
બાળક માટે માતાનો ખોળો માત્ર સુરક્ષાનું જ નહિ નિશ્ચિત બની નિરાંતે શાંતિથી ઉંઘવાનું સ્થાન પણ છે. બાળક ગમે તેટલું દુઃખી હોય રડતુ હોય માતા તેને ખોળામાં લે ત્યારે શાંત થઈ જાય છે. આ જ રીતે મનુષ્ય માત્ર માટે ધરતી માતા સમાન છે. આ પૃથ્વી માત્ર મનુષ્યને જ નહિ પ્રાણી, પદાર્થ માટેનું આશ્રયસ્થાન છે. તે સુર્યની આજુબાજુ સતત ચકકર લગાવ્યા કરે છે. તે રાત્રીના અંધકાર, વરસાદ, વાવાઝોડા તેમજ સુર્યનો તાપ સહન કરે છે. છતાંપણ પદાર્થ માત્રને આશ્રય આપે છે. આમ, પૃથ્વી માનવ, પશુ, પક્ષી, જળ, પદાર્થ તમામની માતા ગણાય. આવી મહાન ધરતી માતાના ઉપકારનો બદલો તો આપણે વાળી શકવાના નથી પરંતુ તેનું સાચા હદયથી ભૂમિપૂજન કરી કૃતજ્ઞતા તો પ્રગટ કરી જ શકીએ. પૃથ્વી માતાના વિશાળ પટ ઉપર સમુદ્ર ઘૂઘવે છે. આકાશમાંની જોતા લાગે કે ધરતીમાતા સુંદર વસ્ત્રોથી સજ્જ થયા છે. સમુદ્રરૂપી સુ:દર વસ્ત્રોમાં સજજ ધરતીમાતા આપણને બોધ આપે છે કે તે જે રીતે વસ્ત્રો સતત પરિધાન કરીને પોતાનું શરીર ઢાંકી રાખે છે. લજજા મયાર્દામાં રહે છે તે જ રીતે તેના ખોળે રમતા માનવે પણ ખોટા અંગપ્રદશર્નોથી દૂર રહી વસ્ત્ર પરિધાન કરવા જોઈએ, અને મયાર્દામાં રહેવું જોઈએ જેથી ધરતી માતા શરમ ન અનુભવે. અહિં મનુષ્ય માત્રએ મયાર્દા ધર્મ પાળવો એવો ઉપદેશ મળે છે.
માતા બાળકના વિકાસ માટે ગમે તેવા દુઃખો સહન કરી લે છે, પોતાની પસે જે કંઇ હોય તે બાળકને અર્પણ કરી દયે છે. છતાં પણ બદલાની કોઈ જ આશા રાખતી નથી તેજ રીતે ધરતીમાતાના શરીર ઉપર અફાટ સમુદ્ર ઘુઘવે છે તેમાંથી કિંમતી રત્નો અને મોતીઓનો ખજાનો વિપુલ પ્રમાણમાં નીકળે છે, પરંતુ પૃથ્વી તે પોતાના સંતાનો મનુષ્યને સોંપી દયે છે. તેને આ અમૂલ્ય ખજાનાની કોઈ જ લાલશા નથી.
આપણા શાસ્ત્રોએ ધરતીના વિશાળ પટ પર આવેલા પવર્તોને તેના સ્તનો તરીકે ઓળખાવ્યા છે. આ સ્તનોરૂપી પવર્તોમાંથી જ ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા જેવી અસંખ્ય નદીઓ વહે છે. તેના દૂધ સમાન પાણીમાંથી જ માત્ર મનુષ્ય જ નહિ જીવમાત્રની તરસ છીપે છે અને તેમાંથી જ તેનું પોષણ થાય છે. જેમ એક માતાના દૂધથી બાળકનું પોષણ થતું હોય, તે રીતે જ માનવ ખેતીવાડી માટે ધરતીને ખેડે છે. આ સમયે પૃથ્વી માતાને પીડા થાય છે પરંતુ તે સહન કરી લે છે કારણકે તે સારી રીતે જાણે છે કે તે વગર અનાજ ઉગવાનું નથી અને અનાજ વગર તેના સંતાનો એવા મનુષ્યો જીવી શકવાના નથી, આથી જ માણસ જયારે ધરતીમાં અનાજનો એક દાણો વાવે છે ત્યારે પીડા સહન કરીને પણ ધરતીમાતા અનેક દાણા આપે છે.
આપણી સંસ્કૃતિમાં પૃથ્વીને ભગવાન વિષ્ણુની પત્નિ કહેલ છે. આ રીતે જોઈએ તો શ્રી વિષ્ણું મનુષ્યના પિતા થયા ગણાય. આપણે ભગવાન શ્રી વિષ્ણુને તેમના અવતારો રામ, કૃષ્ણ વગેરેનું પૂજન કરીએ છીએ, વારંવાર તેનું સ્મરણ કરીએ છીએ. આપણે જો પિતાની આ રીતે પૂજા કરતા હોય તો માતા સમાન પૃથ્વીની પણ પૂજા અર્ચના કરવી જોઈએ. આપણે એવા કર્મો અને દોષોથી દૂર રહેવું જોઈએ જેના કારણે ધરતીમાતા શરમ અનુભવે.