
ના, હાથીની સૂંઢમાં કોઇ હાડકું હોતું નથી. હાથીની સૂંઢ એ તેના શરીરનું એક વિચિત્ર અવયવ છે. તે હાથ અને નાક, એમ બંનેનું કામ આપે છે. આ સૂંઢ સ્નાયુઓના જથ્થાની બનેલી હોય છે. આવા સ્નાયુઓની સંખ્યા લગભગ ચાલીસ હજાર જેટલી હોય છે.
જો હાથીને સૂંઢ ન હોય તો તેના માટે ખાવાનું કે પીવાનું અશક્ય બની જાય અને તે તરત જ મરી જાય.
હાથીની ગરદન બહુ ટુંકી હોય છે, કારણ કે તેની અંદરનાં હાડકાં ટૂંકાં હોય છે, તેથી તથા તેના દંતશૂળના કારણે સૂંઢ વિના સામાન્ય રીતે ખાવા-પીવાનું તેના માટે શક્ય નથી. સૂંઢની મદદથી તે ઝાડની ડાળીઓ તોડીને તેમાંથી ઘાસ ખાઇ શકે છે, પાણી પી શકે છે. એવું કોઇ કામ ભાગ્યે જ હશે કે, જે હાથી પોતાની સૂંઢ વડે કરી શકે નહીં. તેના વડે તે નાની ટાંકણીને ઊચકવાથી માંડીને તેની પીઠ પર બેઠેલા મહાવતને ઊંચકીને નીચે ફેંકવાનું કામ કરી શકે છે.