શું આકાશમાં હીરા હોય છે ?
જૂની કવિતામાં એક એવી પંકિત કે ઉકિત આવે છે કે, ‘‘હીરાની કણિકા સમાન ઝળકે તારા ઝગારે ગ્રહો’’ અને આ ઉકિત અંગે શંકા કરવાનું ખાસ કારણ જણાતું નથી. આકાશમાંથી ખરતી ઉલ્કાઓમાંથી જે પથ્થરો અને લોખંડના કટકાઓ વરસે છે, તેમાંથી નાના હીરાઓ મળી આવેલા છે.
ઇ.સ. ૧૮૮૬ના ૨૨ની સપ્ટેમ્બરે આવી એક ઉલ્કા રશિયામાં ખરી હતી. તેનું બે રશિયનોએ અવલોકન કર્યું ત્યારે જણાયું હતું કે, તેમાં ૧ ટકા હીરાના કણો હતા. તેવી જ રીતે ચીલી (અમેરીકા) માં ખરેલી ઉલ્કામાંથી પણ હીરા મળ્યા હતા, તથા એરિઝોનામાં ખરેલી ઉલ્કામાંથી જે લોખંડ મળ્યું હતું / નીકળ્યું હતું તેમાં પણ હીરા મળ્યા હતા.
આવી રીતે, આકાશમાંથી ખરેલી ઉલ્કામાંથી હીરાના કણો મળી આવ્યા એટલે એવી માન્યતા બંધાઇ કે, બધા હીરા આકાશમાંથી જ ખરે /આવે છે, પરંતુ આ સાચું નથી. આપણને જે હીરા પ્રાપ્ત થાય છે તે મોટા ભાગે જમીનના ઊંડાણમાંથી મળે છે. જમીનમાં રહેલા કાર્બન ઉપર અસહ્ય ગરમી તેમ જ દબાણની અસર થવાથી, કાર્બનનું સ્ફટીકમાં રૂપાંતર થવાના પરિણામે આ હીરા સંભવે છે, ઉદભવે છે.