પ્રશ્ન:સાપ હંમેશા વાંકોચૂંકો કેમ ચાલે છે ? રણપ્રદેશનો સાપ સામાન્ય રીતે આડો ચાલતો જોવા મળે છે, તો બીજા સાપ કરતાં તેની રીત આટલી જુદી કેમ ?
જવાબ: સાપને પગ નથી, એટલે જમીન પર તે પેટનું દબાણ આપીને વેગ મેળવે છે. સ્પ્રિંગ એક્શનના જોરે આગળ વધવા પહેલાં તે લાંબા શરીરને વાંકાચૂંકા પોઝમાં વાળે છે અને ત્યાર બાદ પૂંછડી તરફના ભાગને જમીન સાથે ચપોચપ ભીડાયેલો રાખી મોઢા તરફના ભાગને સીધો કરી આગળ લંબાવે છે. આ ક્રિયાનું તે વારંવાર પુનરાવર્તન કરે છે.
આફ્રિકાનો મમ્બા સાપ તો એ રીતે કલાકના ૧૮-૨૦ કિલોમીટરના વેગે ‘દોટ‘ મૂકી શકે છે ! અલબત્ત, જમીનની સપાટી જરા ખરબચડી હોવી જોઇએ, કેમ કે સાપનું પેટ અત્યંત લીસ્સું છે. જમીન પણ લીસ્સી હોય તો ઘર્ષણના અભાવે તેનું શરીર આપોઆપ સ્લિપ મારવા લાગે છે ! પરિણામે આગળ તરફ ગતિ મળે જ નહિ. આ કારણસર લીસ્સા કાચ પર સાપને ચાલવાના ફાંફા પડી જતાં હોય છે.
રેગિસ્તાનના સાપને જુદા કારણસર ફાંફાં પડે છે. રણની બારીક રેતી સતત ફસકી જાય, એટલે તેને ધક્કો મારીને આગળ વધી શકાય નહિ. ઊલ્ટું, મરોડાયેલું લાંબુ શરીર જ્યારે સીધું થાય ત્યારે રેતીમાં ઊંડો ચાષ (ખાડો) પાડી દે. આ સીધા ચાષમાં સાપ પોતે ક્રમશ: ખૂંપવા લાગે—અને પછી તો સડસડાટ અંતર કાપવું સાવ અશક્ય ! સાપ વળી છે ઠંડા લોહીનું સરિસૃપ પ્રાણી, માટે પંખીડા કે સ્તન્યવંશી જીવોની માફક તેના શરીરનું ટેમ્પરેચર ચોક્કસ અંશે (દા.ત. આપણી જેમ ૯૮.૬ ફેરનહીટે) કાયમ માટે જળવાતું નથી. વાતાવરણની ઠંડી-ગરમી પ્રમાણે તેનું લોહી પણ ઠંડુ કે ગરમ થાય છે. રેગિસ્તામનના શેકી નાખતા તાપ વચ્ચે સાપનું શરીર જો ગરમાગરમ રેતીના સંપર્કમાં રહે તો જોતજોતામાં લોહીનું તાપમાન એટલું વધી જાય કે છેવટે એ સરિસૃપ તરફડીને મૃત્યુ પામે. આથી તેણે શરીરના બને એટલા વધુ ભાગને બને એટલો વધુ સમય જમીનથી સહેજ અધ્ધર રાખવો જોઈએ, કેમ કે રેતી જોડે શરીરનો સંપર્ક વારંવાર કપાતો રહે તો જ એકધારો તાપ જણાય નહિ.
આ બન્ને મુસીબતો દૂર કરવા માટે રણનો સાપ આડો ચાલે છે. પ્રવાસની દિશા પસંદ કર્યા પછી તે પોતાના શરીરને દિશાના સંદર્ભમાં ૬૦ અંશના ખૂણે ગોઠવે છે અને ત્યારબાદ આડી લીટીમાં રેતીને ધક્કો મારી પોતે આગળ ધકેલાય છે. લંબાઈને તેણે પૂરેપૂરી કામે લગાડી હોય, માટે રેતીનાય લાંબા પટને તેનો સામટો ‘પુશ‘ મળે એ દેખીતું છે. સાપનો કુલ ધક્કો એ રીતે મોટી જગ્યામાં વહેંચાયા પછી રેતી તરતોતરત કશે પણ ફસકે નહિ. ખરૂં જોતાં સાપ તેના જોરે લગભગ છલાંગો મારતો જ આગળ વધે છે. એકસામટી બેય મુસીબતોનો એ સાથે અંત ! રાઈટ કે લેફટ ચાલતો સાપ ઝડપભેર પ્રવાસ કરી શકે છે એટલું જ નહિ, પણ છલાંગોના પ્રતાપે તેણે દઝાડતી રેતીના એકધારા સંપર્કમાં રહેવાનું થતું નથી !
સાઇડ તરફ ચાલવા માટે શરીરને જુદી ઢબે વાળતા એટલે કે વાઇન્ડ કરતા જગતના સૌથી જાણીતા સાપનું નામ છે સાઈડવાઇન્ડર—અને તે નામ અમેરિકાના મશહૂર ગાઇડેડ મિસાઇલનું પણ છે !