
એક દિવસ ચંપારણથી બાપુનો પત્ર આવ્યો. અમારો આશ્રમ તે વખતે કોચરબમાં ભાડાના બંગલામાં હતો. પત્રમાં લખ્યું હતું.
‘હવે ત્યાં વરસાદ શરૂ થયો હશે, નહીં થયો હોય તો થશે. હવાની દિશા હવે બદલાઈ જશે. એટલે આજ સુધી જે ખાડાઓમાં પાયખાનાના ડબા ખાલી કરતા તેમાં ન કરવા. નહીં તો એ દિશામાંથી દુર્ગંધ આવવાનો સંભવ છે. એટલે જૂના ખાડા પૂરી દઈને અમુક જગ્યાએ નવા ખાડા ખોદવા.‘
આ પત્રની મારા મન પર ઊંડી અસર થઈ. બાપુ ચંપારણમાં તપાસનું કામ કરે છે છતાં આશ્રમની આવી નાની નાની બાબતોની પણ કાળજી રાખે છે ! ‘જે માણસ નાની નાની વિગતોનો વિચાર કરીને તેનો ઉપાય તૈયાર રાખે છે તે જ યુદ્ધમાં વિજયી થાય છે‘ એ મતલબનાં નેપોલિયનનાં વચનો મને યાદ આવ્યાં. સાથે સાથે ડૉ. માર્ટિનોનું એક વચન યાદ આવ્યું : ટ્રાયફલ્સ મેઈક પરફેકશન એન્ડ પરફેકશન ઈઝ નૉટ એ ટ્રાયફલ – નાની નાની નજીવી વિગતો મળીને પૂર્ણતા સિદ્ધ થાય છે જ્યારે પૂર્ણતા એ કંઈ નજીવી વાત નથી.
- કાકાસાહેબ કાલેલકર