ભારતીય સંસ્કૃતિમાં ઋષિઓને ઉચ્ચસ્થાન આપવામાં આવ્યું છે. આ ઋષિઓને પ્રસન્ન કરવા માટે ભાદરવા સુદ પાંચમને દિવસે ઋષિપંચમી ઉજવવામાં આવે છે. રજસ્વલા સ્ત્રીઓ દ્વારા જાણતા કે અજાણતા જે કંઈ સ્પર્શ થયા હોય તેના પાપોના નાશ માટે આવી સ્ત્રીઓ વિશ્વામિત્ર, કશ્યપ, જમદગ્નિ, અત્તિ, ભારદ્વાજ, વસિષ્ઠ તેમજ અરુંધતી એમ સાત ઋષિઓની પૂજા કરે છે અને તેમને પ્રસન્ન કરવામાં આવે છે. આ વ્રતને રજસ્વલા સ્ત્રીઓના દોષ દૂર કરવા સાથે જોડયું છે તેથી તે માત્ર સ્ત્રીઓ જ કરી શકે તેવી માન્યતા ઉભી થઈ છે પરંતુ તે સાચું નથી, પુરૂષો પણ ઋષિઓનું પૂજન કરી શકે છે.
ઋષિઓ અને વિશેષ કરીને સપ્તર્ષી (સાત) ઋષિઓના ખુબજ ગુણગાન ગાવામાં આવે છે કારણકે આ ઋષિઓએ જ આપણી મહાન સંસ્કૃતિના સંસ્કારો જાળવવા માટે અખુટ મહેનત કરી છે. આ ઋષિઓએ દેવોને તો યોગ્ય માર્ગ ચિંધ્યો છે સાથે માનવો અને દાનવોને પણ ખોટા રસ્તે જતા રોકયા છે. માનવ જીવનભર તપ અને જપ કરીને ઋષિની ઉપાધિ પ્રાપ્ત કરે છે અને પોતે માત્ર જ્ઞાનનો જ નહિ પરંતુ આચાર, વિચાર અને સંસ્કારમાં પણ કલિકાસર્વજ્ઞા (સર્વાગ સંપૂર્ણ) બને છે. આવા ઋષિઓની આરાધના કરી માનવ તેના આચાર, વિચારો અપ્નાવેતો ખરેખર તે પણ ધન્ય બની જાય છે. આપણા મહાકવિ કાલીદાસો પણ જણાવ્યું છે કે ઋષિ નિર્બળ રાજા ને રાજતિલક કરે તો પણ તે શકિતશાળી બની જાય છે. ઋષિની આભા એટલી વિશાળ હોય છે કે તે સમગ્ર સમાજનું બહુ જ સરળ રીતે નિરીક્ષણ કરી શકે છે અને તેને યોગ્ય દિશાચીંધી શકે છે.
ઋષિ બનવા માટે ચોક્કસ જાતિ કે ધર્મ હોવાં જરૂરી નથી. રાજા વિશ્વરથ પોતાના આચાર, વિચાર અને તપોબળના પ્રતાપે બ્રહમર્ષી બન્યા હતા. ઋષિ વિશ્વામિત્રનું પદ પ્રાપ્ત કર્યુ હતું. વર્તમાન સમયમાં આવા ઋષિઓની ખાસ જરૂર છે કારણકે અત્યારે માનવ સમાજ રાગ, દ્વેશ, ઇર્ષા, લોચ વગેરે વૃત્તિઓને કારણે અધઃપતનના કિનારે ઉભો છે. ઋષિઓના આચાર, વિચાર તેમજ તપની વધુમાં વધુ જરૂર છે. ઋષિઓના પણ ઘણા પ્રકાર છે. બ્રહમર્ષી, રાજર્ષી અને દેવર્ષી જે પ્રતાપી ઋષિને જોઈને હજારો માણસોના આચાર વિચાર શુધ્ધ થાય અને સાંસ્કૃતિક કાર્યો કરવાની પ્રેરણા મળે તે ઋષિને બ્રહમર્ષી કહેવામાં આવે છે. જયારે સમાજના અધઃપતનથી દુઃખી થઈ માત્ર તેની સુધારણા કરવા અને પ્રભુમાર્ગે લઈ જવા માટે સત્તાસ્થાને બીરાજે તેને રાજર્ષી કહેવામાં આવે છે. જયારે દેવર્ષી ઋષિ ધેર-ધેર નિત્યચર્ચા કરીને માનવને પ્રભુમાર્ગે જયાનો રાહ ચીંધે છે અને તે રીતે સમગ્ર માનવસમાજને સંસ્કૃતિમય બનાવે છે.
બ્રહમત્ર ઋષિ વિશ્વામિત્રે પ્રાપ્ત કર્યુ હતુ અને તેઓ બ્રહર્ષી કહેવાયા જયારે રામના દાદા રધુરાજા એક સાચા અર્થમાં રાજર્ષી હતા. જેમણે પોતાની તમામ સંપત્તિ ગુરૂ કાર્ય માટે આશ્રમને અર્પણ કરી દીધી હતી. દેવર્ષી ઋષિનું શ્રેષ્ઠ ઉદાહરણ નારદમૂનિ છે જેણે માનવ, દાનવને તો ઠીક પરંતુ દેવોને પણ સતત પરીભ્રમણ કરીને યોગ્ય રાહ ચિંધ્યો હતો. આવા ઋષિઓનું આજના દિવસે પૂજન કરી તેઓના આચાર-વિચાર તેમજ ઉપદેશોનું અનુચરણ કરીને આપણા જીવનને ધન્ય બનાવીએ.