
વારાણસીમાં એક પવિત્ર અને ધર્મિષ્ઠ બ્રાહ્મણ વસતો હતો. તેના કપોલમાં સૌભાગ્યલક્ષ્મી, યશોલક્ષ્મી અને કુલલક્ષ્મીનો વાસ હતો. તેથી તેનું ભાગ્ય બળવાન હતું, તેને સર્વત્ર યશ પ્રાપ્ત થતો હતો અન તેના કુટુંબમાં સુખ- શાંતિ હતા.
‘‘પાપ’’ના દેવ અલક્ષ્મીને લઈ બ્રાહ્મણને તયાં ગયા. જઈને બ્રાહમણને કહ્યું, ‘‘આ અબળા નારી દુર્ભાગી અને નિઃસહાય છે. મહેરબાની કરી તેને આશ્રય આપો.’’ બ્રાહ્મણે તરત જ અલક્ષ્મીને પોતાને ત્યાં આશ્રય આપ્યો.
અલક્ષ્મી જેવી બ્રાહ્મણને ત્યાં રહેવા આવી કે તરત જ બ્રાહ્મણને ત્યાં કમનસીબ ઘટનાઓ બનવા લાગી. બ્રાહ્મણના બગીચામાં એકાએક જીવ- જંતુઓનો ઉપદ્રવ થયો. ફૂલો સુકાઈ ગયાં, ફળો સડવા લાગ્યાં અને વૃક્ષો ધરાશાયી થવા માંડ્યાં. રાતે બ્રાહ્મણે કોઈ સ્ત્રીના રુદનનો અવાજ સાંભળ્યો. બ્રાહ્મણ જાગી ગયો. તેના કપોલમાંથી સૌભાગ્ય લક્ષ્મીજી બહાર નીકળ્યાં અને ચાલવા માંડ્યાં. સૌભાગ્યલક્ષ્મીએ કહ્યું કે બ્રાહ્મણે ઘરમાં અલક્ષ્મીને રાખ્યાં છે તેથી તેઓ ચાલ્યાં જાય છે. બ્રાહ્મણે સૌભાગ્યલક્ષ્મીને વંદન કર્યા અને વિદાય દીધી.
થોડા જ દિવસોમાં બ્રાહ્મણના ખેતરમાં અને અન્નભંડારમાં જીવાત અને કીડા પડ્યાં અને ઊભો પાક નાશ પામ્યો. અનાજ વાપરવા જેવું ન રહ્યું. બ્રાહ્મણે શાંતિથી નુકશાન વેઠી લીધું. બે- ચાર દિવસ થયાને ગામમાં વાત ઊડી કે બ્રાહ્મણ વ્યભિચારી છે. ઘરમાં કામ કરનારી દાસી સાથે તેને આડો સંબંધ છે. કુટુંબના માણસો પણ તેને છોડી જવા તત્પર થયા. તે રાતે પણ બ્રાહ્મણે સ્ત્રીઓના રડવાના અવાજો સાંભળ્યા. બ્રાહ્મણ જાગી ગયો. તેના કપોલમાંથી બે સ્ત્રીઓ નીકળી ચાલી જવા લાગી. એમણે કહ્યું, ‘‘અમે યક્ષોલક્ષ્મી અને કુલલક્ષ્મી છીએ. અમ ઘણાં વર્ષો તમારા કપોલમાં નિવાસ કર્યો, પણ હવે તમે અલક્ષ્મીને ઘરમાં રાખી છે તેથી અમે ચાલ્યાં જઈએ છીએ.’’ બ્રાહ્મણે બંનેને પ્રણામ કર્યા અને વિદાય આપી.
ત્રીજે દિવસ ફરી રુદનનો અવાજ સંભળાયો. બ્રાહ્મણે જાગીને જલયું તો એક દિવ્ય પુરુષ તેના શરીરમાંથી નીકળી વિદાય લઈ રહ્યા હતા. તેમણે કહ્યું, ‘‘હું ધર્મ છું અને હવે તારે ત્યાંથી વિદાય થાઉં છું.’’
બ્રાહ્મણે પૂછયું, ‘‘મારો કોઈ વાંક- ગુનો? મેં કોઈ અધર્મ આચર્યો છે?’’
ધર્મ કહ્યું, ‘‘તે અલક્ષ્મીને આશ્રય આપ્યો છે.’’
બ્રાહ્મણે જવાબ આપ્યોઃ ‘‘એક નિરાધાર સ્ત્રને આશરો આપવો એ મારો ધર્મ હતો.’’
ધર્મે થોડી વાર વિચાર કર્યો અને બ્રાહ્મણના શરીરમાં ધર્મરાજ પાછા ફર્યા. બીજે દિવસે સૌભાગ્યલક્ષ્મી, યશોલક્ષ્મી અને કુલલક્ષ્મી પણ પછાં ફર્યા. બ્રાહ્મણના બાગ- બગીચા, ખેતર- ભંડાર ફરી સમૃધ્ધ થઈ ગયાં. જયાં ધર્મ ત્યાં સૌભાગ્ય, યશ, કુલકલ્યાણ, લક્ષ્મી અને જય.