પ્રશ્ન:પારાનું સ્વરૂપ પ્રવાહી છે, છતાં તે એકેય વસ્તુને કેમ ભીની કરી શકતો નથી ? પારાનું સોનામાં રૂપાંતર કરવું શકય છે ?
જવાબ: કુદરતે પારાને કેટલાક અજાયબ ગુણધર્મો આપ્યા છે, જે બીજી ધાતુમાં જોવા મળતા નથી. ધાતુ સામાન્ય રીતે ઘન હોય છે. ઊંચા તાપમાને ગરમ ન કરો ત્યાં સુધી તે ઓગળીને પ્રવાહીમાં ફેરવાય નહિ. આ માટે ક્યારેક તો પુષ્કળ તાપમાન જોઈએ. ઉદાહરણ તરીકે ટંગસ્ટન ધાતુને ૩,૪૧૦ અંશ સેલ્શિયસનું ઉષ્ણતામાન મળે ત્યારે ક્રમશ: તે પીગળે અને પ્રવાહી બને. બીજી તરફ વાતાવરણમાં નોર્મલ તાપમાને પણ હંમેશા પ્રવાહી રહેતી એકમાત્ર ધાતુ હોય તો એ છે પારો, જેને શૂન્ય નીચે ૩૯ અંશ સેલ્શિયસના ટેમ્પચરે થીજાવો ત્યારે તે પોતાનું સ્વરૂપ બદલીને ઘન થાય છે. થીજતી વખતે એ વળી બીજો અજાયબ ગુણધર્મ દાખવે છે. પ્રવાહી સ્વરૂપનું પાણી ‘ફ્રીઝ‘ થાય એટલે કે ઘન બરફમાં ફેરવાય કે તરત સહેજ ફૂલે, જ્યારે પારો થીજ્યા બાદ સંકોચન પામે છે !
થીજતા પહેલાં જો કે ઠંડીનું વધતું પ્રમાણ તેને સંકોચે છે, તો ગરમીનું વધતું પ્રમાણ તેને ફૂલાવે છે. આ ફેરફાર અકેક ડિગ્રી અનુસાર બહુ સચોટ રીતે થાય છે—અને તે સમીકરણ ક્યારેય બદલાય નહિ. (આને પરાનો ત્રીજો અજાયબ ગુણધર્મ માનજો.) તાપમાનની વધઘટ માપતા થર્મોમીટરમાં એટલે જ હંમેહા પારો વપરાય છે.
પ્રવાહી હોવા છતાં પારો એકેય પદાર્થને ભીનો શા માટે ન કરી શકે તેનું રહસ્ય વળી એ ધાતુના ચોથા ગુણધર્મોમાં રહેલું છે. પારાની ઘનતા પુષ્કળ છે, એટલે તેનો દરેક રેણુ બીજા રેણુ સાથે કસોકસ જોડાયેલો છે. કોઈ બે રેણુ ઘડીકમાં છૂટા પડતા નથી. એકમેકને વળગી રહેવાનું પસંદ કરે છે. પરિણામે તેમને સ્પર્શ કરતા પદાર્થ સાથે તેઓ ચોંટતા નથી. આ સંજોગોમાં તે પદાર્થ ભીનો થાય પણ નહિ.
બેએક સૈકા પહેલાં કીમિયાગરો પારાને સોનામાં ફેરવવા એટલા માટે લલચાયા કે બેયનું અણુમાળખું કેટલેક અંશે સરખું છે, પરંતુ અનેક પ્રયોગ કર્યા પછીયે તેમને સફળતા ન મળી. એક કીમિયાગર તો એવો હતાશ થયો કે હળાહળ ઝેર ગણાતા પારાના ઘૂંટડા ભરીને તેણે આત્મહત્યા જ કરી નાખી ! પારાનું સોનામાં રૂપાંતર કરવાનું આજે પણ શક્ય નથી.