આદિ માનવ ગુફા જીવન જીવતો ગુડામાં અંધકારને દૂર કરવા ચકમકના પથ્થરનો ઉપયોગ કરતો કાલચક્ર આગળ વધતા માનવ બુધ્ધિનો વિકાસ થયો અને અંધકારને ઉલેચવા માટે દિપક એટલે કે દીવો અસ્તિત્વમાં આવ્યો. માણસ ઈચ્છે ત્યાં દીવો પ્રગટાવી અંધારામાં અજવાળું કરી શકે છે. પરંતુ આજના વિજ્ઞાન યુગમાં આ તેલ કે ધીના દીવાની જરૂર પડતી નથી, સ્વીચ દબાવો અને આંખને પણ આંજી દયે તેવા દીવાના રૂપમાં લેમ્પ આવી ગયા. આમ, આધુનિક વિદ્યુતલેમ્પે પૌરાણિક તેલ-ઘીના દિપકને ઝાંખા પાડી દીધા. આ દિવસે હવે મંદિરમાં કે પ્રસંગોપાત્ જ જોવા મળે છે.
ભૌતિક અંધકારને દૂર કરવા માટે આપણે ભલે આધુનિક લેમ્પ અપનાવી લીધા પરંતુ મનના અંધકારને દૂર કરવા માટે તો પૌરાણિક દિપકનું મહત્વ તસુભાર પણ ઓછુ થયું નથી. તે આજે પણ મનના અંધકારને દૂર કરી બુધ્ધિ પ્રકાશ તરફ લઈ જનાર પ્રતિક બની રહેલ છે. આપણે મંદિરમાં દીવો કરીએ છીએ કારણકે ત્યાં આપણને ભગવાનના સાચા દર્શન થઈ શકે. દિપક જલાવતા જ અંધકાર કયાં ચાલ્યો જાય છે તેની ખબર પડતી નથી. તે જ રીતે માનવ જીવનમાં બુધ્ધિ નામનો પ્રકાશમય દીવો કરતા જ તેના મનમાં રહેલા અંધકારરૂપી મોહ, લોભ, કામ, ક્રોધ, અભિમાન તેમજ અન્ય વિકારોનો નાશ થાય છે. એટલે જ દિપકને જ્ઞાનનું પ્રતિક માનવામાં આવે છે. જેનાથી મનુષ્યમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારના ઓળાઓ દૂર થઈ જાય છે. આ અંધકારરૂપી ઓળાઓને દૂર કરતો અને જ્ઞાનરૂપી પ્રકાશ પાથરતો દીવો મનુષ્યની અંદર સતત સળગતો રહેવો જોઈએ કારણકે નહિતર તો અજ્ઞાનરૂપી અજ્ઞાનના ઓળાઓ ફરીથી જ્ઞાનરૂપી પ્રકાશનું સ્થાન લઈ લેશે. આથી જ અગાઉ જયારે દીવાને જણાવવામાં આવતો ત્યારે તેને એવી જગ્યાએ રાખવામાં આવતો જેની પવન વગેરે પરિબળો તેને ઓલવી ન નાખે, કારણ કે જો દિપક ઓલવાઈ જાય તો માણસે શરૂં કરેલ કાર્યમાં વિદ્યન ઉભુ થાય, અને ધાર્યુ કામ થઈ શકે નહિ. આ દીવો મનુષ્યને બીજો પણ મહત્વનો બોધ આપે છે. દિપક પોતાની જાતને સળગાવીને આપણને પ્રકાશ આપે છે. પોતાની જાતનું બલીદાન આપીને બીજાનું સારું તો માત્ર મહાપુરૂષો જ કરી શકે. આમ, દીવાનું જીવન મહાપુરૂષો જેવું છે. વળી, દીવો આપણને એવો પણ બોધ આપે છે કે જો સમાજમાં સત્કાર્યો કરવા હોય તો તેની જેમ સતત બળતું પણ રહેવું પડે. સહન કર્યા વગર સત્કાર્યો થઈ શકે નહિ. દીવો પોતે બળે છે એટલે જ ભગવાનના મંદિરમાં સ્થાન પામે છે, મનુષ્યે પણ જો ઈશ્વરને મેળવવા હોય તો પોતાની જાતને દીવાની જેમ સતત બીજાના ઉધ્ધાર પાછળ ખર્ચવી જોઈએ તો જ અંતે પ્રભુની પ્રાપ્તિ થશે.