
આઠ વર્ષની શ્વેતા હજુ તો પોતાની વસ્તુઓ પણ મહામુશ્કેલીએ સંભાળે છે. પોનીટેઈલ પણ મમ્મી જ કરી આપે છે.દર રવિવારે મમ્મી જ એને ઘસીઘસીને નવડાવે છે કારણકે રોજ હાથે નહાતી શ્વેતા ઘસીઘસીને નહાતી નથી, એમ એની મમ્મી કહે છે, પરંતુ હવે એને સેનેટરી પેડ સંભાળવા પડે છે કારણ કે આટલી નાની ઉંમરમાં એને પિરિયડ્સ શરૂ થઈ ગયા છે. મમ્મી અને દાદીએ કહ્યું છે, “ હવે તું મોટી થઈ ગઈ છે. ઊઠવા- બેસવામાં ધ્યાન આપ અને પિરિયડ્સ દરમિયાન પૂજાઘરમાં પગ મૂકતી નહીં,” આ આઠ વર્ષની શ્વેતા હસવા-ખેલવાની ઉંમરે મોટી શી રીતે થઈ ગઈ છે તે વાત સમજી જ શકતી નથી. શ્રીમતી નેહા શાહ ની ચાર વર્ષની રિદ્ધિને કારણે પરેશાન છે. એણે જયારે જોયું કે ચાર વર્ષની પુત્રીનો ઉરપ્રદેશ વિકસવા લાગ્યો છે અને તેને પ્યૂબરલ હેર (જનનાંગો પર વાળ) આવવા માંડ્યા છે અને એની ઊંચાઈ ઝડપથી વધી રહી છે ત્યારે નેહા ગભરાઈ ગઈ અને તરત જ એન્ડોક્રોનોલોજિસ્ટ પાસે દોડી ગઈ. ડોકટરે એને જણાવ્યું, આ અર્લી પ્યુબર્ટીનો મામલો છે.
સાત વર્ષીય સ્નેહા એક દિવસ રડતાં રડતાં, મમ્મીને કહ્યું કે એના પેશાબમાં લોહી પડે છે. મમ્મીએ ચેક કર્યું તો ખબર પડી કે સ્નેહા ને પિરિયડ્સ શરૂ થઈ ગયા છે. મમ્મી દોડીને સ્નેહા ને ડોકટર પાસે લઈ ગઈ. ડોકટરે પણ એ વાતને સમર્થન આપ્યું કે સ્નેહા ને પિરિયડ્સ શરૂ થઈ ગયા છે. અને એકદમ નોર્મલ છે, ત્યારે સ્નેહા ની મમ્મીને ટાઢક વળી. પણ તેઓ કહે છે, “જરા વિચારો આવડી અમથી છોકરીને આ બધું મેનેજ કરતા કેટલી મુશ્કેલી પડતી હશે ? દર મહિને આ ઋતુસ્ત્રાવ દરમિયાન એ રડે છે, ચીસો પાડે છે. ખરેખર આ મુશ્કેલ બાબત છે.”
બે – ત્રણ છોકરીઓની જ આ વાત નથી. ડોકટર્સ પાસે આવા કિસ્સાઓ મોટી સંખ્યામાં આવે છે. અર્લી પ્યુબર્ટીના મામલા આજે સામાન્ય થઈ ગયા છે. આજકાલ છોકરીઓને માત્ર આઠદસ વર્ષની ઉંમરમાં પિરિયડ્સ શરૂ થઈ જાય છે. સાતથી દસ વર્ષની બાળકીઓની બ્રેસ્ટ વિકસિત થઈ જાય છે. પ્યુબરલ હેર આવવા લાગે છે. આવી બાબતોને કારણે પોતાની લાડલી નાની ઉંમરમાં મોટી થવા લાગી છે એવા વિચારથી માતા પિતા પરેશાન પણ છે અને ગભરાયેલા પણ છે. એમને લાગે છે કે કયાંક પોતાની બાળકી એબનોર્મલ તો નથી ને? આ ચિંતાનું સમાધાન કરતા જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડો. હીના પોપટ જણાવે છે, “આજનો સમય, જમાનો જ એટલો ફાસ્ટ છે કે બધું ફાસ્ટ થઈ રહ્યું છે. આપણી દાદી-નાનીના જમાનામાં સોળ-સત્તર વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ શરૂ થતા, આપણાં જમાનામાં તેર- ચૌદ વર્ષની ઉંમરે ને આજે આઠ-દસ વર્ષની બાલિકાને પણ પિરિયડ્સ શરૂ થઈ જાય છે. એમને પ્યુબર્ટી જલદી થવા માંડી છે. દસ વર્ષે બાળકી પિરિયડ્સમાં આવે તો એ નોર્મલ ગણાય છે. એનાથી વહેલા પિરિયડ્સમાં આવે તો તેને અર્લી પ્યુબર્ટી કહેવાય.”
