
કોઈ ચંપલની દુકાનમાં ચંપલ, સેન્ડલ લેવા જાવ અને સેલ્સમેન તમને પસંદ પડેલી ચંપલ, સેન્ડલ પહેરાવવા પગ લંબાવવાનું કહે તો ઘણીવાર અચકાઈ જવાય છે ખરું ને ? તમને તમારા પગની ખબર છે. ફાટી ગયેલી એડી કે પછી કાપ્યા વિનાના નખ તરત જ જોનારના મનમાં તમારું એક અણઘડ ચિત્ર રજૂ કરી દે છે. આવું જ કંઈક કોણીની બાબતમાં બને છે. મન ન હોવા છતાં પોણીયા બાંયના ડ્રેસ પહેરવા પડે છે. કારણ કે કાળી થઈ ગયેલી કોણીઓ, ઘણીવાર તો ચમકતો – દમકતો ચહેરો જોઈને પ્રશંસાનાં પુષ્પ વેરવા માંડતી આંખો જ્યારે ચહેરા પરથી ઉતરી નીચે ગરદન પર મંડાય છે ત્યારે ગરદનની થતી ઉપેક્ષા તરત જ એને દેખાઈ આવે છે અને, એમાં પ્રશંસાની જગ્યાએ ઉપહાસીન ભાવ પણ ઝળકવા લાગે છે. આવું કેમ થતું હશે ? ચહેરાને સુંદર બનાવવા કલાકોનાં કલાકો વેડફતાં તમે શરીરના અન્ય અંગોની સંભાળ માટે થોડો સમય પણ કાઢી નથી શકતા ! હકીકત એવી છે કે, માત્ર થોડાં પ્રયત્નોથી તમે સ્વયં તમારા બ્યુટીશીયન બની શકો છો પછી જુઓ તમારે ક્યાંય શરમાવાની જરૂર નહીં પડે.
તમે ઘરમાં ટમેટાં તો સમારતા જ હશો. આ ટમેટાંને સમારતી વખતે એનો ઉપરનો ભાગ કાપીને ફેંકી દો છો એવું જ કંઈક બગડેલાં કે પોચાં પડી ગયેલાં ટમેટાં સાથે થતું હશે. હવે આવા ભાગને કે ટમેટાંને ફેંકી ન દેતાં એ ને ધીમ ધીમે ચહેરા પર ઘસો. થોડીવાર પછી ઠંડા પાણીથી ધોઈ નાખો. તમારા ચહેરાની ચમક તમને પાછી આવેલી જણાશે. એટલું જ નહીં, નાકની આજુબાજુના ખીલ – ફોલ્લીઓ ધીમે ધીમે અદ્રશ્ય થઈ જશે. પોચાં પડી ગયેલાં ટમેટાંને કાળી પડી ગયેલી કોણીઓ પર થોડા દિવસ સતત ઘસવાથી કોણીની કાળાશ દૂર થઈ જશે. કોણીનો રંગ બાજુની ત્વચા જેવો જ થઈ જશે. ટમેટાંને કાનની પાછળના ભાગમાં અને ગરદન પર ઘસવાથી ત્યાંની કાળાશ પણ દૂર થઈ જશે. શરૂઆતમાં ટમેટાં ઘસવાથી કદાચ આછી – આછી બળતરા પણ થાય એવું બને. પણ, સ્વચ્છ, ઠંડા પાણીથી ધોવાથી આ બળતરા શમી જશે.
સુરાહીદાર ગરદન એ સ્ત્રીના સૌંદર્યનું એક આગવું લક્ષણ છે. પણ જ્યારે આ ગરદન પર કરચલીઓ પડવા માંડે એટલે તરત જ ચિંતા થાય. તમે ગળા પર પડેલી કરચલીઓથી હેરાન હો તો ક્યારેય માથા નીચે તક્યિો કે ઓશીકું રાખીને ન સૂવો. તમને જ્યારે પણ નવરાશનો સમય મળે ત્યારે ખુરશીમાં બેઠાં – બેઠાં બંને હાથને માથાની પાછળ લઈ જાવ અને પછી ધીરે ધીરે ગરદનને આસાનીથી લઈ જઈ શકાય એટલી પાછળ લઈ જાવ. આ રીતે રોજ કરવાથી ગળા પરની કરચલીઓ અને ડબલ ચીનની સમસ્યા હશે તો એ પણ દૂર થઈ જશે.
