ભગવાન પર ભરોસો
દક્ષિણ આફ્રિકામાં પઠાણોએ બાપુ પર હુમલો કર્યો અને મારથી બાપુદેવ થઇ ગયા એમ સમજી તેઓ તેમને પડતા મૂકી ત્યાંથી ચાલ્યા ગયા. બાપુ ફક્ત બેહોશ થઈ ગયા હતા. હોશ આવતાં પહેલી વાત તેમણે એ કહી કે જેમણે મારા પર હુમલો કર્યો છે તેમને સજા ન થવી જોઈએ. હું મારા તરફથી એમને માફી આપું છું.
તે દિવસથી બાપુના પરમ મિત્ર કેલનબેક બાપુને ક્યાંય એકલા જવા દેતા નહીં. કેલનબેકનું કદ ઊંચું ને શરીર ઘડાયેલું હતું. કુસ્તી, મુક્કાબાજી એ બધું તેમને સરસ આવડતું હતું. બાપુ જ્યાં જ્યાં જાય ત્યાં તેમના અંગરક્ષકની પેઠે કેલેનબેક પણ સાથે જતા.
એક દિવસ બાપુ એક સભામાં ગયા હતા. કેલનબેકને ખબર મળી કે ત્યાં ગોરાઓ બાપુ પર હુમલો કરવાના છે. એટલે સભામાં જતી વખતે તેઓ પોતાના પાટલૂનના ખિસ્સામાં રિવૉલ્વર લઈને ચાલ્યા. બાપુને આ વાતની ખબર પડી એટલે તેઓ બહુ ગુસ્સે થયા ને કહેવા લાગ્યાઃ "ફેંકી દો રિવૉલ્વર. તમને ભગવાન પર ભરોસો છે કે રિવૉલ્વર પર ? મારા રક્ષણ માટે મારી સાથે આવવાની પણ શી જરૂર ? ભગવાનના હાથમાં હું સલામત નથી શું ? મારી પાસે કામ લેવું હશે ત્યાં સુધી તે અવશ્ય મારી રક્ષા કરશે."
ત્યાર પછી બનેલી બીજી એક ઘટના છે. ગોરા લોકોની સભા હતી. કેલનબેક ત્યાં ગયેલા. સભામાં એક છેડે ઊભા હતા. ત્યાં કોઈ વક્તા કે શ્રોતા સાથે ચર્ચા કરતાં ઝઘડો થયો.
અંગ્રેજો એવા જ હોય છે. તાકાત હોય કે ન હોય, દમદાટી જરૂર આપે. પેલા અંગ્રેજે
કેલનબેકને પડકાર કર્યોઃ ‘કમ એલૉગ, લેટ અસ ફાઇટ ઇટ આઉટ‘ (આવ, આપણે એ મુદ્દો લડી પતાવીએ). કેલનબેકે ઠંડે અવાજે જવાબ આપ્યો : ‘બટ આઈ એમ નૉટ ગોઇંગ ટુ
ફાઇટ યૂ‘ (પણ હું તારી સાથે લડવાનો નથી). બધા લોકો દંગ થઈને જોઈ રહ્યા.
કેલનબેકની તાકાત ને કુસ્તીની કુશળતા સૌ જાણતા હતા. કોઈ તેમને કાયર કહી શકે તેમ નહોતું; અને પડકાર્યા પછી કોઈ કાયર પણ આમ લડવાની ના ન પાડે ! સૌને નવાઈ થઈ.
પણ કેલનબેક હવે શૂરની અહિંસા કેળવી ચૂક્યા હતા.
-કાકા સાહેબ કાલેલકર