આપણને પ્રશ્ન થાય કે આ અર્લી પ્યુબર્ટીનું કારણ શું હોઈ શકે ? તો ગાયનેકોલોજિસ્ટનું કહેવું છે કે, “આજે લોકોની લાઈફ સ્ટાઈલ બદલાઈ ગઈ છે. છોકરીઓ પહેલાં કરતાં વધારે એકટિવ થઈ ગઈ છે. એકસરસાઈઝ કરે છે, સ્પોટર્સમાં ભાગ લે છે. પહેલાંની સરખામણીમાં ખોરાક પણ બદલાયો છે. હવે છોકરીઓ પ્રમાણમાં વધુ પૌષ્ટિક આહાર લે છે. આજની યુવાન માતાઓ પોતાનાં બાળકોને (બાળકીઓને પણ) પૌષ્ટિક આહાર ખવડાવવા પ્રત્યે જાગૃત છે. આ બધાં કારણોસર અર્લી પ્યુબર્ટીના કિસ્સા વધ્યા છે.”
મીડિયાને કારણે બાળકોમાં સેકસ પ્રત્યેની અવેરનેસ જલદી આવે છે. આજનો ખુલ્લો માહોલ, ટી.વી. પર દેખાડવામાં આવતાં અર્ધનગ્ન દૃશ્યો, અશ્લીલ પુસ્તકો અને ઈન્ટરનેટ પણ આને માટે જવાબદાર છે. આ બધાની મનોવૈજ્ઞાનિક અસર થાય જ છે. જેના કારણે સેકસ હોર્મોન્સ ઉત્તેજિત થાય છે અને સેકસુઅલ ડેવલપમેન્ટ જલદી શરૂ થઈ જાય છે.
એક નિષ્ણાંત “ આમ તો પ્યુબર્ટીની શરૂઆત નવ- દસ વર્ષની ઉંમરથી થાય છે, જેમાં પહેલા બ્રેસ્ટ ડેવલપ થાય છે, પ્યુબરલ હેર આવે છે, શરીરમાં બીજા બદલાવ આવે છે, પછી બે ત્રણ વર્ષ બાદ પિરિયડ શરૂ થાય છે, પરંતુ જો કોઈ ચીજ મગજને જલદી ઉત્તેજિત કરે તો આખી પ્રોસેસ જલદી થાય છે. ટ્યુમર, ઈન્ફેકશન જેવી કોઈ તકલીફ હોય તો બ્રેઈન હોર્મોન્સ વધુ ઉત્તેજિત થાય છે જેને કારણે પિરિયડ્સ પહેલા આવી જાય છે.”
બીજા એક ડૉક્ટર ના જ્ણાવ્યા પ્રમાણે, “મોટે ભાગે માતા પિતા ગભરાઈ જાય છે કયાંક પોતાની પુત્રીમાં અસામાન્યતા તો નથી? જલદી પિરિયડ્સ શરૂ થવાને કારણે તેનો શારીરિક વિકાસ રૂંધાઈ તો નહીં જાય? પરંતુ ડરવાની કોઈ જરૂર નથી. એવું કાંઈ નથી કે એક વાર પિરિયડ્સ શરૂ થયા પછી છોકરીઓનો વિકાસ અટકી જાય છે. માતા પિતા જલદીથી ગભરાઈ જાય છે. તેમના મનમાં એ પણ ઉલઝન હોય છે કે તેઓ પોતાની નાનકડી બાળકીને બધી વાત કેવી રીતે સમજાવી શકશે ?આટલી નાની ઉંમરમાં એ આવા બદલાવ કેવી રીતે સંભાળશે? અમે વાલીઓને સમજાવીએ છીએ કે તેઓ શાંતિથી પુત્રીને સમજાવે કે પિરિયડ્સ શા માટે આવે છે આ દિવસોમાં એના શરીરમાં કેવા ફેરફાર થાય છે અને એણે સ્વચ્છતાનો ખ્યાલ કઈ રીતે રાખવાનો છે આજકાલની છોકરીઓ એટલી સમજદાર થઈ ગઈ કે બધું જલદીથી સમજી જાય છે.
