
મહાવદ ચૌદસના રોજ આવતી મહાશિવરાત્રીમાં દેવાધિદેવ ભગવાન શંકરનો મહિમા ગાવામાં આવે છે. આ મહાશિવરાત્રી પાછળ એક પૌરાણિક કથા છે. ભૂખથી વ્યાકૂળ એક પારધી શિકાર કરવા નીકળે છે. એક હરણ યુગલ જોવા મળે છે. ઝાડ ઉપર બેઠેલો પારધી તેની સામે તીર તાકે છે પરંતુ હરણયુગલ કાકલૂદી કરે છે અને મરતા પહેલા એકવાર તેના બાળકોને મળવા જવાની ઈચ્છા વ્યક્ત કરે છે. ક્ષણવાર સંશયમાં પ્ડવા છતાં પારધી તેમ કરવાની રજા આપે છે અને સવારે પાછા આવવાનું હરણાઓ પાસેથી વચન લે છે. પારધી જે વૃક્ષ ઉપર બેઠો હોય છે તે બીલીનું વૃક્ષ હોય છે. સખત કંટાળાથી પારધી અનાયાસે જ બીલીના પાન તોડી-તોડીને નીચે નાખતો જાય છે. જે નીચે ભગવાન શંકરના શિવલીંગ પર પડતા જાય છે, જે પૂજામાં પરિવર્તીત થાય છે અને આખો દિવસ કશું ભોજન લીધુ ન હોવાને કારણે ઉપવાસ પણ થઈ જાય છે, તદઉપરાંત આખી રાતનું જાગરણ પણ થઈ જાય છે. સવારે હરણાઓ પારધીને આપેલા વચનમુજબ પાછા આવે છે, તેઓના વચન પાલન અને બાળકો પ્રત્યેના વાત્સલ્ય ભાવથી પારધીનું હ્રદય હચમચી જાય છે અને તેઓ પ્રત્યે અનુકંપા જાગે છે. પારધીનો અંતર આત્મા જાગી ઉઠે છે અને શિવત્વ પ્રગટ થાય છે કે મૂંગા પ્રાણીઓમાં પણ આટલું વચન પાલનની અને બાળકો પ્રત્યે વાત્સલ્યની ભાવના હોય તો હું તો બુધ્ધિશાળી મનુષ્ય છું અહિં પારધીનું હદયપરિવર્તન થાય છે.
ભગવાન શંકરનો મહિમા અપાર છે. તેઓ દેવોના પણ દેવ મહાદેવ છે. જગતને સાચી રીતે સમજવા માટે જ્ઞાન જરૂરી છે. શિવજ્ઞાનના પણ દેવ છે. તેમની જટામાંથી વહેતી જ્ઞાનરૂપી ગંગાના પ્રવાહમાં લીન થનારને જગતના તમામ ગૂઢ કોયડાઓનો ઉકેલ મળે છે. ભગવાન શંકરનું નામ પડતા જ આપણી સમક્ષ તેમની ભવ્યાતિભવ્ય મૂર્તિ ખડી થઈ જાય છે. તેમની

જટામાંથી નીકળતી ગંગા માનવ, પશુ, પક્ષી તમામ માટે ઉપયોગી છે. તેના મસ્તકને કર્મયોગી ચંદ્ર ભવ્યતા બક્ષે છે, જે માનવને અનત કર્મયોગી થવાનું સૂચવે છે. શિવજીને ભોળા ભગવાન કહેવામાં આવે છે. પરંતુ તેઓ ભોળા તો સાચા ભકતો માટે છે. તેનું ત્રિશુળ દુષ્ટોનો વધ કરતા પણ અચકાતું નથી. આવા સંહારના દેવ શંકર જરૂર પડયે સંગીતમય ડમરૂ પણ વગાડે છે અને મૃત્યુ પામેલા માનવીનું સ્વાગત કરવા સ્મશાનમાં પણ વાસ કરે છે. ભગવાન શિવ દેવોના દેવ મહાદેવ કહેવાયા, કારણકે દેવો-દાનવો વચ્ચેના સમુદ્ર મંથનમાં રત્નો તેમજ અન્ય ઉપયોગી ચીજો મળી ત્યારે તે લેવા બધા જ દોડેલા પરંતુ જયારે વિષ નીકળ્યું ત્યારે બધા જ નાશેલા, તે વિષ ભગવાન શંકરે પીધેલું અને નીલકંઠ બન્યા, જગતના અમૃતનો બધા જ પીએ, ઝેર પીએ તેજ સાચા અને તેજ મહાપુરૂષ બને. શિવ પોતે જ્ઞાનના મહાન દેવ હોવાં છતાં તેણે બળદ કે જેની ગણના આપણે ભોટ પ્રાણીને તેની સાચા હદયની ભક્તિને કારણે મંદિરમાં સ્થાન આપ્યું. શિવજી ભક્તના પ્રેમભાવનાના ભૂખ્યા છે નહિ કે બુધ્ધિના શિવમંદિરમાં રહેલ કાચબો સંયમનું પ્રતિક છે. કાચબો માણસને સમજાવે છે કે નાના પગથી નાનો માણસ પણ શિવત્વ પામી શકે છે. આપણે પણ શિવજીના મંદિરમાં સ્થાન પામેલા કાચબાનો આ ઉપદેશ મનમાં ઉતારીને શિવત્વ પામવા આજના મહાશિવરાત્રીના શુભ દિને ભગવાન શંકરની પૂજા અર્ચના કરી શિવત્વ પામવાનો સંકલ્પ કરીએ.