
તદ્દન સાદા ને પવિત્ર જીવન દ્વારા સીતા અને સાવિત્રીના સીતવંશની સુભાગી વેલી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર એક તપસ્વીનીએ ઈ. ૧૯૪૪ની ૨૨મી ફેબ્રુઆરીએ ગાંધીજીના ખોળામાં દેહત્યાગ કર્યો ત્યારે સારુંયે ભારત વિલાપ કરતું હતું. એ તપસ્વિની એટલે કસ્તૂરબા ગાંધી. રાષ્ટ્રપિતા ગાંધીજીના આ ધર્મપત્ની સાચે જ હિંદનાં મહારાણી હતાં. એમને જે માન મળતું તે બાદશાહની અર્ધાંગિનીને જ મળે. ગાંધી ભલે હિંદના બેતાજ બાદશાહ હતા પણ કસ્તૂરબા તો એક
‘અર્ધનગ્ન ફકીર‘નાં અદૂષિત આજીવનસંગિની જ હતાં. તેમને મળેલી પ્રતિષ્ઠામાં કશું જ અસંગત કે વિસંવાદી નહોતું. જો સમર્પણ, ત્યાગ, નિરાડંબર અને સહનશીલતા એ સંતોનું દેવદ્વાર હોય તો તેઓ પતિ ગાંધીજી કરતાં સો ગણાં સરળ અને વંદનીય વિભૂતિ હતાં.
પોરબંદરના એક નાના વેપારી ગોકુલદાસ મકનજી અને વ્રજકુંવરનાં એ પુત્રી ઈ. ૧૮૬૯ના એપ્રિલમાં જન્મેલાં. શાળાનું શિક્ષણ તો મળેલું નહિ, પણ વૈષ્ણવ કુટુંબનો સંસ્કારવારસો એમનામાં ઊતરેલો. તેર વર્ષની વયે પોતાથી છ માસ નાના ગાંધીજી સાથે એમનું લગ્ન થયા. જીવન-પરિવર્તનના તીવ્ર અને ઉત્કટ આગ્રહી પતિ સાથે સંસારની જે કડવીમીઠી એમણે અનુભવી એ આકરી કસોટીરૂપ હતી. એ કસોટીમાંથી તેઓ સફળતાથી પાર ઊતર્યાં. બાળપણની નિરક્ષરતાયે એમણે પ્રયત્નપૂર્વક દૂર કરી. ગાંધીજીની અંગત દેખભાળની સાથે તેમણે ઉપાડેલી પ્રત્યેક પ્રવૃત્તિમાં સક્રિય ફાળો આપી એમણે જાત ઘસી નાખેલી, પણ કદી પ્રસન્નતા કે સ્વભાવની મધુરતા નહોતી ગુમાવી. જેલવાસ દરમિયાન પણ એ એટલાં જ પ્રસન્ન અને કાર્યરત રહેતાં.
એમ કહેવાય છે કે કસ્તૂરબા નરમ, ગરીબડાં ને કેવળ પતિની છાયાસમાં હિંદુ પત્ની હતાં. પરંતુ આ સાચું નથી. એમનું આગવું વ્યક્તિત્વ હતું. ગાંધીજીએ પણ પોતાના વિચારો કસ્તૂરબાને ગળે ઉતારતાં ઘણી વાર મુશ્કેલી પડતી. છતાં ‘જન્મોજન્મ સાથીની' શબ્દોમાં બાનું ખઢં સ્વરૂપ વ્યક્ત થાય છે. કસ્તૂરબા એક એવાં શાંત અને ગહન યોગિની હતાં જેમણે પોતાના અમોદ્ય ચારિત્ર્યબળથી ક્રાંતિવીર પતિના વ્યક્તિત્વને સંપૂર્ણ રીતે પ્રદીપ્ત કર્યું. ગાંધીજી સાથે રહેવું કેવું કપરું હતું તે કસ્તૂરબા સિવાય બીજું કોણ જાણી શકે ? ગાંધીજીની અહિંસા અકળાવી નાખે એવી વસ્તુ હતી. તપોવનની એ તાપસીનું ગૌરવચિત્ર આપવાની શક્તિ કોઈમાં પણ હોય તો તે મહાદેવભાઈ દેસાઈમાં અને ગાંધીજીમાં. મહાદેવભાઈએ તો બાની પહેલાં વિદાય લીધી અને ગાંધીજીએ એ બાબતમાં મૌન સેવ્યું. કસ્તૂરબાને કદી કામકાજ પતાવવા દોડાદોડી કરતાં, ગભરાઈ જતાં કે ગુસ્સે થઈ જતાં કોઈએ જોયાં નહોતાં. જૂના જમાનાની પરોણાચાકરીનું જીવતું-જાગતું છતાં શાંત, સૌમ્ય અને મુધર પ્રતીક તેઓ હતાં. પ્રિય પત્નીના ચેતનવિહીન દેહ પાસે બેઠેલા બાપુએ જાણીજાણીને ઝેરના ઘૂંટડા પીધા હશે. આગાખાન મહેલમાં પોતાના વિશ્વાસુ સચિવ મહાદેવ દેસાઈનું મૃત્યું ગાંધીજી માટે ધરતીકંપ સમાન હતું ત્યાં તો પત્નીના મૃત્યુએ તેમના જીવનની કરુણતાને તીવ્રતમ બનાવી દીધી. ગાંધી સિવાય બીજું કોણ બે હજાર વર્ષ પહેલાંના ક્રાઇસ્ટના આ શબ્દો બોલ શકત :
‘ પિતા, શાને છોડ્યો વિજન પથ પે એકલ મને ?‘