પ્યુબર્ટી જલદી શરૂ થવાને કારણે છોકરીઓને કાંઈ નુકશાન નથી થતું, પરંતુ તેનું બચપણ જરૂર પ્રભાવિત થાય છે. તેનું શરીર પરિપકવ થઈ જાય છે, પરંતુ તેનું મગજ પરિપકવ થતું નથી. શરીરથી પરિપકવ થવા છતાં દિમાગથી તો તે બાળકી જ હોય છે. આવા સમયે તેનાં માતા પિતાને વધુ સાવધાન રહેવું પડે છે. કયાંક તેમની બાળકીના ભોળપણનો કોઈ ફાયદો ન ઉઠાવે. જો મા પોતાની દીકરીને બધી વાતો નિખાલસ રીતે સમજાવી દે તો કદાચ કોઈ સમસ્યા ન રહે. આ વાતને પુષ્ટિ આપતાં ડો. પોપટ કહે છે, ” “બાળકોને સેકસનું શિક્ષણ આપવું જોઈએ. છોકરીઓ આ સમય દરમિયાન કોઈ ભૂલ ન કરી બેસે તે સમજાવવું જોઈએ. અર્લી પ્રેગ્નેન્સી ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. ઘણું બધું રોકી શકાતું નથી, પણ તેને કોન્ટ્રાસેપ્ટિવની સમજ આપવી જોઈએ, જેથી પ્રેગ્નન્સી અને એઈડ્સથી બચી શકાય.”
આ અર્લી પ્યુબર્ટી કોઇ બિમારી નથી,પરંતુ સામાન્ય રીતે લોકો એને અસમાન્ય સમજે છે. ડોકટર્સના અનુસાર, ‘ઘણાં માતા પિતા એવી વિનંતી કરે છે કે કોઈ દવા આપીને તમે અમારી બાળકીના પિરિયડસ રોકી દો, પરંતુ કુદરતની વિરુધ્ધ અમે લોકો કાંઇ કરતા નથી. આ એક કુદરતી પ્રક્રિયા છે જેને દવાથી રોકવામાં આવે તો નુકશાન થઈ શકે છે.”
ડો. ભટ્ટના અનુસાર, “જો આઠદસ વર્ષ પ્યુબર્ટી શરૂ થાય તો અમે એને સામાન્ય માનીએ છે તેથી કોઈ દવા કે ઈંજેકશન નથી આપતા, પરંતુ કોઈક કેસમાં જો પ્યુબર્ટી ચારપાંચ વર્ષની ઉંમરે શરૂ થઈ જાય તો અમે સિટીસ્કેન, એલ, એચ. આર. એચ. સ્ટીમ્યુલેશન ટેસ્ટ કરાવીએ છે પછી ટેસ્ટના રિર્પોર્ટ અનુસાર હોર્મોન્સના ઈંજેકશન આપીને પ્યુબર્ટી અટકાવી દઈએ છે. પછી યોગ્ય સમયે હોર્મોન્સ બંધ કરીને પિરિયડ્સ શરૂ કરાવીએ છે.”
આ વાત પરથી આપણે એ તારણ પરઆવી શકિયે કે અર્લી પ્યુબર્ટી એક સામાન્ય બાબત છે. એનાથી છોકરીઓના વિકાસમાં કોઈ તકલીફ થતી નથી, પરંતુ એક જાણીતા ગાયનેકોલોજિસ્ટ કહે છે, “અમે અત્યારે એ રિસર્ચ કરી રહ્યા છીએ કે જલદી પિરિયડ્સ શરૂ થવાને કારણે કયાંક મેનોપોઝ પણ જલદી નહીં આવી જાય ને? જો આઠ વર્ષની ઉંમરમાં પિરિયડ્સ શરૂ થઈને પાંત્રીસ વર્ષ સુધીમાં મેનોપોઝ પણ થઈ જાય તો? જો આમ બને તો ઘણી પરેશાની થઇ શકે છે. જોકે આ વિશે અત્યારે કાંઈ કહી શકાય તેમ નથી.”
જાણીતા ગાયનોકોલોજિસ્ટ આ મુદ્દા પર ચિંતત છે કારણ કે આજની કારકિર્દીલક્ષી સ્ત્રી બાળકનું પ્લાનિંગ મોટી ઉંમરે કરતી હોય છે. આવા સમયે જો પાંત્રીસ વર્ષે મેનોપોઝ આવી જાય તો એ સ્ત્રી માટે કેટલી મોટી સમસ્યા ઉપસ્થિત થઈ જાય.
આમ, આ વિષય આપણા માટે એક ચિંતાનો વિષય બની રહ્યો છે.