
દત્ત જયંતિના દિવસે કમંડળ,માળા,શંખ,ચક્ર, ત્રિશુળ,ડમરૂધારી ભગવાન દતાત્રેયનો મહિમા ગાવામાં આવે છે.આ દત્ત જયંતિ પાછળ એક પૈરાણિક કથા છે.એ સમયે અત્રિ ઋષીના પત્ની મહાસતી અનસૂયાનું સતીત્વ ચોમેર પ્રસિદ્ધિ પામી રહ્યું હતું.ત્રિદેવ એટલે કે બ્રહ્મા,વિષ્ણુ અને શિવને સતી અનસૂયાના સતીત્વની કસોટી કરવાની ઈચ્છા થઈ અને તેઓએ અત્રિ ઋષીના આશ્રમે જઈને સતી અનસુયાને નિર્વસ્ત્ર અવસ્થામાં ભિક્ષા આપવા જણાવ્યું સતી અનસુયા ધર્મસંકટમાં મુકાય ગયા.જો તે નિર્વસ્ત્ર અવસ્થામાં ભિક્ષા આપે તો તેના સતીત્વનો ભંગ થાય અને જો અતિથિને ભિક્ષા આપવાનો ઈન્કાર કરે તો આતિથ્ય ધર્મ લાજે.પરંતુ અનસુયાએ આ સમસ્યાનો હલ કાઢયો. તેમણે ત્રણે દેવોને પોતાના સતીત્વના બળથી નાના બાળકો બનાવી પારણામાં પોઢાડી દીધા અને તેમને ભિક્ષા આપી.પછીથી ત્રણે દેવોની પત્નીઓની વિનવણીથી તેઓને મૂળ સ્વરૂપમાં લાવી સતી અનસૂયાએ ત્રણે દેવોની સોંપણી કરી.અનસુયાની શક્તિથી અંજાયેલા અને પ્રસન્ન થયેલા ત્રણે દેવોએ એક જ દેવ તરીકે સતી અનસુયાના કૂખે અવતાર લીધો,તે જ ભગવાન દત્તાત્રેય. જેમાં બ્રહ્મા,વિષ્ણુ અને મહેશની શક્તિઓનો સંયુક્ત રૂપે ત્રિવેણી સંગમ છે.
ત્રિદેવની શક્તિઓ ધરાવનાર બાળક દત્તાત્રેયને ઋષી પતિ-પત્નિ એ ઈશ્વરી કાર્ય માટે સમાજને સમર્પિત કર્યુ.ભગવાન દત્તાત્રેય કમંડળ,માળા,શંખ, ચક્ર,ત્રિશુળ,ડમરૂ વગેરે સાધનો ધારણ કરે છે.આ તમામ પ્રતિકો વિશેષ અર્થ ધરાવે છે. ભગવાન દત્તાત્રેયના હાથમાં રહેલ માળા અને કમંડળ બ્રહ્માજીના છે અર્થાત બ્રહ્માજીનું સુષ્ટિ સર્જન અને ભક્તિ માર્ગનું કાર્ય સૂચવે છે. કમંડળમાં જળ રહે છે.જળ એટલે જ જીવન માણસનું જીવન હંમેશા જીવંત રહેવું જોઈએ તેના પ્રત્યેક કાર્યમાં પ્રાણ ધબકવો જોઈએ અહિં કાર્ય એટલે જ સર્જન. જયારે માળાએ ભકિતનું પ્રતિક છે.માણસ પાસે ઘન સંપત્તિ કે બુધ્ધિ ગમે તેટલી હોય પરંતુ જો તે સત્કર્મો પાછળ ન વપરાય તો તેનું કશું મહત્વ રહેતું નથી.માત્ર સમાજકલ્યાણની પદવી હાંસલ કરવાથી તે સમાજ કલ્યાણના કાર્યો કરશે જ તેવી ખાત્રી મળતી નથી. તે સમાજના કાર્યો પ્રતિ તો જ સમર્પણ ભાવ રાખશે જો,તેનામાં ભક્તિ પ્રત્યે આસ્થા રહેલી હશે ભક્તિ

સોનામાં સુગંધ મેળવવાનું કાર્ય કરે છે.ટુંકમાં અહિં કમંડલ અને માળા માણસનું કોઈપણ કાર્ય જીવંત હોય તેમજ તે સમાજ હિતાર્થે હોવું જોઈએ તેમ સૂચવે છે.
ભગવાન દત્તાત્રેયના હાથમાં રહેલ શંખ અને સુદર્શન ચક્ર શ્રીવિષ્ણુના છે,જે સુષ્ટિનું પાલન સૂચવે છે.અહિં શંખ તેજસ્વી આચાર વિચારોનું પ્રતિક છે. જયારે સુદશર્ન ચક્ર પ્રચંડ ગતિ સૂચવે છે.સુષ્ટિના પાલન માટે જેમ ભગવાન વિષ્ણુના દરેક કાર્યોમાં શક્તિ અને ગતિશીલતા જોવા મળે છે તે જ રીતે માણસ પણ પ્ોતાનુ કાર્ય જવાબદારીથી વ્યવસ્થિત રીતે નિભાવી શકે જો તેનામાં શંખ જેવી તેજસ્વીતા હોય અને સુદર્શન ચક્ર જેવી ગતિશીલતા હોય,નિર્બળ વ્યકિતથી કોઈ કાર્ય વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે નહિ.
ભગવાન દત્તાત્રેયના હાથમાં રહેલ ત્રિશુલ અને ડમરૂ સુષ્ટિનો સંહાર કરનાર શ્રીશંકરના છે.માણસ જન્મે છે અને મૃત્યુ પામે છે.આપણે જન્મને આનંદનો પ્રસંગ માનીએ છીએ જયારે મૃત્યુને દુઃખનો. શિવજીનું ત્રિશૂલ આપણને સમજાવે છે કે મૃત્યુ એટલે કે સંહાર જરૂરી છે.જુનું જાય અને નવું સજાર્ય નહિ તો નવસર્જનમાં અવરોધ ઉભો થાય જ.એટલે અહિં વિસર્જન જરૂરી છે જ.જયારે સંગીતનું પ્રતિક રહેલું શિવજીનું ડમરૂં શીખ આપે છે કે મૃત્યુ એટલે કે વિસર્જનને આનંદથી આવકારો.જેમ જીવન (જન્મ) જરૂરી છે તેજ રીતે મૃત્યુની પણ એટલી જ જરૂરીયાત છે.તો સૃષ્ટિનું સંપૂર્ણ ચક્ર વ્યવસ્થિત રીતે ચાલે અને જે વસ્તુની અનિવાર્ય જરૂરીયાત છે તેનો અફસોસ કે દુઃખ શાનું ? શ્રીશંકર કહે છે કે જન્મ અને મૃત્યુ બંને સરખા જ છે. તફાવત માત્ર એટલો જ કે જન્મ સમયે હું (શિવ) જીવ પાસે જાવ છુ અને મૃત્યુ સમયે જીવ મારી પસે આવે છે.(સ્મશાનમાં પણ શિવજીનો વાસ છે).આવી મહાન ત્રિશક્તિના સંગમ સ્વરૂપ ભગવાન દત્તાત્રેયને કોટી-કોટી વંદન.