
સાબરમતીને કાંઠે નવા વાડજ પાસે આશ્રમની સ્થાપના થઈ. શરુઆતમાં અમે બેચાર તંબૂઓમાં રહેતા હતા. ઝૂંપડાં પાછળથી બંધાયાં.
અમે આશ્રમભૂમિ પર આવી પહોંચ્યા તેની ખબર સૌથી પહેલી આસપાસના ચોરોને મળી. તેઓ અમારું સ્વાગત કરવા રાત્રે આવવા લાગ્યા. સારા લોકો મળવા આવે ત્યારે ભેટસોગાત આપી જાય. ચોરોનો કાયદો એથી ઊલટો છે. તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે કંઈ ને કંઈ ભેટ લઈ જાય ! પરિણામે અમે રાત્રે પહેરો ભરવાનું શરૂ કર્યું. હું ઘણુંખરું રાતના એકથી ત્રણ વાગ્યા સુધી પહેરો ભરતો. આગલી રાતે થોડું ઊંઘી લીધા પછી શરીર પ્રસન્ન રહેતું અને પાછલી રાતની ગંભીર શાંતિ ધ્યાન માટે અનુકૂળ હતી. ઉપનિષદના મંત્રો બોલતો બોલતો હું આશ્રમની આજુબાજુ ચક્કર માર્યા કરતો.
થોડા દિવસ પછી બાપુ પ્રવાસેથી પાછા આવ્યા. સાંજની પ્રાર્થના પછી તેમણે ચોરોના સવાલની વાત કાઢી. ઘણી ચર્ચા થઈ. પછી બાપુ બોલ્યા, "મગનલાલ (ગાંધીજીના ભત્રીજા ને આશ્રમના વ્યવસ્થાપક) ઇચ્છતા હોય તો સરકાર પાસે લાઇસન્સ લઈને બંદૂક ખરીદી આપું. લોકો ટીકા કરે કે આ ‘અહિંસક લોકો બંદૂક કેમ રાખે છે‘ તો તેમને જવાબ આપવાવાળો હું અહીં બેઠો છું."
આને વિશે પણ થોડી ચર્ચા થઈ. બાપુએ કહ્યું, ‘આપણે બધાં સ્ત્રી-પુરુષ-બાળકો અહીં ભયભીત દશામાં રહીએ તે કરતાં બહેતર છે કે બંદૂકથી આપણો બચાવ કરીએ. ભયગ્રસ્ત માણસ અહિંસક થઈ જ ન શકે. મનની નિર્વીર્ય હિંસા કરતા રહીએ તે કરતાં ચોરોને ડર બતાવવો એ સારું છે.‘
આને વિશે અભિપ્રાય માગવામાં આવ્યો. મેં એનો વિરોધ કર્યો. સૌને આશ્ચર્ય થયું. ‘શું આ મહારાષ્ટ્રી પ્રત્યક્ષ બાપુ કરતાં દોઢો અહિંસક થઈ ગયો !‘ એવો ભાવ સૌના મોઢા પર વંચાતો હતો. મેં કહ્યું, ‘અહિંસાની ર્દષ્ટિએ હું વિરોધ નથી કરતો. મારી દલીલ એ છે કે આજે સરકારના દરબારમાં બાપુજીની ઇજ્જત ને કિંમત છે, તે બાપુજીને પોતાના શુભેચ્છક માને છે, એટલે આપણને એકને બદલે ચાર રાઇફલો મળી શકશે. પણ દેશના કરોડો ખેડૂતોને આવાં હથિયારો ક્યાંથી મળે ? આપણા ખેડૂતોને જ્યાં સુધી પોતાનું રક્ષણ બંદૂક વગર કરવું પડે છે ત્યાં સુધી આપણે પણ એ મર્યાદામાં રહીને જ આપણું રક્ષણ કરવું જોઈએ.‘
બાપુને મારી દલીલ મનમાં વસી હશે કેમ કે બંદૂકની દરખાસ્ત જેમની તેમ રહી ગઈ.
ત્યાર પછી જ્યારે સરકારે યુદ્ધકાર્યમાં બાપુની મદદ માગી ને બાપુએ ખેડા જિલ્લામાં રંગરૂટની ભરતી કરવાનું શરૂ કર્યું ત્યારે સરકાર સાથે પત્રવ્યવહાર કરીને ખેડા જિલ્લાના ખેડૂતોને મોટી સંખ્યામાં બંદૂકનાં લાઇસન્સ તેમણે અપાવ્યાં. આ વાત જ્યારે મેં સાંભળી ત્યારે હું ઘણો રાજી થયો.
- કાકાસાહેબ કાલેલકર