ઝેન ગુરુ પાસે જાય છે અને કહે છે "મને મોક્ષનો રસ્તો બતાવો." ગુરુ તેને શાંતિથી બેસવા અને ચા પીને વધુ વાત કરવા કહે છે. પછી સાધકના હાથમાં રહેલા કપમાં ગુરુ ચા રેડવા લાગે છે. કપ ભરાઈ જાય છે,
છલકાવા લાગે છે છતાં ગુરુ ચા રેડતા રહે છે. ના, ના, કરતો સાધક બોલી ઊઠે છે, "બસ, બસ, ગુરુજી ચા તો છલકાઈ ગઈ, હવે વધુ નહીં આવે." ગુરુ કહે તારી વાત સાચી છે. કપ ભરેલો છે. હવે તેમાં વધુ ચા નહીં આવે. એ જ રીતે તારું મન પણ તારા પૂર્વેના ખ્યાલો, માન્યતાઓ, પૂર્વગ્રહોથી ભરેલું છે. એમાં કોઈ નવો વિચાર નહીં પ્રવેશી શકે. પ્રથમ તારું મન ખાલી કર, પછી મારી પાસે આવ. "
સાચી વાત છે. મન ભરેલું છે. જોયેલું, વાંચેલું, સાંભળેલું. માનેલું અને સ્વીકારેલું. વર્ષોનો સામાન છે. જન્મારાનો કચરો છે. હવે જીવનને આરે કોઈ મહાત્મા પાસે મોક્ષનો માર્ગ પૂછવા જઈએ એ ક્યાંથી બને? મન ખાલી થયા વગર નવાનો આવિષ્કાર કેમ થાય? સાધનાનું આ જ કામ છે–મનને શુદ્ધ કરવાનું. પૂર્ણતા પામવાની શરત છે શૂન્ય થવું.
સોક્રેટીસ પાસે એક યુવાન વ્યાખ્યાની કળા શીખવા આવ્યો. વાતવાતમાં પોતાના ભણતરની ને જાણકારીની વાતો કરવા લાગ્યો. સોક્રેટીસ કહે તારે ડબલ ફી આપવી પડશે.
"શા માટે ?" યુવાને પૂછયું. સોક્રેટીસે કહ્યું"તારા મનમાં જે જૂનું ભરેલું છે તે મારે ભૂંસવું પડશે. એ કામ અધરું છે એટલે ડબલ ફી. સ્લેટમાં જૂનું ભૂસ્યા વિના નવું ક્યાંથી માંડી શકાય? આ ખાલી થવાની કળા આપણે શીખવાની છે. પ્રતિક્ષણ જાગૃતિથી, તટસ્થતાથી, સમતાથી, નિરીક્ષણ – અવલોકન કરીને આપણે ખાલી થવાનું છે. તો જ નવું જીવન પ્રાપ્ત કરી શકીશું."