પ્રશ્ન:આપણે ખાધેલા ખોરાકનું શરીરમાં શું થાય છે!
જવાબ: આપણે માત્ર સ્વાદ કે મજા માટે ખોરાક લેતાં નથી પણ શરીરને જરૂરી શકિત પુરી પાડવા માટે લઈએ છીએ. બરાબર ચાવીને ખાધેલો ખોરાક અન્નનળી મારફતે હોજરીમાં જાય છે. અન્નનળી એ ગળા અને હોજરીમાં ઉતારે છે. હોજરી પણ સ્નાયુઓની બનેળી થેલી જેવી કોથળી છે જેની દિવાલમાંથી પાચક રસો અને હાઈડ્રોકલોરીક એસીડ ઉત્પન્ન થઈ ખોરાકમાં ભળે છે. હોજરીની દિવાલ ઉપર રહેલાં તંતુઓ ખોરાકને વલોવે છે એટલે આપણે ખાધેલો ખોરાક પાચક રસો સાથે ભળીને ઘટ્ટ અર્ધપ્રવાહી બની જાય છે. ખોરાકમાં રહેલા શકિત અને પોષણ આપતા દ્રવ્યો છુટા પડે છે અને કલાક પછી આ વલોવાયેલો ખોરાક નાના આંતરડામાં જાય છે. નાનું આતરડું ભલે નાનું કહેવાય પરંતુ પાંચ મીટર જેટલું લાબું હોય છે અને પેટમાં હોજરીની નીચે ગુંચળું વળીને રહેલું હોય છે. આંતરડાની અંદરની દિવાલોમાં સુક્ષ્મ રૂંવાટી જેવા કોષો હોય છે જે ખોરાકમાંથી પોષક દ્રવ્યોનું શોષણ કરી લોહીમાં ભેળવે છે. આ ક્રિયાને ખોરાકની પાચનક્રિયા કરે છે. નાના આંતરડામાં મોટાભાગના ખોરાકનું પાચન થયા બાદ વધેલો ખોરાક મોટા આંતરડામાં જાય છે અને ત્યાં બાકી રહેલી પાચનક્રિયા પૂર્ણ થાય છે અને બાકી વધેલો ખોરાક મળસ્વરૂપે નિકાલ પામે છે.