
આપણે જેને આદું તરીકે ઓળખીએ છીએ, તેને સંસ્કૃત ભાષામાં આદ્રક કહે છે. જે હંમેશાં લીલું ભીનું રહે છે અથવા જેને લીધે મુખમાં પાણી આવે છે અને જે જીભને ભીની રાખે છે. આ કર્મોને લીધે આદુંને આદ્રક કહે છે. આદુંમાંથી જલીયાંશ ઊડી જાય ત્યારે તેને સૂંઠ કહે છે. આદુંમાંથી સૂંઠ બને ત્યારે તેમાં એક ઉડનશીલ તેલ ઉત્પન્ન થાય છે. જેથી સૂંઠ એ વિશેષ તીક્ષ્ણ, ઉષ્ણ અને ગ્રાહી બને છે.
ગુણધર્મો :-
સંસ્કૃતમાં આદુંના આર્દ્રક, શૃંગવેર, કટુભદ્ર, કટુત્કટ વગેરે પર્યાયો છે. આદું ભારતવર્ષમાં સર્વત્ર થાય છે. બટાટાની માફક આદું પણ કંદમૂળ છે. જેથી તેનાં બીજા હોતાં નથી. તેનો છોડ એક હાથ સુધીની ઊંચાઈનો થાય એટલે મૂળ પથરાવા લાગે છે. તેને જ આદું કહે છે.
આદું સ્વાદમાં ભીખું હોય છે અને પચ્યા બાદ મધુરતા પકડે છે. આદું ભોજન પર રુચિ ઉત્પન્ન કરનાર, હ્રદય અને કંઠ માટે હિતકારી, જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, કબજીયાત દૂર કરનાર અને વૃષ્ય-વીર્યજનક છે. તે કફ અને વાયુનાં વિકારો, ઉધરસ, દમ, આફરો, ઊલ્ટીનો નાશ કરનાર છે. ઉપરાંત અર્શ-મસા, ઉદરરોગો, જલોદર વગેરેમાં પણ હિતકારી છે.
આદું માટે કહેવાયું છે કે ભોજનાગ્રે સદા પથ્યં લવણાર્દ્રક ભક્ષણમ્ એટલે કે ભોજન પૂર્વે – આદુંના ટુકડા પર સિંઘવ ભભરાવીને ખાવું એ સદા પથ્યકર છે. આ પ્રયોગથી ભોજન પરથી અરુચિ દૂર થાય છે. તેમ જ જીભ અને ગળું સાફ થઈને ભૂખ પણ વધે છે.
ઉપયોગો :-
* આદુંનો રસ ૫ ગ્રામ, લીંબુનો રસ ત્રણ ગ્રામ, શેકેલું જીરું અને સિંધવ ૧-૧ ગ્રામ, મુનક્કા દ્રાક્ષ ૫ નંગ, નાની એલચીના ૮ થી ૧૦ દાણા મેળવી, ચટણી સમાન બનાવવું. આ રીતે ચટણી બનાવી દરરોજ એક વાર સેવન કરવાથી અરુચિ અને મંદાગ્નિ દૂર થાય છે.
* સાધરણ ઠંડી અને કફના કારણે જો ઉધરસ આવતી હોય તો ૧૦ થી ૨૦ ટીપાં આદુંના રસમાં એટલું જ મધ મેળવી દિવસમાં ૪ થી ૬ વાર ચટાડવાથી ઘણો ફાયદો પહોંચે છે. ભારે શરદી – સળેખમ જેને અવાર નવાર થતી હોય તેને આદું, તજ અને ખડી સાકરના ઉકાળાનો પ્રયોગ કરવો જોઈએ. આ ઉકાળો સવારે લેવાથી દર્દીને ઘણી રાહત પહોંચે છે.
* શ્વાસ – દમના દર્દીએ આદુંનો રસ, નાગરવેલના પાનનો રસ અને તુલસીના પાનનો રસ એક – એક ચમચી લઈ તેમાં બે ચમચી મધ મેળવી સવાર – સાંજ પ્રયોગ કરવો. તેનાથી કોઈ પણ ઋતુમાં દમમાં ફાયદો થાય છે.
આદુંમાંથી આર્દ્રકાવલેહ બનાવવામાં આવે છે. આ અવલેહ ૫ થી ૧૦ ગ્રામ રોજ પ્રયોગ કરવાથી શ્વાસ – દમ; ઉધરસ, મંદાગ્નિ અને ભોજન પરની અરૂચિ દૂર થાય છે.
* ચા બનાવવાની રીતની જેમ આદુંના ટુકડાની દૂધ અને ખાંડ નાખીને ચા બનાવવી. આ આદુંની ચા પીવાથી કફ, ઉધરસ, શરદી, શિરઃશૂલ, કમર અને છાતીનો દુખાવો મટે છે.
* એક ચમચી આદુંના રસમાં એક ચમચી દાડમનો રસ મેળવી અમ્લપિત્તના દર્દીને આપવાથી તેને તુરંત રાહત થાય છે.
* અમ્લપિત્ત, આધ્માન, ગુલ્મ, ગોળો, શૂલ વગેરે ઉંદર વિકારોમાં રસાયન કલ્પ વિધિથી આદુંનું સેવન કરવામાં આવે તો મૂળથી આ ઉદરરોગો મટે છે.