ટમેટાં જેવી લાલ ચમકતી ત્વચા કોને ન ગમે ? તમે જો આવી ત્વચા ઈચ્છતા હો તો રોજ ટમેટાં અને ગાજરનો રસ સરખી માત્રામાં લઈને પીવો. આ રસના નિયમિત સેવનથી ચહેરા પર રંગત તો આવે જ છે. સાથે – સાથે ચહેરા પરની કરચલીઓ પણ દુર થતી જાય છે.
કાકડીનો તો લગભગ તમામ ઘરોમાં સલાડમાં રોજે – રોજ ઉપયોગ થતો જ રહે છે. એમાં

એનો ઉપરનો અને નીચેનો ભાગ તો તમે કાઢી જ નાખો છો.
હવે આ ખાવા માટેના નકામાં ભાગનો તમે સૌંદર્યની જાળવણીમાં ઉપયોગ કરો. આ ભાગને આંખની નીચે અને ઉપર ધીમે – ધીમે ઘસો. તમે એને આંખો ઉપર પણ રાખી શકો છો. આનાથી આંખોને ઠંડક તો પહોંચશે જ અને રાહત પણ મળશે. વધુમાં, રોજ આ રીતે કાકડીનો ઉપયોગ કરવાથી આંખ નીચે પડતાં કાળા કૂંડાળા પણ દૂર થઈ જશે.
દૂધ ગરમ કરીએ ત્યારે વાસણમાં હંમેશા થોડીક મલાઈ ચોંટી જાય છે. મોટે ભાગે આવી ચોટેલી મલાઈ આપણે બેકાર સમજીને ફેંકી દેતા હોઈએ છીએ. પણ તમે આ મલાઈ તમારા હાથે પગે ઘસો. પછી જુઓ કેવા મુલાયમ રહે છે તમારા હાથ – પગ. વળી આ મલાઈનો ઉપયોગ લોટ બાંધવા પણ કરી શકો છો. એનાથી લોટ સરસ મુલાયમ બંધાશે.
હાથ ઉપરની નસો વધતી ઉંમરની નિશાની છે. યુવાની વીતી રહી છે એવો અહેસાસ મનમાં એક હતાશા જન્માવી દે છે. પણ તમે એક આસાન કસરત દ્વારા તમારા હાથને પહેલાં જેવા જ સુંદર અને સ્વસ્થ રાખી શકો છો. તમારે દિવસમાં અનેકવાર ઉપરની છાજલીઓ ઉપર મૂકેલી ચીજવસ્તુઓ લેવા ઉંચા થવું પડતું હોય છે. હવે તમે જ્યારે પણ ચીજ – વસ્તુ ઉતારવા ઉંચા થાવ ત્યારે પંજા પર ઉંચા થાવ. હવે બંને હાથ ઉંચા કરી એકદમ સીધાં ઉભાં રહો. આ સ્થિતિમાં બે – ત્રણ સેકન્ડ રહી તમારી જરૂરિયાતની ચીજ-વસ્તુ ઉતારી બહારની બાજુ ફરી તમારી પૂર્વવત્ સ્થિતિમાં આવી જાવ અને તમારી એડી જમીન પર રાખો. શરૂઆતના થોડાક દિવસોમાં ભારે લાગતી આ કસરત દિવસમાં અનેકવાર કરવામાં આવતાં ધીમે ધીમે એક ટેવ પડી જશે અને જ્યારે તમે તમારા હાથને પહેલાંના જેવાં જ સુંદર અને સ્વસ્થ જોશો એટલે તો પછી આ કસરત ન રહેતાં તમારા દૈનિક જીવનનો એક હિસ્સો બની જશે, ખરૂંને ? હાથની સાથે - સાથે આંગળીઓના નખનું પણ ધ્યાન રાખો. બને ત્યાં સુધી હાથમાં એક સ્ટીલની વીંટી જ પહેરો. હાથ પર ઘી, મલાઈ કે સારા કોલ્ડ ક્રીમથી મસાજ કરો. પગ એ આપણા શરીરનું કદાચ સૌથી વધુ ઉપેક્ષિત અંગ છે. પગની સંભાળ માટે રોજે – રોજ પગની એડીઓ અને અંગૂઠાની નીચેના બરછટ ભાગ પર સરસિયાંથી માલિશ કરો. ગરમ પાણીનો શેક તમારા શરીરનો થાક ઉતારી દેશે જ. સાથે – સાથે, પગમાં પડેલાં વાઢિયા, ચીરાં પણ ભરાતા જશે.