
માતા વિશે આપણે ત્યાં એક જાણીતી કહેવત છે, મા તે મા બીજા વગડાના વા, માતા માત્ર બાળકને જન્મ જ નથી આપતી તેનું પાલન પોષણ કરી તેનામાં સંસ્કારોનું પણ સિંચન કરે છે. દેશને સારા નાગરીકો આપવામાં માતાનો ફાળો નાનો સુનો નથી. આવી માતાને આપણી સંસ્કૃતિએ માતૃદેવો ભવઃ નું ઉચ્ચસ્થાન આપીને તેની પૂજા કરવાનું કહ્યું છે. આથી શ્રાવણ વદની અમાસના દિવસને માતૃદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે પુરાણો, ઈતિહાસમાં થઈ ગયેલ સંસ્કૃતિપૂજક માતાઓને યાદ કરી તેનું પૂજન કરવામાં આવે છે.
ભારતીય સંસ્કૃતિમાં અસંખ્ય વીર માતાઓ થઈ ગઈ છે. જેમણે માત્ર બાળકોને જન્મ જ નહિ તેઓમાં સંસ્કાર સિંચન કરીને મહાન વિભૂતિઓ બનાવેલ છે રામની માતા કૌશલ્યા કે લક્ષ્મણની માતા સુમિત્રાએ આવી જ માતાઓમાં ચિરસ્થાઈ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જેની ઉપરથી આ દેશનું નામ ભારત પડયું તેની માતા શકુંતલા હતી. પંચ વીર પુરૂષો એવા પાંડવોની માતા કુંતા હતી. લવ, કુશ જેવા પ્રતાપી પુત્રોની માતા સીતા હતી, છત્તપતિ શિવાજીની માતા જીજાબાઈ હતી. આ તમામ શ્રેષ્ઠ પુરૂષોના જીવન ઘડતરમાં શ્રેષ્ઠ માતાઓએ અમૂલ્ય ફાળો આપ્યો હતો. આજનો દિવસ આ તમામ માતાઓને વંદન કરવાનો દિવસ છે. મા એટલે પ્રેમનું ચિરસ્થાઈ ઝરણું તે પો તે તો ભીનામાં સુવે છે. પરંતુ પોતાના સંતાનોને સૂકામાં ઉઘાડે છે. બાળકના રડવાનો થોડો અવાજ પણ માતાના હ્યદયને પીગળાવી દયે છે તેવી તેની કોમળ લાગણીશીલતા હોય છે. પોતાના સંતાનો માટે માતા જીવનના ગમે તેટલા સંઘર્ષો કે દુઃખો નો સામનો કરે છે. વીર માતાઓ પોતાના બાળકને પારણે ઝુલાવતા જ વીરતાના પાઠ શીખવાડે છે. માતા સુભદ્રાર્ય તો પોતાના ગર્ભમાં રહેલા અભિમન્યુને યુધ્ધ વિધ્ધા શિખવાડી હતી.
આપણી મહાન સંસ્કૃતિએ માનવને પોતાની માતા ઉપરાંત ગુરૂપત્નિ, ભાઈની પત્નિ, રાજમાતા, સાસુ વગેરે સાથે પણ પોતાની માતા સમાન જ માન આપવા જણાવ્યું છે.
આજના દિવસને માતૃદિવસ તરીકે ઓળખવા પછળ એક કથા છે. માતૃત્વ ઈચ્છતિ એક સ્ત્રીને ત્યાં મૃતપુત્રો જ જન્મતા હતા. તેણે જંગલમાં જઈને તપસ્વીનીઓની પૂજા કરી. પ્રસન્ન થયેલી તપસ્વીનીઓએ તેને યોગ્ય વરદાન માગવા કહ્યું, સ્ત્રીએ પોતાને જીવતા પુત્રો અવતરે તેવું વરદાન માગ્યું. ત્યારથી તેના પુત્રો જીવવા લાગ્યા. માત્ર પુત્રો જન્મવાથી માતૃત્વ સંપૂર્ણ થતું નથી. માતૃત્વ ત્યારે જ સંપૂર્ણ બને છે, જયારે તે પુત્રો નીતિવાન અને સદાચારી બને. મહાભારતમાં પણ ઉલ્લેખ છે કે માતાએ નબળા આળસુ કે ડરપોક પુત્રોને જન્મ આપવો નહિ.
આ દિવસને દર્ભગ્રહણી અમાવાસ્યા તરીકે પણ ઉજવવામાં આવે છે. સ્ત્રીઓ પોતાના સૌભાગ્ય, પુત્ર, પૌત્રાદિ નું ફળ પ્રાપ્ત કરવા પીઠોરી વ્રત પણ કરે છે.