
હોળી એટલે કે હોલિકોત્સવ ફાગણ સુદ પૂનમને દિવસે ઉજવવામાં આવે છે આ ઉત્સવ બે દિવસનો છે, એક હોળી પ્રાગટય અને ત્યારપછીનો દિવસ ધૂળેટી, આપણી ભારતીય સંસ્કૃતિમાં વૈવિધ્યપૂર્ણ ઉત્સવોની હારમાળા છે, હોળીનો ઉત્સવ રંગોનો ઉત્સવ તરીકે પણ જાણીતો છે. આ ઉત્સવ સમાજના નાના-મોટા તમામ સ્તરના લોકો હળી-મળીને ઉજવે છે.
આ હોળી ઉત્સવ પાછળ પણ પ્રસિધ્ધ પૌરાણિક કથા રહેલી છે. હિરણ્યકશ્યપુ નામનો અસર તેના નામ જેવા જ ગુણો ધરાવતો હતો તે હિરણ્ય એટલે કે સોનું અર્થાત્ ભોગ વિલાસમાં જ રાચતો હતો તેની રાક્ષસીવૃત્તિએ તમામને તેના પ્રજાજનો ઉપરાંત ભક્તિનો કટ્ટર વિરોધી હતો અને તેનું નામ લેનારને સખત દંડ ફરમાવતો. તે સ્વયંને ભગવાન માનતો હતો અને અન્યો પાસે પણ બળજરીથી મનાવતો હતો. જેમ દુર્ગધયુક્ત કાદવમાં કમળ ખીલે તેમ હિરણ્યકશ્યપુના ભોગવિલાસયુક્ત ઈશ્વર વિરોધી કુસંસ્કૃતિમાં ખુદ હિરણ્યકશ્યપુ ને ત્યાં પુત્ર પ્રહલાદનો જન્મ થયો. પુત્ર પ્રહલાદ બોલતા શિખ્યો ત્યારથી જ ભગવાન વિષ્ણુનું નામનું રટણ કરવા લાગ્યો. હિરણ્યકશ્યપુએ તેને સુધારવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે બધા વ્યર્થ નિવડયા, પ્રહલાદે શ્રી વિષ્ણુની ભક્તિ છોડી નહિ, તેને મારવા હિરણ્યકશ્યપુએ ઘણા પ્રયત્નો કર્યા તે પણ બધા નિષ્ફળ ગયા. અંતે પ્રહલાદની હોઈ હોલિકાએ તેને મારવા માટેનું બીડું જડપ્યું. તેને એવું વરદાન હતુ કે જો તે પ્રભુ ભક્તને પરેશાન નહિ કરે તો સાક્ષાત અગ્નિ પણ તેને બાળી શકશે નહિ. હોલિકાએ હોલિકા માટે શ્રી વિષ્ણુ, ભગવાન નહોતા અને તેણે

પ્રહલાદનો નાશ કરવા તેને ખોળામાં લઈને અગ્નિમાં બેઠી અગ્નિમાં હોલિકાનું દહન થયું અને વિષ્ણુભક્ત પ્રહલાદ હેમખેમ રહ્યો, અહિં એક મૂળભૂત પ્રશ્ન ઉભો થાય કે વિષ્ણુભકત પ્રહલાદનો નાશ ઈચ્છતિ હોલિકા એક ઈશ્વરવિરોધી તત્વ હોવાં છતાં પણ આપણે શા માટે તેનું પુજન કરીએ છીએ? આ પ્રશ્નનો ઉત્તર સાવ સરળ છે. જે દિવસે હોલિકા પ્રહલાદને બાળવાની હતી તે દિવસે લોકોએ પોતાના ઘરે અગ્નિ પ્રગટાવીને અગ્નિ દેવને પ્રાર્થના કરી હતી કે તે પ્રહલાદને ન બાળે કારણકે પ્રહલાદ તેનો ઉધ્ધારક હતો. અગ્નિદેવે લોકોની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને પ્રહલાદને બદલે હોલિકાનો નાશ કર્યો.
આમ, આપણે જયારે હોળીની પ્રદક્ષિણા કરી તેનું પૂજન કરીએ છીએ તે ખરેખર તો અગ્નિ દેવેનું પૂજન છે, અને તેમાં પ્રાર્થના સમાયેલી છે કે હે અગ્નિદેવ ભક્ત પ્રહલાદને ઉગારો અને દૂષ્ટ વૃત્તિની હોલિકાનો નાશ કરો. અગ્નિની હોળીમાં ભક્ત પ્રહલાદ બચી જવાથી અને હોલિકાનો નાશ થવાથી હર્ષઘેલા લોકો રંગોથી એકબીજાને રંગીને પોતાનો આનંદ વ્યક્ત કરે છે. આપણે પણ હોળીનું પુજન કરતા સમયે અગ્નિદેવને પ્રાર્થના કરીએ કે હે અગ્નિદેવ અમારામાં રહેલ અહં, મોહ, ખોટો ભોગવિલાસ, વિકૃતિ, સ્વાર્થવૃતિને વગેરે આસુરી તત્વોને બાળી નાખો અને સદવૃત્તિને બચાવો જેથી અમો પ્રભુ ભક્તિમય બનીને જીવનમાં વૈવિધ્યરંગી રંગોને માણી શકીએ.