જે માણસ વાંચી શકે એમ હોય છતાં સરસ મઝાનાં પુસ્તકો વાંચતો નથી એ માણસને જે માણસો વાંચી શકતા નથી એના જેવો જ ગેરલાભ થાય છે.
- માર્ક ટ્વેઇન
મનુષ્ય તરીકે જન્મ લેવો એના જેવી કોઈ શુભ ઘટના નથી. મનુષ્ય પાસે ભાષા છે. ભાષા પાસે સાહિત્ય છે. સાહિત્ય પાસે જીવનનો અભિગમ છે. જીવનનું દર્શન છે. માણસ જન્મે, કેળવણી પામે અને છતાંય પુસ્તકોની વચ્ચે પુસ્તકો વિનાનો રહે એના જેવી કરુણ વાત કોઈ નથી. પરિસ્થિતિને કારણે જે માણસ અભણ હોય અને વાંચી ન શકતો હોય એ તો અભાગિયો છે. અજ્ઞાન છે. એ સંજોગોનો ગુલામ છે. એને વાંચવું નથી એમ નથી, પણ ગરીબાઈને કારણે કે અન્ય કોઈ કારણે કેળવણીના અભાવને લીધે એ લાચાર છે. દયાપાત્ર છે. પણ વિશેષ દયાપાત્ર તો કેળવણી પામેલો એ માણસ છે કે જે પુસ્તકોને વાંચવાનું ટાળે છે. એ શાપિત આત્મા છે. કોઈકે કહ્યું‘તું એમ નાઇટ લેમ્પ સળગતો હોય અને પુસ્તક બાજુમાં પડ્યું હોય અને છતાંય એ માણસ ઊંઘતો હોય એ ર્દશ્ય જોવા જેવું નથી હોતું. પુસ્તકની વાત તો એક નિમિત્ત છે. બાકી મનુષ્યને કોઈ ને કોઈ સમજપૂર્વકનો શોખ હોવો જોઈએ, જેથી એના જીવનની બપોર કે જીવનની સાંજ સ્વમાનપૂર્વક, સમાધાનપૂર્વક, નર્યા સંતોષથી વીતે. મોટા ભાગના માણસોનું આયુષ્ય જાણે કે ચિરનિદ્રામાં જ વહી જતું હોય છે. આપણને ઈશ્વરે કાન આપ્યા છે પણ ઘોંઘાટથી ભરવા માટે નહીં, સંગીત સાંભળવા માટે. લતાનો કંઠ હોય કે બિસ્મિલ્લાની શહનાઈ હોય કે રવિશંકરની સિતાર હોય આ બધાથી વંચિત કઈ રીતે રહી શકાય ?
વિચાર કરો કે આપણી પાસે રામાયણ, મહાભારત કે બાઇબલ હોય અને છતાંય કાળો અક્ષર ભેંસ બરાબર એમ જીવી જઈએ તો એ જીવવું કહેવાય ? અંગ્રેજી ભાષા આવડતી હોય અને શેક્સપિયરનું નામ કોઈ દવા જેવું લાગે તો જીવન કેવું કડવું કહેવાય ? પુસ્તકો હોવાં – પોતાનાં પુસ્તકો હોવાં – એ મોટી વાત છે. ફોન પાસે હોય અને અમેરિકામાં દશ હજાર માઈલ દૂર પણ આપણા મિત્ર સાથે વાત કરી શકીએ એવી સગવડ માણીએ છીએ પણ ગોવર્ધનરામ, ઉમાશંકર કે મિલ્ટનને તો આપણે પડખે રાખી શકીએ એમ છીએ છતાં એની અવજ્ઞા કરીએ તો એમ જ કહેવાય કે આપણે શ્વાસ લઈએ છીએ અને છતાંય જીવતા નથી.
મિત્ર તો ક્યારેક પણ દગો દેશે, પુસ્તક ક્યારેય પણ નહીં. ઉત્તમ પુસ્તક આપણી એકલતાને દૂર કરે છે અને આપણા એકાંતને સમૃદ્ધ કરે છે. પુસ્તક જેવી કોઈ સોબત નથી. એના જેવું કોઈ સાંનિધ્ય નથી. એ ચુપચાપ આપણી પાસે બેઠાં હોય તોયે સાથે રહે છે. આપણે કહીએ એટલી જ વાર : આપણી સાથે એ વાત કરવા તત્પર અને તૈયાર હોય છે.
સામાન્ય રીતે અંગત વાત કરવાનું ટાળું છું. મારી પાસે મારી પોતાની લાઇબ્રેરી છે. અઢળક પુસ્તકો છે. હું જેટલો પુસ્તકોથી રાજી થાઉં છું. એટલો બીજા કશાયથી થતો નથી. મારે ત્યાં કેટલાક માણસો આવે છે. એમાંથી કોઈક ન પૂછવાનું પૂછે છે. કોઈક એમ પણ પૂછે છે કે શું તમે આ બધાં જ પુસ્તકો વાંચ્યાં છે ? એમનો સવાલ સાંભળી દુઃખ થાય છે અને હસવું પણ આવે છે. એક ભાઈએ મને આવો સવાલ પૂછ્યો‘તો‘. મેં એમને સામે પૂછ્યું કે તમારે ઘેર ડિક્ષનરી છે ? તો એમણે કહ્યું હા. પછી મેં પૂછ્યું કે આ ડિક્ષનરી તમે ખરીદી પછી બધા શબ્દો વાંચી ગયા ? જવાબમાં ના જ હોય એ સમજી શકાય એવી વાત છે.
પુસ્તકો મારી આસપાસનું વાતાવરણ છે. જેમ માછલીને જીવવા માટે જળ જોઈએ એમ મને પુસ્તકો જોઈએ. પુસ્તક માટે પારાવાર પ્રેમ હોવો જોઈએ. કોઈ માણસ પોતાને ગમતા વિષયની કેસેટો પણ એકઠી કરી શકે. પુસ્તકો વાંચવાનો પણ એક યોગ હોય છે. એને વાંચવા માટેનો એક માહોલ અને મિજાજ હોય છે. ડ્રિલમાં છોકરાઓને ઊભા રાખીએ એમ પુસ્તકો ગોઠવી દઈએ એનાથી પતતું નથી. વ્યવસ્થા એક અલગ વાત છે. પણ પથારીમાં જેમ આસપાસ તકિયા પડ્યા હોય એમ પુસ્તકો આપણી આસપાસ હોવાં જોઈએ. પુસ્તકોમાં કહેવાય છે કે મહાન માણસોના વિચારોનું સદીઓનું શાણપણ સંચિત થયેલું હોય છે. આપણે અંચઈપૂર્વક જીવીએ છીએ. પુસ્તકો આપણે જો અંતર્દષ્ટિથી વાંચીએ તો સચ્ચાઈપૂર્વક જીવવાનો અભિગમ આપે છે.
- સુરેશ દલાલ.
‘ઝલક’માંથી સાભાર