
પ્રભુ અષાઢ સુદ એકાદશીના દિવસે સુઈ જાય છે, અને ત્યારબાદ છેક ચાર મહિને તેઓને ઉંઘમાંથી જગાડવામાં આવે છે. પ્રભુના ઉંઘમાંથી જાગવાના દિવસને પ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાનને હે પ્રભુ ત્રણે લોકના કલ્યાણ માટે જાગ્રત થાવો ના નાદ સાથે જગાડે છે. પરંતુ વાસ્તવમાં આપણી ભવ્ય સંસ્કૃતિએ પ્રતિકાત્મક રીતે પ્રભુને જગાડવા પાછળ માણસમાં વ્યાપ્ત પ્રભુને જગાડવાનો બોધ આપ્યો છે. આપણું મન રાગ-દ્રેષ સામે જાગૃત થાય અભિયાન સામે જાગૃત થાય માણસ પોતાની જવાબદારી પ્રત્યે જાગૃત થાય તેવો ઉપદેશ રહેલો છે.
આ સમગ્ર જગત ભગવાનની ઈચ્છાને આધિન છે. તેની ઈચ્છા વગર એક ઝાડનું પાંદડું પ્ણ હલી શકતું નથી. તે જ રીતે માણસ પણ સંપૂર્ણરીતે ભગવાનને આધિન છે. તેનું દરેક કાર્ય પણ પ્રભુની ઈચ્છાને જ આધિન છે. પરંતુ આ આધિનતા નો અર્થ એવો નથી કે બધુ જ ભગવાન ઉપર જ છોડી દેવું, અને ખુદ ભગવાન પણ એમ ઈચ્છતા નથી, અને તેથી જ તેણે પૃથ્વી ઉપરની જીવસૃષ્ટિમાં માનવને શ્રેષ્ઠ બુધ્ધિ આપી છે. માણસ બધુ ભગવાન ઉપર છોડીને આબધુ બનીને ઉંઘી ન જાય અને તેને પોતાની જવાબદારીઓનુ ભાન થાય એટલે માટે ભગવાન ચાર માસ માટે ઉંઘી જાય છે, અને ભગવાન જયારે ચર્તુમાસ બાદ પ્રબોધિની એકાદશીને દિવસે જાગે છે ત્યારે માણસે તેને હિસાબ આપ્વાનો હોય છે કે તેણે ચારમાસ દરમ્યાન કેટલા સાત્વીક કાર્યો કર્યા અને અનિષ્ઠ તત્વોને છોડયા !

અહિં માનવની જાગૃતિનો ભાવાર્થ છે. બૌધ્ધિક, આત્મિક અથવા તો માનસિક વિકાસ જો આ ત્રણ પસાઓનો સમતોલ રીતે વિકાસ થયો હોય તો વ્યકિતને અજ્ઞાન આળસ અને અંધકારની કુંભકર્ણ નિંદ્રા સ્પર્શી શકે જ નહિ. અહિં જાગૃતિ એટલે કે વાસ્તવિક સત્ય કે જ્ઞાનની જાગૃતિ, માત્ર ઉપરછલ્લી આભાર ભૌતિક જાગૃતિ નહિ, અત્યારે માણસ સારા કપડાં પહેરવામાં કે શરીર સ્વચ્છ-સુઘઢ રાખવામાં જેટલી કાળજી રાખે છે તેનાથી અડધી કાળજી પણ માનસિક સ્વાસ્થ્ય, સંસ્કારો કે કુદરતને સાચા અર્થમાં સમજવા માટે લેતો નથી, પરિણામે માણસ ભૌતિક રીતે સમૃધ્ધ સંપત્તિવાન બનવા છતાં તે સાચા સુખને પામી શકતો નથી. આમ, પ્રબોધિની એકાદશી પાછળનો ઉદેશ અતિ પવિત્ર છે.
આ દિવસ તુલસી વિવાહ માટેનો પણ દિવસ છે, જેમ ભગવાન વિષ્ણુને તુલસી જોડે પરણાવવામાં આવે છે, ભગવાન વિષ્ણુએ શક્તિશાળી રાજા જલંઘરનો નાશ કરવા માટે તેની પત્નિ વૃંદાના સતિત્વનો ભંગ કર્યો. વૃંદાના શાપથી શ્રી વિષ્ણુ શાલિગ્રામ બની ગયેલા અને તે તુલસી બની ગઈ, ત્યારથી લોકો દર પ્રબોધિની એકાદશીએ તુલસીના પાન વિષ્ણુરૂપ શાલિગ્રામ ઉપર ચડાવી તુલસી વિવાહ ઉજવવામં આવે છે, અને લોકો આનંદવિભોર બનીને દીવાઓ પ્રગટાવે છે, આમ આ દિવસ દેવદિવાળી તરીકે પણ લોકપ્રીય છે.